jump to navigation

અંધકાર થી પ્રકાશ સુધી July 27, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન.
trackback

બાઇબલમાં યોહાન (John 8:12) ની સુવાર્તાના આઠમા અધ્યાય અને બારમી કળી પ્રમાણે –

ઈસુએ લોકોને કહ્યું “હું જગતનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેને કદી અંધકારમાં ચાલવું નહિ પડે, પણ તે જીવનનો પ્રકાશ પામશે.” ઈશ્વરે દુનિયાના બે મોટા બલ્બ બનાવ્યા છે સૂર્ય અને ચંદ્ર. યુગોથી એ ધરતી પર પ્રકાશ પાથરતા રહ્યા છે. માણસજાત પ્રકાશથી પ્રભાવિત હતી અને ગુફાઓમાં પ્રકાશના અભાવનો પર્યાય શોધવા લાગી. પથ્થર ઘસીને પ્રકાશ પેટાવ્યો, લાકડાં સળગાવી પ્રકાશ મેળવ્યો પણ એની સાથે આગ ફેલાવાનો ભય હતો. ત્યાર પછી દીવાની શોધ થઈ અને માટીના તેલથી અજવાળું આપતા ફાનસ બન્યા. મારા પપ્પા ઘણી વખત વાત કરે છે કે કેવી રીતે ફાનસ ના અજવાળામાં અભ્યાસ કરતા અને પછી ફળિયામાં વીજળીનો થાંભલો લાગ્યા પછી એની નીચે બેસીને વાંચતા. વીજળી શોધ કરવાનો કેટલાય લોકોએ પ્રયત્ન કર્યો પણ ૧૮૦૦ ની સાલમાં ઇંગલેંડના વૈજ્ઞાનિક હંમ્ફ્રી ડેવીને સફળતા મળી. એમણે એક બેટરી બનાવી એના વાયર એક કાર્બન સાથે જોડ્યા તો પ્રકાશ થયો. પણ એ પ્રકાશ લાંબા સમય સુધી રહે એની શોધ સાઇઠ વર્ષ પછી ઇંગલેંડના સર જૉસેફ વિલ્સન સ્વાને કરી. પણ એમણે વાપરેલ કાર્બન પેપર ફિલામેંટ જલદી બળી જતું હતું. ૧૮૭૭માં ચાર્લ્સ ફ્રાન્સીસ બ્રશ નામના અમેરિકને એક નવા કાર્બન આર્કનો ઉપયોગ કરી ક્લિવલેંડ, ઓહાયો ના પબ્લિક સ્ક્વેરમાં રોશની ફેલાવી.

પણ આજે જે લાઇટ બલ્બ દુનિયાના દરેક ધર અજવાળે છે એની શોધ ૧૨૦ વર્ષ પહેલા ૧૮૭૯માં અમેરિકાના થોમાસ આલ્વા એડિસને કરી. એમણે હજારો અલગ અલગ ફિલામેંટ પર પ્રયોગો કર્યા કે જેથી એમને એવું ફિલામેંટ મળે જે જલદી બળી ન જાય. એમનો પહેલો બલ્બ ૪૦ કલાક સુધી ચમક્યા કર્યો. પણ એમના પ્રયત્ન ચાલુ જ હતા અને આખરે એમણે એવો બલ્બ બનાવ્યો જે ૧૫૦૦ કલાકથી વધારે કલાક સુધી પ્રજ્વળીત રહે. થોમાસ એડિસનનો જન્મ ૧૧ ફેબ્રુઆરી ૧૮૪૭ ના દિવસે મિલાન, ઓહાયો માં થયો હતો અને ૧૮ ઑક્ટોબર ૧૯૩૧ ના દિવસે એમની આ પ્રકાશની દુનિયા છોડી ઈશ્વરના સનાતન પ્રકાશના દરબારમાં ચાલ્યા ગયા.

આ વિષયને લગતી વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

માણસે કેટલાય ક્ષેત્રમાં ઘણી બધી પ્રગતિ કરી છે તો ઘણા ક્ષેત્રમાં પુરાણી ઘરેડમાં ધર્મના નામે કે સમાજના નામે પાછળ રહ્યો છે. જીવનનો પ્રકાશ પામવા માટે આપણે પૂરતી પ્રગતિ નથી કરી. આજ વિષયને લગતી મારી એક રચના અહીં રજૂ કરું છું. આશા છે કે ગમશે અને ગમે કે ન ગમે આપના પ્રતિભાવ આપશો.

યાદ છે!

 

ફાનસ ભૂલી ગયા પછી પણ માટેનું તેલ યાદ છે,

રામ ને સીતા કોણ? પેલી ધોબણની યાદ છે!

શબરીનાં મીઠાં મીઠાં ફળ મળે તો શું થયું,

તારી પાછળ આવતા દહેજને દાદ છે!

અહલ્યા શિલા બને કે શિલા બને અહલ્યા,

મને તો અકબંધ ન મળ્યાની ફરિયાદ છે.

રામ તો શું લક્ષ્મણની રેખા તું ભલે ઉલંઘે,

મારી દોરેલી રેખા ભૂંસવાનો અપવાદ છે.

મેં તો માગ્યું નો’તું તમારું ધનુષ્ય તોડવા,

રમતા રમતા તૂટી ગયાનો જ બસ માદ છે.

૧૪ વર્ષ તો વિતાવ્યાં વનવાસ સમજી,

કહો કેટલાં બાકી હજુ થવાના બરબાદ છે?

–   જગદીશ ક્રિશ્ચિયન

હમણાં ગયા અઠવાડિયે આપણા ભારતમાં સૂર્યગ્રહણ થયું એને ઘણા લોકોએ જોયું. પાંચ મિનિટ માટે અંધારપટ છવાઈ ગયો હતો. એ અંધકારમાંથી આપણે બહાર આવી ગયા અને ઈશ્વરે એનો પ્રકાશપૂંજ પાછો પ્રજ્વલિત કરી દીધો. આ વિષય પર શ્રી. ગોવિંદ મારૂ એ એક સરસ માહિતીસભર લેખ લખ્યો અને એના અનુસંધાનમાં શ્રી. સુરેશભાઈ જાનીએ પણ એક લેખ લખ્યો. ઘણા બ્લોગરોએ પોતાના અભિપ્રાય આપ્યા. પણ શ્રી. મુનિ મિત્રાનંદસાગરે એક સચોટ વાત કરી “માણસ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાની ચિંતા કરવાના બદલે આ ધરતીની ચિંતા કરતો હોત તો કેવું સારૂં હતું. સ્વર્ગના ખ્યાલોમાં સ્વર્ગ જેવી પૃથ્વીનું નરકમાં રૂપાન્તર થઈ રહ્યું છે એ અંગે કોઈ વિચારે તો કેવું સારૂં!” આપણે પેટ્રોલનો અતિ ઉપયોગ કર્યો, પાણીનો દુરુપયોગ કર્યો, આપણે જાતજાતના કેમિકલ્સ બનાવી ધરતીને, હવાને અને પાણીને પ્રદુષીત કર્યાં. માનવજાત સામે “Global Warming” નામનો મહારાક્ષસ ફુંફાળા મારી રહ્યો છે. આપણે જાગવાની તાતી જરૂરિયાત છે.

map-fullનકશાનું પ્રાપ્તિસ્થાન – ક્લાઈમેટહોટમેપ.ઓર્ગ

આ નકશાને ચકાસો અને જુઓ કે દુનિયાનું તાપમાન કેટલી હદે વધી ગયું છે અને વધતું રહે છે. અત્યારે મને કવિ શ્રી. દલપતરામ ની એક કવિતા યાદ આવે છે જે ઘણો નાનો હતો ત્યારે શાળામાં ભણેલા અને મોટા મોટા અવાજે ગાતા:

શિયાળે શીતળ વા વાય પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.
ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબ તણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલી ભાત.

ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય;
પામે વનસ્પતિ સૌ પાન, કેસૂડાં રૂડાં ગુણવાન.
સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠાબોલ, તાપ પડે તે તો વણ તોલ.

ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ;
લોક ઉચ્ચારે રાગ મલાર, – ખેતર વાવે ખેતીકાર.
ચંપા ચમેલી જૂઈ જાય, ફૂલ ગુલાબ ભલા ફુલાય;
છત્રી ચોમાસે સુખ માટ, ચાખડીઓ હીંડોળાખાટ.

-દલપતરામ

શું આજની તારીખે આ ગીત ખરા અર્થમાં ગાઈ શકીશું?

Comments»

1. atuljaniagantuk - July 28, 2009

સુંદર લેખ.

માણસ અવિરતપણે પ્રકાશની શોધમાં દોડી રહ્યો છે. જ્યાં સુધી તે બાહ્ય પ્રકાશ ઉપર અવલંબિત છે ત્યાં સુધી તે સ્વાવલંબી નહીં થઈ શકે અને તેને પરાધિનતાની મર્યાદા ભોગવવી જ પડશે. અત્યારે પ્રકાશ અને ઉર્જાનો મુખ્ય સ્તોત્ર સુર્ય ગણાય છે અને તેની સદભાવના વગર માનવજીવન અશક્ય જેવું છે. શું આ સુર્ય સ્વયં પ્રકાશ છે કે તેને પણ પ્રકાશનાર કોઈ છે? જ્યારે સુર્યને પણ પ્રકાશનારની શોધ પુરી થશે ત્યારે માનવને તે સત્ય પણ જડશે કે જે સુર્યને પ્રકાશે છે તે જ સત્તા પોતાને પણ પ્રકાશે છે. અને કોઈક સદભાગીને એવું પણ જ્ઞાન થશે કે તે સત્તા જ પોતાનું વાસ્તવિક સ્વરુપ છે. ત્યારે તે સ્વયંપ્રકાશ સર્વ પરાધિનતાને છોડીને ધન્યતાના રાગો આલાપતો ગાઈ ઉઠશે – આનંદઘન સમ્રાટ છુ હું, સ્વયંપ્રકાશ સમ્રાટ.

2. malji - July 28, 2009

nice keep it up

3. પંચમ શુક્લ - July 28, 2009

સરસ લેખ. ઘણા બધા પહેલુઓ આવરી લીધા.
બન્ને કાવ્ય રચનાઓ માણી. દ્લપતરામે વર્ણવેલું ઋતુચક્ર હવે ખોરંભાઈ રહ્યું છે એ જોઈ શકાય છે.

4. Dilip Gajjar - July 28, 2009

૧૪ વર્ષ તો વિતાવ્યાં વનવાસ સમજી,
કહો કેટલાં બાકી હજુ થવાના બરબાદ છે?

સુંદર કાવ્ય વિચાર પ્રેરક…છે..
એક દીપ બળે છે અંતરમાં
વિના વાત વિણ તેલ
નિજના જ પ્રકાશે મારગ જોતો રહું

dilIp gajjar

5. Natver Mehta - July 28, 2009

આજનો દૈત્ય છે પ્રદુષણ!
અને એનો એક જ ઉપાય છે વૃક્ષારોપણ…

વૃક્ષમ્ શરણમ્ ગચ્છામિ..
માનવ જાતની વાત કરીએ તો હું તો એક જ વાત કહીશ
“તમારા આત્માના અવાજને અનુસરો.”
એક વાર અંદરના અવાજને/આદેશને નકારવા માંડ્યોને મુસીબતો આવી સમજવી.
આપણે આત્માને મારીને જીવી રહ્યા છીએ અને કહીએ છીએ કે જીવીએ છીએ…!

6. ગોવીંદ મારુ - August 15, 2009

nice keep it up


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: