jump to navigation

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 28, 2010

Posted by jagadishchristian in ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
44 comments

જન્મ- ઓક્ટોબર ૦૯, ૧૯૩૫ મરણ- માર્ચ ૨૮, ૨૦૧૦

પ્રિય મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવું છું કે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૪:૧૮ વાગે ગુજરાતના જાણીતા અને માનિતા સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન થયું છે. ગુજરાતે અને ખાસ કરીને ગુજરાતી ખ્રિસ્તી સમાજે એક ઉમદા સાહિત્યકાર, આદર્શ વ્યક્તિ, સાક્ષર શિક્ષક અને સામાજના સેવક ગુમાવ્યા. એમના કુટુંબીજનો મિત્રો અને એમના સાહિત્ય રસિકોને એમની ખોટ સાલશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને આપણ બધાંને આ શોકજનક આઘાત સહન કરવાની શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થના. ભારતીય સમય પ્રમાણે આજે સાંજે ૬:૩૦ વાગે આણંદમાં એમની દફનવિધિ રાખવામાં આવી છે.

શ્રી. જોસેફ મેકવાન મારા પપ્પા-મમ્મીના મિત્ર અને એટલે અમારા કુટુંબના મિત્ર. ૧૯૮૬માં તેમની બીજી નવલકથા લક્ષ્મણની અગ્નિપરીક્ષા મારા મમ્મી-પપ્પાને અર્પણ કરેલી.

અર્પણ

જેમની સદાશયતા, સામાજિક ધખના, પ્રસન્ન દામ્પત્ય,
પારિવારિક વાત્સલ્ય અને સ્નેહ-સૌહાર્દની માવજત
એક આદર્શ પુરવાર થયાં છે. એવા એન. આર. આઈ.
અમેરિકાસ્થિત સન્મિત્ર
જોસેફ બેડા પરમાર
તથા
અ. સૌ. બહેન સુશીલાને
અશેષ પ્રેમભાવે….
૨૩ જૂન ૧૯૮૬ – જોસેફ મેકવાન

ત્યાર બાદ ૨૦૦૯માં આ પુસ્તકના ચોથા સંસ્કરણ સમયે એમણે થોડું ઉમેર્યું:

અર્ધ્ય:

મારી અત્યંત લોકપ્રિય આ નવલકથા મિત્ર જોસેફ પરમારનાં પ્રસન્ન મધૂર સાયુજ્યને અર્પણ કરાયેલી. એ પછી એઓ અમેરિકા ગયાં ભારે સંઘર્ષ વેઠી પુત્રી-પુત્રાદિકને થાળે પાડ્યાં. સુખ-શાંતિનો સમય આવ્યો ને કપરી કસોટી થઈ. બહેન સુશીલા લકવાઈ ગયાં. લગાતાર એક દાયકાથી જોસેફભાઈ સહચરીની સેવા-સુશ્રુષામાં કટિબદ્ધ-પ્રતિબદ્ધ છે. હમણાં સ્વદેશ પધાર્યા તો સુશીલાબહેનના ચહેરે પરમ સુરખી ઓપતી જોઈ દિલ બાગ-બાગ થઈ ગયું. જૉસેફભાઈ આટલેથી અટક્યા નથી. ત્યાંના સિનિયર સીટીઝન્સના માર્ગદર્શનાર્થે ત્રણ-ચાર સંદર્ભગ્રંથ રચ્યા. કાઉન્સેલીંગ અને ગાઈડેન્સ આપ્યું. આજે તેઓ સિનિયર્સ એસોસિયેશનના અધ્યક્ષ છે. જ્યેષ્ઠ સુપુત્ર જગદીશ અને વચ્ચેટ કેતન સમાજસેવાર્થે પિતાનાં પગલાં દબાવી રહ્યા છે. આ પરિવારને આત્મીય ભાવાંજલી.
ચતુર્થ સંસ્કરણ – જોસેફ મેકવાન   

શ્રી. જોસેફ મેકવાનની સાહિત્યસેવાની વધુ માહિતી નીચે આપી છે. જો વાંચવામાં તકલીફ થાય તો પિકચર પર ક્લિક કરી એને થોડું મોટું બનાવવું.

Advertisements

ધરતીકંપ! January 24, 2010

Posted by jagadishchristian in મારી વાર્તા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , ,
10 comments

તાજેતરમાં હૈટીમાં વિનાશક ભૂકંપ થયો અને કરોડોનું આર્થિક નુકસાન થયું, લાખો લોકોની જાન-હાનિ થઈ અને લાખો લોકો ઘર-વિહોણા થયા એનું પારાવાર દુઃખ છે. આ હોનારતમાં કોઈએ પતિ તો કોઈએ પત્ની, કોઈએ બાળકો ગુમાવ્યાં તો કેટલાય બાળકોએ માબાપ, ઘણાં કુટુંબ એક સાથેજ આ ભૂકંપમાં હોમાઈ ગયા. જે બચ્યા છે એ લોકોએ જીંદગીની શરૂઆત નવેસરથી કરવી પડશે. અને આ નવેસરની જીંદગીમાં પણ એ ધરતીકંપની કેવી આડઅસર થતી હોય છે એને એક વાર્તા સ્વરૂપે અહીં રજૂ કરું છું. દુનિયાભરના લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું છે . ઈશ્વરપિતા મુએલાંઓના આત્માને શાંતિ આપે, ઇજાગ્રસ્તો જલદી સાજાપણું પામે અને સૌ બચેલાંઓના નવજીવનને મજબૂત બનાવે એવી અંતરની અભીપ્સા પૂર્ણ કરે એવી પ્રાર્થના.    

જાન્યુઆરી ૨૬ ૨૦૦૧ ના દિવસે ગુજરાત પણ ભારે ધરતીકંપનો ભોગ બન્યું હતું. અહીં અમેરિકાસ્થિત મારા એક મિત્રના મોટાભાઈ એમની એકની એક દીકરીના વેવિશાળ કરી અંતરના ઓરતા સાથે અમદાવાદ લગ્નની જરૂરી ખરીદી માટે ગયા હતા. અને એ ગોઝારા દિવસે એમના પત્ની અને પુત્રી એ ધરતીકંપના ભોગ બન્યા હતા. થોડી જ ક્ષણોમાં એમનું કિલ્લોલ કરતું કુટુંબ વિખરાઈ ગયું. નીચેની વાર્તા આ ઘટનાનો આધાર છે. વાર્તાના પાત્રો અને આ ઘટના સિવાયની બાકી બધીજ ઘટનાઓ કાલ્પનિક છે.

ધરતીકંપ!

સપ્ટેમ્બર મહિનાની ખુશનુમા સવાર હતી. “સીનિયર સેન્ટર” ના પ્રાંગણના બાંકડા પર છગનભાઇ અને મિત્રો બેઠા બેઠા ગામ-ગપાટા મારી રહ્યા હતા. સેન્ટરના માલિક અને સંચાલક રમેશભાઇની ગાડીએ સેન્ટરમાં પ્રવેશ કર્યો. તેઓ પોતાની ગાડી પાર્ક કરી આવ્યા એટલે છગનભાઇ  જે એમની ચંચુપાત અને ચાંપલાશ માટે જાણીતા છે બોલ્યા

“રમેશભાઇ આજે શનિવારે આટલા વહેલા કેમ?”

“બસ એમજ” કહીને એ પોતાની ઓફીસ તરફ રવાના થયા. થોડી વાર પછી એ બહાર આવ્યા અને સેન્ટરના આંગણામાં આવી ઊભા રહ્યા. છગનભાઇ  બોલ્યા

“આજે રમેશભાઇ વહેલા આવીને અહીં કોની રાહ જુએ છે? કોઈ ઈંસ્પેક્શન માટે આવવાનું છે કે શું?” બીજી બધી વાતો બાજુ પર મૂકી એ વિચારમગ્ન થઈ ગયા.

થોડી વારે એક મર્સીડીઝ ગાડી આવી અને ઊભી રહી. રમેશભાઇ  તરત એ ગાડી પાસે ગયા. આગળની બાજુથી એક ભાઇ  ઉતર્યા અને રમેશભાઇનો હાથ મિલાવી એમને ભેટી પડ્યા. રમેશભાઇએ અંદર ઇશારો કરી કાંઈ મંગાવ્યું. એક નર્સબેન વ્હિલચેર લઈને આવ્યા એટલે રમેશભાઇ અને પેલા ભાઇએ ગાડીની પાછળનો દરવાજો ખોલ્યો. રમેશભાઇ  કોઈને પગે પડતા હોય એવું લાગ્યું. નર્સબેને અંદરથી એક આધેડ વયના બેનને ટેકો આપી બહાર કાઢ્યા અને વ્હિલચેરમાં બેસાડ્યા. છગનભાઇ  સમજી ગયા કે નવા આગંતુક લાગે છે. અને વ્યંગમાં બોલ્યા

“ભાઇ  મર્સીડીઝમાં ફરે છે, મોટો બંગલો પણ હશે પણ ઘરડી માને રાખવા જેટલી જગ્યા નહીં હોય! સાલા બૈરીના ગુલામ!”

રમેશભાઇએ ગુસ્સા ભરી નજર નાખી અને પેલા ભાઇ ની સાથે અંદર જતા રહ્યા. અંદર આવીને રમેશભાઇએ અનંતભાઇ  અને બાને બેસાડ્યા અને જરૂરી પેપરવર્ક તૈયાર કરવા લાગ્યા. એમણે ફોન કરી રસોડામાંથી ઓછી સુગરવાળી ત્રણ ચા મંગાવી. પેપરવર્ક પતાવી બાને એમના રૂમમાં બેસાડી અનંતભાઇ  અને રમેશભાઇ  બહાર આવ્યા અને અનંતભાઇને વિદાય આપી.

અનંતભાઇ  અમે રમેશભાઇ  બંને અમદાવાદમાં એકજ સ્કૂલમાં અને ક્લાસમાં હતા. બંને વચ્ચે ભાઇ  જેવો સંબંધ હતો. હાઈસ્કૂલ પછી બંનેની કોલેજ અલગ હતી પણ એમનો સંબંધ તો એવોજ અકબંધ હતો. રમેશભાઇ  મેડીકલ કોલેજમાં ગયા તો અનંતભાઇ  એંજીનીયરીંગ કોલેજમાં. અનંતભાઇ  અને રમેશભાઇ  પોતાનું કોલેજ શિક્ષણ પતાવી વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા અને અહીંજ સેટલ થઈ ગયા. રમેશભાઇ એડીસનની જે.એફ.કે. હોસ્પીટલમાં ડોક્ટર તરીકે કાર્યરત થયા તો અનંતભાઇ  ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાસ્પોર્ટેશન માટે કામ કરવા લાગ્યા. અહીં આવ્યા પછી અને પરણ્યા પછી પણ એમનો સંબંધ એવો જ અકબંધ જળવાઈ રહ્યો હતો. અનંતભાઇ ને એકમાત્ર પુત્રી હતી જ્યારે રમેશભાઇ ને એક પુત્ર અને બે પુત્રીઓ હતી. અનંતભાઇ  એમના માબાપના એક જ સંતાન હતા એટલે જ્યારે એમના પિતાનું હાર્ટએટેકથી મ્રુત્યુ થયું ત્યારે જબરદસ્તી પોતાના ચંચળબાને સાથે અમેરિકા લઈ આવ્યા. ચંચળબા રસોઈ બહુ સરસ બનાવે. રમેશભાઇ ને એમના હાથની વરાની દાળ ખૂબજ ગમે. ચંચળબા બહુ માયાળુ. અનંતભાઇ ના પત્નિ શોભાબેન સાથે એ હોય તો બધાને એવુંજ લાગે કે મા-દીકરી છે. કદાચ એમને દીકરી ન હોવાથી વધુ વ્હાલ કરતા હશે. અનંતભાઇ  અને શોભાબેનની પૂત્રી પ્રીતી સરસ દેખાવડી. સંગીતમાં ભારે શોખ. ભણવામાં પણ હોંશિયાર. ચાર જણનો સુખી ઘરસંસાર ચાલતો હતો.

દર રવિવારે સેન્ટરમાં સવારે દસ વાગે પ્રાર્થનાસભા યોજવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. અને ત્યારબાદ ક્યારેક કોઈ સંત-મહાત્મા આવીને આધ્યામીક પ્રવચન આપે તો ક્યારેક કોઈ સાહિત્યકાર આવી એમના સાહિત્યનું રસપાન કરાવે. ક્યારેક સંગીતનો કાર્યક્રમ થાય તો ક્યારેક સિનિયર સિટિજનને મળતા લાભ વિષેની જાણકારી માટે જાણીતા સમાજસેવક શ્રી. જોસેફભાઇ  પરમારનો વાર્તાલાપ યોજાય.

આજે રવિવાર હતો એટલે સેન્ટરના બધા રહેવાસીઓ હૉલમાં ભેગા થઈ ગયા હતા. રમેશભાઇ  પણ હાજર હતા. રાબેતા મુજબ બે-ચાર ભજનો ગાયા બાદ બધાએ સમુહ પ્રાર્થના કરી. પ્રાર્થના પતી એટલે રમેશભાઇ  આગળ આવ્યા અને બધાને સંબોધતા બોલ્યા “પૂજ્ય વડીલો અને મિત્રો, આજે જે કાર્યક્રમની ગોઠવણ કરી હતી એમની નાદુરસ્ત તબિયત હોવાથી મોકૂફ રાખવામાં આવ્યો છે. હું કોઈ સંત નથી કે નથી કોઈ તત્વજ્ઞાની નથી પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તમે બધાં અહીં આ સેન્ટરમાં આવ્યા છો એના માટે અલગ અલગ કારણ અને પરિસ્થિતિ જવબદાર હશે. દરેકની વ્યક્તિ ઘર-કુટુંબની સમસ્યા જુદી હોય છે. એટલે આપણી પરિસ્થિતિને બીજા બધાના જીવન સાથે સરખાવાવી એ યોગ્ય નથી.

આજે આપણી સાથે રહેવા માટે એક નવા સભ્ય આવ્યા છે. એ છે ચંચળબા. એમણે ચંચળબા તરફ ઈશારો કર્યો. ચંચળબાએ હાથ ઉંચો કરી બધાની તાળીઓનો સ્મિત સાથે સ્વિકાર કર્યો. રમેશભાઇ એ એક ખોંખારો ખાઈ આગળ બોલ્યા સવારે જ્યારે એમનો પુત્ર એમને મૂકવા માટે આવેલા ત્યારે બહાર બેઠેલાઓમાંથી કોઈએ ટોણો માર્યો કે બૈરીના ગુલામ હશે અને બાને રાખવા એના બંગલામાં જગ્યા નહીં હોય વગેરે વગેરે. તો મારે તમને આ ચંચળબાની વાત કરવી છે. ચંચળબાને એકજ સંતાન અનંતભાઇ  જે સવારે બાને મૂકવા આવ્યા હતા. હું અને અનંતભાઇ સાથે એકજ સ્કૂલમાં ભણતા અને લંગોટીયા યાર. હું ડોક્ટર અને એ એંજિનિયર સાથેજ આ દેશમાં આવ્યા અને સેટલ થયા. આ સેન્ટર શરૂ કરવામાં અનંતભાઇ નો બહુ મોટો ફાળો છે. એમની પત્નિ શોભાબેન અને ચંચળબાને સાથે જોયા હોય તો તમે એમજ માનો કે તેઓ મા-દીકરી છે. એમની પુત્રી સપના ફાર્મસીસ્ટ થયા પછી એમણે એની પસંદના પણ ગુજરાતી છોકરા સાથે સગપણ કરી નાખ્યું.

ગયા જાન્યુઆરીમાં અનંતભાઇ  શોભાબેન અને સપના લગ્નની ખરીદી માટે અમદાવાદ ગયા. પંદર દિવસની વાત હતી એટલે બાએ જવાની ના પાડી અને અહીં એકલા રહ્યા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૩ના એ ગોઝારા દિવસે સવારે અનંતભાઇ  એમના સાળા સાથે ચોથા માળેથી નીચે આવી રાહ જોતા ઉભા હતા અને ધરતી ધ્રુજી અને એમના સાળાનો ફ્લેટ હતો એ અગિયાર માળની બીલ્ડીંગ કકડભૂસ થઈને તૂટી પડી. અનંતભાઇ એ એમની પત્ની અને પુત્રી બંનેને એ હોનારતમાં ગુમાવ્યાં. અનંતભાઇ એ મને ફોન કરી બધી વાત કરી અને કહ્યું કે સવારે બાને મારા ઘરે લઈ આવું. બાને અમદાવાદના ધરતીકંપની ખબર પડી એટલે એમણે અમદાવાદ ફોન કરતા પણ ફોન લાગે જ નહીં પણ નડીયાદમાં એમના બેન રહેતા હતા તેમને ફોન કર્યો ત્યારે ત્યાંથી એમને સમાચાર મળ્યા. સમાચાર સાંભળતાં જ એમને સ્ટ્રોકનો હુમલો આવ્યો. એમણે મને ફોન કર્યો એટલે મેં તરતજ ૯૧૧ કોલ કરી એમ્બ્યુલંસ બોલાવી અને તરતજ ગાડી લઈ અનંતભાઇ ના ઘરે પહોંચ્યો તો એમ્બ્યુલંસ નીકળવાની તૈયારીમાં હતી.

એમને ન્યુ બ્રુંસવિકની રોબર્ટવુડ જોન્સન હોસ્પીટલમાં લઈ ગયા એટલે હું પણ ગયો. બાએ મને જાણ કરવામાં બહુ વાર કરી દીધી હતી એટલે સ્ટ્રોક એનું કામ કરી ગયો અને બાનું ડાબું અંગ લકવા મારી ગયું. બિચારા અનંતભાઇ  તો એકદમ નાસીપાસ થઈ ગયા. એકદમ ભલો માણસ છે પણ કેમ જાણે ભગવાને એની આ દશા કરી. અનંતભાઇ  પાછા આવી બાની સેવામાં લાગી ગયા. એક મહિના પછી બાને ઘરે લાવવાના હતા તે પહેલાં જ એમણે હોમમેકરની ગોઠવણ કરી દીધી. એકાદ-બે અઠવાડીયા પછી અનંતભાઇ ના ઘરમાંથી વસ્તુઓની ચોરી થવા માંડી. અનંતભાઇ  ઘરે ન હોય એટલે આખો દિવસ ટેલીવિઝન જોયા કરે અને બા બુમો પાડતા રહે તો પણ બરાબર ધ્યાન ન આપે. અનંતભાઇ એ બીજી બે-ત્રણ અલગ અલગ એજન્સીમાંથી વ્યવસ્થા કરી પણ એક વખતે તો બા પડી ગયાં અને એમને વાગ્યું એટલે એમણે ન છૂટકે અહીં રાખવાનું નક્કિ કર્યું. અમદાવાદ તો એમનું પોતાનું કોઈ છે નહીં તથા મુલાકાત માટે પણ થોડું અઘરું પડે. હવે બોલો આ અનંતભાઇ  અને એમની કહાણી જાણ્યા વગર એમને ટોણા મારવા એ તો વાગ્યા પર ડામ દેવા જેવું છે. તો મહેરબાની કરી કોઈના માટે પૂર્વગ્રહ બાંધશો નહીં અને ગમે તે કારણે તમે અહીં આવ્યા હો એ ભુલી આનંદથી અહીં રહો. કોઈપણ તકલીફ હોય કે જરૂર હોય તો બેફિકર મને જણાવજો. આભાર કહી રમેશભાઇ  ત્યાંથી ચાલ્યા ગયા.

– જગદીશ ક્રિશ્ચિયન

%d bloggers like this: