jump to navigation

અંધકાર થી પ્રકાશ સુધી July 27, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન.
6 comments

બાઇબલમાં યોહાન (John 8:12) ની સુવાર્તાના આઠમા અધ્યાય અને બારમી કળી પ્રમાણે –

ઈસુએ લોકોને કહ્યું “હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં ચાલવું નહિ પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે.” ઈશ્વરે દુનિયાના બે મોટા બલ્બ બનાવ્યા છે સૂર્ય અને ચંદ્ર. યુગોથી એ ધરતી પર પ્રકાશ પાથરતા રહ્યા છે. માણસજાત પ્રકાશથી પ્રભાવિત હતી અને ગુફાઓમાં પ્રકાશના અભાવનો પર્યાય શોધવા લાગી. પથ્થર ઘસીને પ્રકાશ પેટાવ્યો, લાકડાં સળગાવી પ્રકાશ મેળવ્યો પણ એની સાથે આગ ફેલાવાનો ભય હતો. ત્યાર પછી દીવાની શોધ થઈ અને માટીના તેલથી અજવાળું આપતા ફાનસ બન્યા. મારા પપ્પા ઘણી વખત વાત કરે છે કે કેવી રીતે ફાનસ ના અજવાળામાં અભ્યાસ કરતા અને પછી ફળિયામાં વીજળીનો થાંભલો લાગ્યા પછી એની નીચે બેસીને વાંચતા. વીજળી શોધ કરવાનો કેટલાય લોકોએ પ્રયત્ન કર્યો પણ ૧૮૦૦ ની સાલમાં ઇંગલેંડના વૈજ્ઞાનિક હંમ્ફ્રી ડેવીને સફળતા મળી. એમણે એક બેટરી બનાવી એના વાયર એક કાર્બન સાથે જોડ્યા તો પ્રકાશ થયો. પણ એ પ્રકાશ લાંબા સમય સુધી રહે એની શોધ સાઇઠ વર્ષ પછી ઇંગલેંડના સર જૉસેફ વિલ્સન સ્વાને કરી. પણ એમણે વાપરેલ કાર્બન પેપર ફિલામેંટ જલદી બળી જતું હતું. ૧૮૭૭માં ચાર્લ્સ ફ્રાન્સીસ બ્રશ નામના અમેરિકને એક નવા કાર્બન આર્કનો ઉપયોગ કરી ક્લિવલેંડ, ઓહાયો ના પબ્લિક સ્ક્વેરમાં રોશની ફેલાવી.

પણ આજે જે લાઇટ બલ્બ દુનિયાના દરેક ધર અજવાળે છે એની શોધ ૧૨૦ વર્ષ પહેલા ૧૮૭૯માં અમેરિકાના થોમાસ આલ્વા એડિસને કરી. એમણે હજારો અલગ અલગ ફિલામેંટ પર પ્રયોગો કર્યા કે જેથી એમને એવું ફિલામેંટ મળે જે જલદી બળી ન જાય. એમનો પહેલો બલ્બ ૪૦ કલાક સુધી ચમક્યા કર્યો. પણ એમના પ્રયત્ન ચાલુ જ હતા અને આખરે એમણે એવો બલ્બ બનાવ્યો જે ૧૫૦૦ કલાકથી વધારે કલાક સુધી પ્રજ્વળીત રહે. થોમાસ એડિસનનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭ ના દિવસે મિલાન, ઓહાયો માં થયો હતો અને ૧૮ ઑક્ટોબર ૧૯૩૧ ના દિવસે એમની આ પ્રકાશની દુનિયા છોડી ઈશ્વરના સનાતન પ્રકાશના દરબારમાં ચાલ્યા ગયા.

આ વિષયને લગતી વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

માણસે કેટલાય ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ કરી છે તો ઘણા ક્ષેત્રમાં પુરાણી ઘરેડમાં ધર્મના નામે કે સમાજના નામે પાછળ રહ્યો છે. જીવનનો પ્રકાશ પામવા માટે આપણે પૂરતી પ્રગતિ નથી કરી. આજ વિષયને લગતી મારી એક રચના અહીં રજૂ કરું છું. આશા છે કે ગમશે અને ગમે કે ન ગમે આપના પ્રતિભાવ આપશો.

યાદ છે!

 

ફાનસ ભૂલી ગયા પછી પણ માટેનું તેલ યાદ છે,

રામ ને સીતા કોણ? પેલી ધોબણની યાદ છે!

શબરીનાં મીઠાં મીઠાં ફળ મળે તો શું થયું,

તારી પાછળ આવતા દહેજને દાદ છે!

અહલ્યા શિલા બને કે શિલા બને અહલ્યા,

મને તો અકબંધ ન મળ્યાની ફરિયાદ છે.

રામ તો શું લક્ષ્મણની રેખા તું ભલે ઉલંઘે,

મારી દોરેલી રેખા ભૂંસવાનો અપવાદ છે.

મેં તો માગ્યું નો’તું તમારું ધનુષ્ય તોડવા,

રમતા રમતા તૂટી ગયાનો જ બસ માદ છે.

૧૪ વર્ષ તો વિતાવ્યાં વનવાસ સમજી,

કહો કેટલાં બાકી હજુ થવાના બરબાદ છે?

–   જગદીશ ક્રિશ્ચિયન

હમણાં ગયા અઠવાડિયે આપણા ભારતમાં સૂર્યગ્રહણ થયું એને ઘણા લોકોએ જોયું. પાંચ મિનિટ માટે અંધારપટ છવાઈ ગયો હતો. એ અંધકારમાંથી આપણે બહાર આવી ગયા અને ઈશ્વરે એનો પ્રકાશપૂંજ પાછો પ્રજ્વલિત કરી દીધો. આ વિષય પર શ્રી. ગોવિંદ મારૂ એ એક સરસ માહિતીસભર લેખ લખ્યો અને એના અનુસંધાનમાં શ્રી. સુરેશભાઈ જાનીએ પણ એક લેખ લખ્યો. ઘણા બ્લોગરોએ પોતાના અભિપ્રાય આપ્યા. પણ શ્રી. મુનિ મિત્રાનંદસાગરે એક સચોટ વાત કરી “માણસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની ચિંતા કરવાના બદલે આ ધરતીની ચિંતા કરતો હોત તો કેવું સારૂં હતું. સ્વર્ગના ખ્યાલોમાં સ્વર્ગ જેવી પૃથ્વીનું નરકમાં રૂપાન્તર થઈ રહ્યું છે એ અંગે કોઈ વિચારે તો કેવું સારૂં!” આપણે પેટ્રોલનો અતિ ઉપયોગ કર્યો, પાણીનો દુરુપયોગ કર્યો, આપણે જાતજાતના કેમિકલ્સ બનાવી ધરતીને, હવાને અને પાણીને પ્રદુષીત કર્યાં. માનવજાત સામે “Global Warming” નામનો મહારાક્ષસ ફુંફાળા મારી રહ્યો છે. આપણે જાગવાની તાતી જરૂરિયાત છે.

map-fullનકશાનું પ્રાપ્તિસ્થાન – ક્લાઈમેટહોટમેપ.ઓર્ગ

આ નકશાને ચકાસો અને જુઓ કે દુનિયાનું તાપમાન કેટલી હદે વધી ગયું છે અને વધતું રહે છે. અત્યારે મને કવિ શ્રી. દલપતરામ ની એક કવિતા યાદ આવે છે જે ઘણો નાનો હતો ત્યારે શાળામાં ભણેલા અને મોટા મોટા અવાજે ગાતા:

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

-દલપતરામ

શું આજની તારીખે આ ગીત ખરા અર્થમાં ગાઈ શકીશું?

નિરાળો મુકામ – ગુજરાતી રૉક સંગીત આલ્બમ July 25, 2009

Posted by jagadishchristian in સંગીત.
add a comment

૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ શનિવારે રાજપથ ક્લબમાં એક ગુજરાતી આલ્બમ “નિરાળો મુકામ” ના લોચીંગ અંગેની પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દી ફિલ્મ સાંવરિયાથી ખ્યાતી પામેલા મોન્ટી શર્માએ આ આલ્બમનું સંગીત આપ્યું છે. હિન્દીભાષી ગીતકાર સંદીપનાથ અને ગુજરાતી ગીતકાર દિલીપ રાવલે સંયુક્ત રીતે આ આલ્બમના છ ગીતની રચના કરી છે. ગુજરાતના ગૌરવ અને સંગીતના ચમકતા સિતારા પાર્થિવ ગોહિલ અને ઐશ્ચર્યા મજમૂદારે પોતાના મખમલી અવાજમાં આ આલ્બમના ગીતો ગાયા છે. આ આલ્બમ હમણાં અમેરિકન બાજારમાં આવ્યું.

એનો અહેવાલ અહીં વાંચો – માહિતી- એબીજીદેશીગુજરાત.બ્લોગસ્પોટ.કોમ
 
આ આલ્બમમાં સુગમ સંગીત નથી કે નથી ગરબા સંગીત પણ આજના જમાનાને અનુરૂપ રૉક સંગીત છે. યુવાવર્ગને તો ગમશે જ અને બીજા બધા વર્ગને પણ ગમે એવા એક ગીતને સાભળો અને નક્કિ કરો. આ ગીતમાં થનગનતા ગુજરાતીની વાત છે.

જો આ આલ્બમ ગમે તો તમારા મનપસંદ ઑડિયો-વિડીયો સ્ટોરમાંથી મેળવી લેજો.

ગુગલ અર્થ-નકશા નો ઉપયોગ July 23, 2009

Posted by jagadishchristian in અવનવું.
3 comments

new-york-state-alphabet

રેચલ યંગ નામની 25 વર્ષની એક યુવતીએ આ બારાખળી ગુગલ નકશો જોઈને બનાવી છે. ફેબ્રુઆરી મહિનામાં કાર અકસ્માતમાં પોતાના ખભા, પગ અને કરોડરજ્જુની ઈજા બાદ ઘરમાં બેઠા ન્યુ યોર્ક રાજ્યના નકશા પરથી અંગ્રેજી બરાખળીના 26 અક્ષરોના નકશા શોધી અહીં રજૂ કર્યા છે. ઑસ્ટ્રેલિયાના એક ડીઝાઈનર રેહટ ડેશવુડે સૌથી પહેલા ગુગલ નક્શા પરથી દુનિયાના નકશાની બારાખળી બનાવી હતી. અને તેને છ મહિના લાગ્યા હતા. રેચલે ન્યુ યોર્કની મુલાકાત લીધી નથી છતાં પાંચ દિવસમાં આ કામ પૂર્ણ કર્યું. રેચલ ઇંગ્લેન્ડ માં રહે છે અને એક ન્યૂઝ એજન્સીમાં કામ કરે છે.

માહિતી – ન્યુ યોર્ક પોસ્ટ અને બઝફીડ.કોમ

ગુજરાતી બારાખળી શોધવાનું બીડું ઉપાડવા કોઈ તૈયાર છે ?

ચંદ્રારોહણ July 21, 2009

Posted by jagadishchristian in અવનવું, મારી કવિતા, વિચાર-મંથન.
4 comments

૨૦ જુલાઈ ૧૯૬૯ – ચંદ્ર પર માણસનો પગપેસારો.

આજે બરાબર ૪૦ વર્ષ થયાં નીલ આર્મસ્ટ્રોંગ, બઝ ઓલ્ડ્રીન અને માઈકલ કૉલીંસ ની ચંદ્રયાત્રાને તથા માણસજાતના પ્રતિનિધિ તરીકે નીલ આર્મસ્ટ્રોંગની ચંદ્ર પર પાડેલી પા પા પગલી ને. અત્યાર સુધીમાં બાર વ્યક્તિઓએ ચંદ્ર પર પગ મૂક્યો છે અને એ બધાજ અમેરિકન છે. જુઓ આ ૪૦ વર્ષ પહેલાની વિડીયો:

૪૦ વર્ષ પૂરાં થયાની ઉજવણીના ભાગ તરીકે ત્રણેય એસ્ટ્રોનોટ્સનું પ્રેસિડેન્ટ ઑબામા એ વ્હાઈટ હાઉસની ઓવલ ઑફિસમાં સ્વાગત કરી અભિવાદન કર્યું હતું 

Obamaapoll11astronauts

 

ઈશ્વરે દુનિયા બનાવી માણસજાતને સોંપી ત્યારથી માણસ એના રહસ્યને પામવાના પ્રયત્ન કરતો રહ્યો છે. ચંદ્ર સાથે આપણો નાતો-સંબંધ યુગોથી છે. લગભગ દરેક જુની સંસ્કૃતિમાં કેલેન્ડરનું માળખું બનાવવામાં ચંદ્રનો ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય, ઈજીપ્શયન, યહૂદી, ચાઇનીઝ વગેરે સમાજના ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં ચંદ્ર ખૂબ મોટો ભાગ ભજવે છે. લગભગ બધા ધાર્મિક તહેવારો ચંદ્રની પરિસ્થિતિ પર આધારિત હોય છે. આપણા દેશમાં હિન્દુ પરિણીત સ્ત્રીઓ કરવાચોથ ના દિવસે ઉપવાસ રાખી ચંદ્રદર્શન કરી પોતાના પતિ ના હાથે પારણા કરે છે. શરદ પૂનમનું પણ આપણા દેશમાં અને ખાસ કરીને ગુજરાત માં એક આગવું મહત્વ છે. તો મુસલમાન લોકો ની ઈદ ચંદ્રદર્શન પર આધારીત હોય છે. યુગોથી પુરુષ પોતાની પ્રિયતમાના રૂપની સરખામણી ચંદ્ર સાથે કરતો રહ્યો છે. હિન્દી મુવીમાં એનો ભરપૂર ઉપયોગ થતો રહ્યો છે. ચૌદવીકા ચાંદ હો તુમ, ચાંદસી મેહબુબા દો મેરી વગેરે વગેરે. પોતાની પ્રિયતમાને ચાંદ-તારા તોડી લાવવાની અશક્ય લાલચ પણ આપતો રહ્યો છે. તો માતા પોતાના દીકરાને ચાંદ સાથે સરખાવતી હોય છે – ચંદા હૈ તું મેરા સૂરજ હૈ તું. અને ચંદ્રને બાળકોના મામા પણ બનાવી દીધા છે – ચંદામામા દૂરકે.

આ રીતે દરેક વ્યક્તિએ કોઈને કોઈ રીતે ચાંદા સાથે સંબંધ બાંધી લીધો છે. મેં પણ જરૂરત પ્રમાણે ચાંદા સાથે દોસ્તી કરી છે. થોડાં વરસો પહેલાં લખેલી એક કવિતા કે જેમાં ચાંદ સાથેની દોસ્તી અને દુનિયાદારીની થોડી વાત કરી છે. આશા છે કે તમને ગમશે.

 હું અને ચાંદ !!!

 “આવ ભાઈ હરખા આપણે બે સરખા”

ચાંદલિયો અને હું બન્યા પરસ્પર સખા!

માણસ તારો આભાર કાલે અને આજે,

ગણે ખૂબસૂરત ઓરત અને ચાંદને સરખા!

ફરિયાદ તો એટલી, લોભાવે કેમ તું એને?

“તોડી લાવું ચાંદ-તારા” પછી બસ વલખાં!

ભૂલી છે આજની ઓરત હવે “કરવાચોથ”ને!

”ડાયેટ” તો કરે પણ ઉપવાસને ગણતી ડખા!

”રામે” તાંબાકુંડીમાં જોયો એજ ચાંદ છે આજે,

શોધું સીતા, મીરા, રાધા તારામતી ખામખાં!

–          જગદીશ ક્રિશ્ચિયન જાન્યુઆરી ૨૩, ૨૦૦૪

આ પોસ્ટ કાલે મુકવાની હતી પણ થોડી ટેકનિકલ ખામીના કારણે ન કરી શક્યો.  તો આજે માણો અને ગમે તો પ્રતિભાવ આપજો. આભાર.

કળા – પ્રદર્શન – પ્રતિભાવ – આભાર July 18, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન, સંગીત.
3 comments

લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ (રાજ મેકવાન – ગરવાગુજરાતી.કોમ જેને ગુજરાતી બ્લોગજગત ઓળખતું જ હશે) વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર ઘણા બધા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. આમ તો મારી પોતાની વેબસાઇટ તો છે જગદીશ ક્રિશ્ચિયન.કોમ પણ બ્લોગ શરૂ કર્યા પછી થોડું જાણતા, સમઝતા અને વાપરતા થોડો સમય લાગ્યો. પણ પ્રયત્ન કરીને જાણ્યું અને સમઝીને બ્લોગ શરૂ કરી દીધો. જાહેરાત કરી અને ઘણા બધા બ્લોગરોએ મુલાકાત લઈને મોંઘો આવકાર આપ્યો. ખૂબ ખૂબ આભાર.

પોતાની ઇચ્છા, શોખ, કૌશલ્ય, ઈશ્વરની કૃપા, જરૂરિયાત, જીવનનિર્વાહ, કૌતુક કે પછી પોતાના અહં, ઘમંડ, બીજાની બરાબરી કરવી, બીજાને નીચા બતાવવા એવા વિવિધ કારણસર દરેક વ્યક્તિ પોતાની આગવી કુશળતા દુનિયા સમક્ષ રજૂ કરવા માટે યુગોથી ઉત્સુક રહી છે. અને યુગોથી એના માટે નવી નવી યુક્તિઓ અજમાવતો રહ્યો છે. દુન્યવી સામાન્ય લોકો તો શું ઈશ્વર અને એની આજુ-બાજુ વાળા પણ એમાં અપવાદ નથી. બાઈબલની વાત કરીએ તો જુના કરારના ઉત્પતીના ગ્રંથ પ્રમાણે ઈશ્વરે પાંચ દિવસમાં આકાશ, પૃથ્વી, નભમંડળ, પાણી, પ્રકાશ, ઝાડ-વનસ્પતિ અને પશુ-પંખી બનાવ્યા અને ઈશ્વરને એ બધું સારું લાગ્યું. અને છઠ્ઠા દિવસે ઈશ્વરે પોતાના પ્રતિમૂર્તિરૂપ માણસ બનાવ્યો અને એને દુનિયા પર હકૂમત કરવા મૂકી દીધો.

કળાના પ્રદર્શનથી-ઉપયોગથી ફાયદો થઈ શકે છે તો નુકશાન પણ થઈ શકે છે. પેલા એકલવ્યની વાત તો આપણે બધા જાણીએ છીએ. પોતાની કળાનો ઉપયોગ કરી કૂતરાનું મોં બાણથી સીવી દીધું પણ પોતાનો અંગૂઠો ગુરૂદક્ષિણા તરીકે આપી બહુ મોટી કિંમત ચૂકવવી પડી. દ્રોપદીએ સ્વયંવર યોજી કળાના પ્રદર્શન માટે આહવન કર્યું. અર્જુન કામયાબ થયો પણ પોતાની પત્ની પોતાના ભાઈઓ સાથે વહેંચવી પડી. રાવણે પોતાની શક્તિ-કળા (ઈશ્વરની દેન) નો ગેરઉપયોગ કરી સીતાનું અપહરણ કર્યું તો ભગવાન રામે પોતાની યુદ્ધકળાથી સીતાની મુક્તિ કરાવી. વાલિયા લૂંટારાની કળા વખોડાઈ પણ વાલ્મિકીની કળા વખણાઈ.

આપણે બધા બ્લોગરો આપણા વિચારો અને લેખન-કળાનું અહિં પ્રદર્શન કરીએ છીએ. ક્યારેક વખાણ થાય તો ક્યારેક ટીકા થાય. ક્યારેક ખોટે ખોટા વખાણ થાય, શરમના માર્યા થાય, પૂર્વગ્રહના લીધે વખાણપાત્ર હોવા છતાં કોઈ પણ પ્રતિભાવ ના પણ મળે. શાળાકાળથી કવિતા લખવાની પ્રવૃતિ (શોખ) છે. ૧૯૮૫ માં દેશ છોડ્યો ત્યારે ત્યાં સુધીમાં લખેલી કવિતા અને વાર્તા ત્યાંજ છોડીને આવેલો. અમેરિકામાં એની જરૂર શું અને કેટલી એમ વિચારેલું. જ્યારે સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું કારણ એ બધું પસ્તી બની વેચાઈ ગયું અને કોઈનાં ભજિયાનું પડીકું બન્યું હશે. ખેર એમાંની એક કવિતા અક્ષરસહ યાદ આવી છે, વાંચો….

કહાણી !

પાણી જાણી

ગાગર તાણી!

છે નહીં પાણી

કે ગાગર કાણી ?

બની અજાણી

ફરી તાણી !

એજ માણી !

ન વર્ષાથી ભરાણી,

ન પ્યાસ બુઝાણી !

એજ કહાણી !!

– જગદીશ ક્રિશ્ચિયન

આ કવિતા યાદ આવવાનું એક કારણ છે. કદાચ ૧૦-૧૧ ધોરણ કે કૉલેજના પહેલા વર્ષ દરમિયાન આ કવિતા મેં “કવિતા” મેગેઝિનમાં છપાવવા માટે મોકલી હતી. માનનીય શ્રી. સુરેશ દલાલ ત્યારે એ મેગેઝિનના તંત્રી હતા. એકાદ-બે મહિનાની અંદર સાભાર પરતનો પત્ર મળ્યો. દુ:ખ તો બહુ થયેલું પણ શ્રી. સુરેશ દલાલની સહી વાળા પત્રથી આશ્વાસન મળેલું. હવે આજની આ જાંળાની (વેબની) દુનિયામાં પોતેજ લેખક, પ્રકાશક, મુદ્રક અને તંત્રી. સાભાર પરતના એ પ્રસાદથી તો બચી ગયા. મારી પહેલી નોંધ (post) ની નોંધ લઈ આવકાર, પ્રતિભાવ, પ્રશંસા અને સલાહ-સૂચન માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અપેક્ષા રાખું છું કે ભવિષ્યમાં પણ મળતા રહેશે.

મને નાનપણથી ગાવાનો શોખ છે. મારા સીવાય પણ થોડા ઘણા માને છે કે હું સારું ગાઈ શકું છું. આપણા દેશામાં હતો ત્યારે સ્ટેજ શો કરેલ અને નવરાતના ગરબા પણ ખૂબ ગવડાવ્યા. તથા જે વાજિંત્ર હાથ લાગ્યું એને વગાડવાનો પ્રયત્ન કરી એકાદ ગીતની થોડી પંક્તિ તો વગાડી નાખતો. પણ હાર્મોનિયમ પર હાથ થોડો સારો ચાલ્યો. તો આ કળાના પ્રદર્શનરૂપે નીચેનો વીડિયો નિહાળો. ૧૨ એપ્રિલ, ૨૦૦૯ ઈસ્ટરની સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી માટે અમારું આખું કુટુંબ મારા ભાઈ કેતનના ઘરે એકઠા મળેલા ત્યારે થોડા ગીતો ગાયેલા એમાંનું એક.

       આજ પ્રભુના માનમાં ગાઓ કોઈ નવું એક ગીત,

અનુપમ એવાં કાર્યો કર્યાં, નિજ પુણ્યપ્રતાપે મેળવી એણે જીત.

        ધરતીના સૌ લોક, પ્રભુનો જયનારો લલકારો,

        તમે ભજન ને કીર્તન એનાં કંઠ ભરી પુકારો.

        સિતાર કેરા તાર તારને રહો તમે ઝંકારી,

        એના સૂરે સૂરે પ્રભુનાં કીર્તન રહો લલકારી.

        શરણાઈના સૂર વહાવો, શંખનાદ ફૂંકારો,

        રાજરાજેશ્વર પ્રભુની આગે જયજયકાર પુકારો.

        ગર્જી ઊઠે સાત સમન્દર ને ત્યાં સંચરનારાં,

        ગાઈ ઊઠે આ ધરણી આખી ને એમાં વસનારાં.

        નદીઓ હાથથી તાલ પૂરે ને શિખરો ગાન પુકારે,

        ધરતી ઉપર શાસન કરવા જાતે પ્રભુ પધારે.

        દુનિયા પર ને દુનિયા કેરી સહુ પ્રજાને માથે,

            ન્યાય ને ધર્મ કેરું શાસન પ્રભુજી કરશે સાચે.

આશા છે કે આજની આ આભારસ્તુતી તમને ગમશે.

દિશા-દર્શન, દશા-વર્ણન July 9, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન.
13 comments

ભૌગોલિક ધોરણ પ્રમાણે મુખ્ય ચાર દિશાઓ છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. અને કેટલીક પેટા દિશાઓ છે. સૂર્યોદયનો ઉજાસ માણવા પૂર્વ દિશા તરફ મિંટ માંડવી પડે, તો સૂર્યાસ્તના સમયે આંખો પશ્ચિમની ક્ષિતિજ પર હોવી જોઇએ. યોગ્ય દિશા મળે પણ યોગ્ય માર્ગ ન મળે તો મંઝિલે પહોંચવું આસાન નથી. અને દશા જો માફકસર ન હોય તો યોગ્ય દિશા, યોગ્ય માર્ગ મળ્યા છતાં મંઝિલ ઝાંઝવાંના જળ જેવી હાથવેંત હોય એમ લાગવા છતાં હાથ વગી નથી થતી.

હવે પ્રશ્ન એ છે કે યોગ્ય દિશાની પરિભાષા કઈ સાચી અને સારી છે. સચોટ દિશા શોધવામાં દિલ-દિમાગ, બુદ્ધિ-જ્ઞાન, તકદીર-તુક્કો, શ્રદ્ધા-અંઘશ્રદ્ધા, જોગ-સંજોગ, જિગર-જોખમ, સ્વપ્ન-કલ્પના, અપેક્ષા-ઇચ્છા, ગમો-અણગમો, હિંમત-કમજોરી, મોકો-મજબૂરી, દોરા-ધાગા, જંતર-મંતર વગેરે પરિબળો મહત્વની ભૂમિકા નીભાવતા હોય છે. આખરે દરેક વ્યક્તિ આ પરિબળો વચ્ચે ચાલતી દિલ અને દિમાગની હારજીતને આધારે પોતાની દિશા નક્કી કરે છે. માનવ મન સામાન્ય રીતે દિશા પસંદગીનું લક્ષ સુખ-સંપત્તિ માનીને, એને મેળવવા વલખાં માર્યા કરે છે. સફળતા મળે તો પોતાની જાત પર અભિમાન કરે છે અને જો નિષ્ફળતા મળે છે ત્યારે દોષારોપણ માટે બીજી કોઈ વ્યક્તિને શોધતા હોય છે. જો દુન્યવી વ્યક્તિ ન મળે તો આખરે ઈશ્વર તો મળીજ રહે છે.          

હવે મારા જ વિચારોની દિશા તરફ ખેંચી જવાનો મોહ છોડીને (કષ્ટપૂર્ણ કામ છે!!) આ વિષયને અનુરૂપ આપણા ગુજરાતના ખ્યાતનામ કવિ-ગઝલકારોના શેર અને પંક્તિ અહિં રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે.

 કવિ શ્રી રવિ ઉપાધ્યાય એમની ગઝલમાં લખે છે,

“મંઝિલ ને ઢૂંઢવા દિશા કપરી જવું પડે

 છોડી જુનું વતન નવી નગરી જવું પડે”

તો સાંભળો આ ગઝલ ગુજરાતી સુગમ સંગીત ના શહેનશાહ શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠમાં.

આલ્બમ- ગુલમહોર

“ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી 

 કે સારા હોય છે એની દશા સારી નથી હોતી”

– બરકત વીરાણી ‘બેફામ’

“સૌ પાકા ગુનેગાર સુખી છે, હું દુ:ખી છું 

 શું મારા ગુનાહોમાં કોઈ ચૂક થઈ છે?”

– મરીઝ  

“’બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું

  નહિ તો જીવનનો માર્ગ છે ધરથી કબર સુધી”

– બરકત વીરાણી ‘બેફામ’ 

“આ દિવસનો માર એને પણ પડે છે, જોઈ લ્યો 

 સાંજ પડતાં તો સૂરજ રાતો-પીળો થૈ જાય છે”

– સુધીર પટેલ

“શ્રદ્ધા જ મારી લઈ ગઈ મંઝિલ સુધી મને 

 રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ”

– ગની દહીંવાલા

“તું ફક્ત નિર્ભર તર્ક પર ને જ્ઞાન પર 

 થોડીક શ્ચદ્ધા જોઈએ ભગવાન પર”

– હિતેન આનંદપરા

“મંઝિલની ધૂનમાં ન હું જાણી શક્યો જરી 

 કે સાથમાં તમે હતા મારા પ્રવાસમાં..”

– જમિયત પંડ્યા ‘જિગર’

કવિ શ્રી જવાહર બક્ષી લખે છે એમની ગઝલમાં,

“દસે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે 

 શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે

તો સાંભળો ઊભરતા યુવાન કલાકાર આલાપ દેસાઈ (શ્રી આસિત-હેમાબેન દેસાઈ ના સુપુત્ર) ના કંઠે..

આલ્બમ- કાવ્ય સંગીત સમારોહ 2007 સમન્વય અને ગુજરાત સમાચાર પ્રસ્તુત

“નથી એક માનવી પાસે બીજો માનવ હજી પહોંચ્યો

 અનિલ મેં સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો”

– રતિલાલ ‘અનિલ’

કવિ શ્રી બરકત વીરણી “બેફામ” દશાના બદલાવનું સરસ વર્ણન આ ગઝલમાં કરે છે,

“દશા બદલાય છે જ્યારે એ બધા બદલાઈ જાય છે

 હકીકતમાં જુઓ તો કલ્પના બદલાઈ જાય છે”

તો સાંભળો ગુજરાતી સંગીતના શહેનશાહ પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત મઢ્યા કંઠે..

આલ્બમ- લંડન લાઇવ

“દશા પર દાઝનારા ને દશા પર દૂઝનારાઓ,

 નથી હોતા ખુમારીથી જીવનમાં ઝૂઝનારાઓ 

 દિશા જાણ્યા વિનાના છે દશાથી ધ્રૂજનારાઓ 

 કહી દો એમને કે હે દશાના પૂજનારાઓ! 

દશા તો છે સડક જેવી સડક ચાલી નથી શકતી 

સડકને ખૂંદનારાને સડક ઝાલી નથી શકતી.”

– વેણીભાઈ પુરોહિત

 

 “સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતા

 દિશા બદલતો નથી હું જહાજ બદલું છું”

– રાજેન્દ્ર શુક્લ

“સંજોગ ના ઇશારે જેઓ ફરી રહ્યા છે 

 મ્રુત્યુ વિના બિચારા એ સૌ મરી રહ્યા છે”

– શેખાદમ આબુવાલા

અને આખરે, last but not the least (મોહ છોડ્યે થોડો છૂટે છે) મારી પોતાની ગઝલ રજૂ કરું છું જેમાં પણ દિશાને લગતો એક શેર છે. આશા છે તમને ગમશે અને ગમે તો દાદ જરૂર આપજો.

Pointing_Finger

 

      આરોપ

 

 

વાયદાના બધા કાયદા તોડવાનો આરોપ તમારા પર

ન ચર્ચા, ન ખુલાસો આપવાનો આરોપ તમારા પર

મેં તો વાગોળી કાલની બધી જ વાતો તમારી સમક્ષ

રે! “આજ” પણ ન આપી શકવાનો આરોપ તમારા પર

મન મૂકી શણગાર્યુતું મેં મારું મોટું આ ઘર રુઆબથી

પોતીકું સમજી, ન સંભાળવાનો આરોપ તમારા પર

હતું કે દનિયાને નવી દિશા અને રાહ આપી જઇશ

જગ આખું હસે છે, મોકો દેવાનો આરોપ તમારા પર

સાંભળ્યુતું કે સમયની સાથે સમઝણની સરવાણી ફૂટશે

નામ “જગદીશ” એ બોળવાનો આરોપ તમારા પર.

– જગદીશ ક્રિશ્ચિયન

મોટા ભાગના આપણને દિશા-સૂચન ગમતું નથી અને આ કોઈ દિશા-સૂચનનો પ્રયત્ન નથી પણ દિશા-દર્શનનો અનુભવ કરાવવાની ચેષ્ટા છે. અરીસો જાતે જોવાની તો મઝા જ કંઈ જુદી જ હોય છે પણ કોઈ બતાવે તો લગભગ ગમતું નથી.

વેબસાઇટ શરૂ કર્યા પછી થોડું જાણતા, સમઝતા અને વાપરતા થોડો સમય લાગ્યો. પણ પ્રયત્ન કરીને જાણ્યું અને સમઝીને વાપરવાનો આ પ્રયત્ન છે. આશા છે તમને ગમશે. આભાર.

%d bloggers like this: