jump to navigation

થોડો વગડાનો શ્વાસ – કવિ શ્રી. જયંત પાઠક – સ્વર સંગીત નયનેશ જાની ફેબ્રુવારી 28, 2010

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , ,
trackback

સ્વર્ગસ્થ કવિ શ્રી. જયંત પાઠક.
(જન્મ-ઓક્ટોબર ૧૦, ૧૯૨૦ ગોઠ (રાજગઢ); અવસાન-સપ્ટેમ્બર ૦૯, ૨૦૦૩ સુરત)

પ્રસિદ્ધ કવિ, સંસ્મરણલેખક, નિબંધકાર, અનુવાદક અને સંપાદક. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજગઢ, માધ્યમિક કાલોલ અને ઉચ્ચ શિક્ષણ સુરત અને વડોદરામાં લીધેલું. બી.એ. ૧૯૪૩માં, એમ.એ. ૧૯૪૫માં, પીએચ.ડી. ૧૯૬૦માં. દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં કામ કર્યા પછી, થોડો સમય પત્રકારત્વમાં અને પછી સુરતની એમ.ટી.બી. કોલેજમાં નિવૃત્તિપર્યત અધ્યાપન. ૧૯૬૮માં નર્મદ અને ૧૯૭૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૦માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, તથા નરસિંહ મહેતા ઍવૉર્ડ તેમને મળેલા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘મર્મર’, ‘સંકેત’, ‘વિસ્મય’, ‘અંતરીક્ષ’, ‘અનુનય’, ‘મૃગયા’, ‘શૂળી ઉપર સેજ’, ‘બે અક્ષર આનન્દના’ તથા ‘દ્રુતવિલંબિત’નો સમાવેશ થાય છે. ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) તેમની ૧૯૯૭ સુધીની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમની આત્મસંસ્મરણાત્મક કથા ‘વનાંચલ’, ‘તરુરાગ’ તથા ‘મનોમેળ તે મૈત્રી’ના નિબંધો તેમના પ્રકૃતિપ્રેમ વતનપ્રેમ તથા નરવા જીવનરાગનાં દ્યોતક છે. ‘આધુનિક કવિતાપ્રવાહ’, ‘આલોક’, ‘ભાવતિત્રી’, ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ વગેરે તેમની સ્વસ્થ વિવેચનરીતિના દ્યોતક ગ્રંથો છે. તેમણે ચેખૉવની શ્રેષ્ઠ નવલિકાઓનો તથા ‘ધીરે વહે છે દોન’નો અન્ય સાથે અનુવાદ પણ કર્યો છે. પ્રકૃતિ અને પ્રયણ આદિના, વતનપરસ્તી તથા અધ્યાત્મપ્રીતીનાં તેમનાં કાવ્યોમાં એક પ્રશિષ્ટ રુચિના, સૌષ્ઠવરાગી ને સૌન્દર્યનિષ્ઠ સર્જકનાં દર્શન આપણને થાય છે.

પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર કાવ્યવૈભવ. સંપાદક – શ્રી. ચિમનલાલ ત્રિવેદી અને શ્રી. ચંદ્રકાન્ત શેઠ. પ્રકાશક-ગૂર્જર પ્રકાશન ફેબ્રુઆરી ૦૪, ૨૦૦૪. 

એમના પ્રકૃતિ પ્રેમનો શ્વાસ માણીએ – સ્વર સંગીત નયનેશ જાની, કલોલ. (કાવ્યસંગીત સમારોહ – ૨૦૦૬ અમદાવાદ)

થોડો વગડાનો શ્વાસ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,

પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને   
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશામાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં .

“કવિલોક”ના જુલાઈ-ઑગસ્ટ ૨૦૦૨ના અંકમાં શ્રી. તૃષિત પારેખના લેખ ‘જયન્ત પાઠકની કવિતામાં અભિવ્યક્તિવૈશિષ્ટ્ય’ ના થોડા અંશો. 

જયન્તભાઈનું ‘થોડો વગડાનો શ્વાસ’ એ ગીત ખૂબ પ્રચલિત થયું અને ગવાયું પણ છે. એમાં કવિની ચેતના વગડા સાથે સંપૂર્ણ સાયુજ્ય પામી છે. ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિમાંનો ‘થોડો’ શબ્દ કવિની નમ્રતાને સૂચવે છે. કોઈ વિશિષ્ટ ઘટનાને અનુનયપૂર્વક સૂચવવાની કવિની એ લાક્ષણિક રીત હશે. વન સાથેની તદ્રૂપતા આકારિત થવા લાગે છે-
પ્હાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારા ફરકે છે ઘાસમાં…
આ ગીત સંદર્ભે કવિએ એક વાર પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરતાં કહેલું આ ગીત કેવી રીતે આવ્યું? ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિ આવી ગઈ. પણ પછી કાવ્ય આગળ ચલાવવું કેવી રીતે? શરીરના હાડ ઉપરથી પહાડ, પહાડ મજબૂત એટલે ‘પહાડોના હાડ’ બંધ બેસી ગયું. પછી એ રીતે શરીરની નાડી સાથે નદીના જળપ્રવાહની વાત સંકળાઈ. છાતીની બખોલને બુલબુલનો માળો કહેવાનું મન થયું. આંગળી ઉપરથી આદિવાસીનું તીણું તીર યાદ આવ્યું. આ રીતે કાવ્યમાં શબ્દો સ્ફુરતા ગયા. બધું ગોઠવાતું ગયું. આ રીતે કાવ્ય સર્જાયાની વાત કવિએ કરી. આ ગીતની રચનાપ્રક્રિયાની વાત કરીએ તો તેમાં ઉપમેય અને ઉપમાન બંનેનું સમરેખ સાહચર્ય જોવા મળે છે. ગીત જ્યારે અમુક ભાવવળાંક પાસે આવે છે ત્યારે ઉપમેય-ઉપમાનની સંગતિ તૂટે છે:
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ.
’મારાં પાંદડાં’, ‘મારાં મૂળ’નો અનુભવ દ્વૈતોને દૂર કરી અભેદના રસાયણમાં ઠરે છે.

‘વેરાન’ કાવ્યમાં બાર વરસને અંતે પોતાના ગમનું અવલોકન કરી કવિ ઊંડી વ્યથા અનુભવે છે. ગામનું નામ જ બદલાઈ જાય છે. આંગણામાં ઊભેલો વગડો ઊગમણી દિશામાં ટેકરીઓની સોડે લપાઈ ગયો છે. તેની સાથે કલરવમાળા, સૂરજિયો અંધાર, ધૂંગામાં સૂતાં’તાં એ શિયાળવાં, રાનબિલાડાના ડોળામાં ફરતા તેજ કુંડાળાં, ચટાપટાવાળા સાપલિસોટા, – એ બધો વૈભવ પણ અદ્ર્શ્ય થાય છે. એટલામાં કઠિયારાની કુહાડીના ટચકા કવિને સંભળાય છે. વૃક્ષ કડડ કરતું પડે છે. કપાઈને જમીનદોસ્ત થતા વૃક્ષની સાથે કવિનું સ્વ પણ ઊખડી પડે છે. વગડો વેરાન થવાની સાથે કવિચેતના પણ શૂન્ય બની જાય છે. જો કે ધીમે ધીમે વન વતન અને આદિમતાનો આવેગ કવિતામાં ઓસરવા લાગે છે. હવે આવા ઉદગારો સાંપડે છે
હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ;
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ-

Advertisements

ટિપ્પણીઓ»

1. atuljaniagantuk - માર્ચ 1, 2010

સદભાગ્યે થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં આજે પણ છે. સુંદર કાવ્ય, સરસ અભીવ્યક્તી, આનંદ થયો.

2. Ramesh Patel - માર્ચ 1, 2010

જયન્તભાઈનું ‘થોડો વગડાનો શ્વાસ’ એ ગીત ખૂબ પ્રચલિત થયું અને ગવાયું પણ છે. એમાં કવિની ચેતના વગડા સાથે સંપૂર્ણ સાયુજ્ય પામી છે. ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિમાંનો ‘થોડો’ શબ્દ કવિની નમ્રતાને સૂચવે છે. કોઈ વિશિષ્ટ ઘટનાને અનુનયપૂર્વક સૂચવવાની કવિની એ લાક્ષણિક રીત હશે. વન સાથેની તદ્રૂપતા આકારિત થવા લાગે છે-
સુંદર કાવ્ય, સરસ અભીવ્યક્તી, સૌન્દર્યનિષ્ઠ સર્જકનાં દર્શન આપણને થાય છે આનંદ થયો.
Ramesh Patel(Aakashdeep)

3. Narendra Jagtap - માર્ચ 1, 2010

સરસ રચના અને એ પણ નયનેશભાઇ ના કંઠે સાંભળવા મળી આનંદ આવી ગયો… શબ્દોને માણવાની મઝા આવી…ખુબ ખુબ આભાર્

4. Dilip Gajjar - માર્ચ 1, 2010

થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશામાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં .
નયનેશભાઈના કંઠે આ રચના માણી..ખુબ પ્રકૃતિનું સાંનિધ્ય પ્રગટ થયું છે રચનામાં…તે જ પ્રકૃતિના સાંનિધ્યમાં પ્રગટ કર્યો મારો ‘વનમહીં વિહરતા ધીમે ધીમે…’ સંગ્રહ. આ રચના અને જયન્તભાઈની માહિતિ મુકવા બદલ જગદીશભાઈ આપનો આભાર.

5. himanshupatel555 - માર્ચ 1, 2010

નયનેશભાઈનો કંઠ અને તેમાં સુંદર ગીત બન્નેવનો સુમધુર મેળ કર્ણપ્રિય બન્યા, અને
કુદરતનું સાનિધ્ય અવતર્યું. જગદીશભાઈ આભાર.

6. Dr.Firdosh Dekhaiya - માર્ચ 2, 2010

saras.maja avi

7. Pancham Shukla - માર્ચ 2, 2010

સરસ ગીત. ગાયન પણ મઝાનું.

8. નટવર મહેતા - માર્ચ 2, 2010

માનનિય જયંત પાઠક વિશે સરસ માહીતી આપી આપે અને નયનેશભાઈનો સુરિલો કંઠ! વાહ! જનાબ..! વાહ…! આપનો આભાર! જયંતભાઈના બંધુશ્રી રમણ પાઠક પણ ભારે વિચારક છે. એમની તેજાબી જબાન મેં દેશમાં હતો ત્યારે માણેલ. એઓ એક કુશળ વકતા.

મારી (કુ)ટેવ મુજબ આ અદભુત રચના પરથી મને સ્ફુરેલ ત્વરિત વિચારો રજુ કરૂં છું તો ગુસ્તાખી માફ..

આમ જુઓ તો હું ય વગડામાં રહું છું..(1)
ને શ્વાસ ‘ગેસ’ના થોડા ધુમાડામાં લઉં છું!..(2)

ધરતીની સુવાસ વિસરી ગયે યુગો થયા
સુંગધ સંતાડી અત્તરના પુમડામાં લઉં છું!

વાડાના વૃક્ષોના પર્ણો ખરે છે ‘ફોલ’માં
ને વૃક્ષોની વાત ત્યારે ઝગડામાં લઉં છું.

ચાની લારી પરની ચુસકી ભુલ્યો હું હવે
એ મજા હવે હું કોફીના રગડામાં લઉં છું

શ્વાસ ‘ગેસ’ના થોડા ધુમાડામાં લઉં છું!
ને આમ જુઓ તો હું ય વગડામાં રહું છું…

(1-ન્યુ જર્સીમાં એટલે ગાર્ડન સ્ટેટ-વગડો, 2- ગેસ એટલે પેટ્રોલનો ન દેખાય એવો ધુમાડો)


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: