jump to navigation

દેશી ટીવી ચેનલનો ત્રાસ! January 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
14 comments

દર સપ્તાહ એક પોસ્ટ મૂકવી એવો એક લક્ષ્ય રાખ્યો છે. આજે કોઈ ગઝલ કે વાર્તા મારા સંપાદન માટે તૈયાર નથી તો એક લેખ ઑગસ્ટ મહિનામાં તૈયાર કરેલો તે કોઈપણ કારણસહ પ્રકાશિત નથી કરી શક્યો તે આજે પ્રસ્તુત કરું છું.

દેશી ટીવી ચેનલનો ત્રાસ

પેટ ચોળીને પીડા વહોરી એ કહેવત એકદમ યથાયોગ્ય પુરવાર થઈ જ્યારે પૈસા ખરચીને દેશી ચેનલો લીધી. ડિશ નેટવર્કનું જોડાણ લેવાથી મહિને ૫૩ ડોલરમાં ૨૦૦ અમેરિકન ચેનલ જોવાનો લાવો મળે. આ ૨૦૦ ચેનલ ન્યૂઝ થી માંડીને વિવિધ વિષયને લગતી મનોરંજન સાથે માહિતી પીરસે છે. ખેલજગત, વિજ્ઞાન, આધ્યાત્મિક વગેરે જાત જાતની માહિતીની મોટા ભાગે જીવંત પ્રસારણ સાથે (ખાલી અમેરિકા સ્થિત નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી) દરેક રસના દર્શકોને મનોરંજન સાથે જાણકારી, માહિતી, શિક્ષણ અને દેશ-વિદેશની વિવિધતાના રસદર્શન કરાવે છે. પણ મહિને ૬૦ ડોલર ખરચીને દેશી ચેનલ લેવી પડે છે.  (અત્યારે ૧૫ ચેનલ છે – દરેક ચેનલ બીજી ચેનલને વાંધો હોય, તકલીફ થાય, હરીફાઈ કરવી પડે એવા કોઈજ પ્રયત્ન અજાણે પણ કરતી નથી. અને બધી ચેનલ સાથે મળી કેવી રીતે કેટલા ડોલર એકઠા કરવા એના માટે એકમત થઈ આ વિષય વગરની વાત કરવામાં રસ લેતા જ નથી. કારણ એ સિવાયની વાત આવે તો હરીફાઈ આવે અને હરીફાઈ આવે તો મહેનત કરવી પડે, ખર્ચ કરવો પડે વગેરે વગેરે). સૌ પ્રથમ તો આ દેશી ચેનલ લેવાથી ખોટો ખર્ચ થાય છે. ઘરમાં જો એક કરતાં ઓછાં ટેલિવિઝન હોય તો બિનજરૂરી ઝગડાનું કારણ બને છે. બાળકો અને પતિને બલિદાનમૂર્તિ સ્વરૂપ સ્ત્રીના માટે બલિદાન આપવાની અનોખી પરિસ્થિતિ પેદા કરે છે. અરે આ તો ટીવી સિરિયલનો નવો સબ્જેક્ટ થઈ ગયો! હવે આ દેશી ચેનલમાં નામ એવાં લક્ષણ નથી હોતાં. હવે જો કોઈએ ડૉક્ટર થવું હોય અને મેડિકલ કૉલેજમાં જાય અને અને થિયોલોજીના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! જો કોઈ સાહિત્યના રસને લઈ આર્ટ્સ કૉલેજમાં જાય અને ગણિતના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! હેડલાઈન્સ ટુડે, આજતક કે સમય પર સવારે ૬-૮ વચ્ચે દુનિયામાં કોઈપણ સ્થળે તો શું પણ ભારતમાં કોઈ નવાજૂની થતી હોય તો એની પરવા કર્યા વગર આધ્યાત્મિક કાર્યક્રમ યથાવત્ ચાલતા હોય છે જે બાકીની ૧૩ ચેનલો બતાવતી જ હોય છે (જોકે દરેક ચેનલના પોત પોતાના સંતો અને સાધ્વીઓ હોય છે.) આનો મતલબ એ ન કરતા કે મને આધ્યાત્મિકતા સાથે વાંધો છે. મારા વખાણ નથી કરતો પણ માણસાઈ ન ચૂંકું એનું સતત ધ્યાન રાખું છું. પણ આજ ન્યૂઝ ચેનલો સંજય દત્ત ક્યારે જેલમાં પહોંચશે અને છૂટશે એનું જીવંત પ્રસારણ કરશે, અમિતાભ ક્યારે કયા મંદિરમાં પહોંચશે એનું જીવંત પ્રસારણ કરશે, બીજા બધા કાર્યક્રમને રદ કરીને. આધ્યાત્મિક હોય કે દેશજનના હિતમાં હોય એવા કોઈ પણ કાર્યક્રમને રદ કરી એમની ચેનલને મહત્તમ દર્શકો મળે એવા પ્રયોજન કરે છે. હમણાં એકાદ અઠવાડિયા પહેલાં હું ઑફિસમાંથી નીકળતો હતો અને એક ન્યૂઝફ્લેશ જોઈ કે હીન્દી મહાસાગરમાં આંદામાન નજીક ૭.૧ તીવ્રતા વાળો ધરતીકંપ થયો છે અને સુનામી થવાની શક્યતાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ભારત સિવાયના નજીકના ઘણા દેશમાં નુકશાન થવાની ચેતવણી હતી. ઘરે પહોંચતા મને લગભગ કલાક જેવું થાય છે. ઘરે પહોંચી તરતજ મેં દેશી ન્યૂઝ ચેનલ ઑન કરી અને એક કલાક સુધી ત્રણ ચેનલને વારાફરતી બદલતો રહયો પણ એ બધા તો એમની સાથી-સખી-ભગિની ચેનલાના reality show (વાસ્તવિકતાનું પ્રદર્શન??) ના અંશ કે બોલિવુડની નવાજૂની બતાવવામાં મશગૂલ હતા. ઈશ્વરકૃપાથી બે કલાક પછી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. (કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે કે આ ચેનલોનું જીવંત પ્રસારણ થાય છે)

આ ત્રણ ન્યૂઝ ચેલનને છોડીને બાકીની ૧૩ ચેનલોમાંથી એક સંગીતની ચેનલ છે જે લગભગ ચોવીસ કલાક નવાં આધુનિક ગીતો બતાવે અને જુનાં ગીત હોય ખરાં પણ એ remix. બાકીની ૧૨ ચેનલ એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો વાળી ધારાવાહિક. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરુષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે. ભારતીય કલા, સંગીત, મૂલ્યો કે સૌજન્યને ઉજાગર કરે એવી ધારાવાહિક બનાવવી જોઈએ. અને આજ ચેનલો બે-પાંચ વર્ષ જુની મૂવિ બતાવે જે લગભગ આ બારે બાર ચેનલ પર લગભગ દર અઠવાડિયે બતાવતા હોવા છતાં એની જાહેરાત કરે તો જણાવે કે only on this channel. આ ચેનલો પર ક્યારેય ગઝલનો, કાવ્યપઠનનો, મુશાયરાનો, ખેલ-કૂદનો કે શૈક્ષણિક કોઈજ કાર્યક્રમ આવતા નથી. ZEE TV વાળાઓએ હદ કરી જ્યારે તેમણે ICL શરૂ કર્યા પહેલાં અમેરિકામાં ZEE SPORTS (વળી પાછી અલગ પૈસા ખરચીને લેવાની) ચેનલ શરૂ કરી એવી જાહેરાત સાથે કે હવે અમેરિકાસ્થિત ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટથી વંચિત નહીં રહેવું પડે. બિલકુલ જૂઠ.

આ દેશમાં દરેક ચેનલ એમના કાર્યક્રમ દરમ્યાન એક કે બે મિનિટની કમર્શિયલ મૂકતા હોય છે. આપણી દેશી ચેનલ ૧૫-૨૦ મિનિટ સુધી કમર્શિયલ મૂકતા હોય છે અને એકજ જાહેરાત એક કરતા વધારે વખત ફરી ફરી બતાવીને કાર્યક્રમ જોવાની મઝા તો બગાડે છે પણ કિંમતી સમય બરબાદ પણ કરે છે. એ જાહેરાત આપનારા અને ચેનલ વાળા એમ માનતા હોય કે એનાથી એ જાહેરાત કરનારી કંપનીને ફાયદો થશે તો એ માન્યતા ખોટી છે. હું તો આ જાહેરાતની એક પણ વસ્તુ જરૂર હોય અને કોઈ પર્યાય ન હોય તો પણ ન લેવાની તરફેણમાં છું. હમણાં ઓગસ્ટની ૧૬ તારીખે ન્યુ યોર્ક શહેરમાં ભારતીય સ્વતંત્રતા દિવસની પરેડનું જીવંત પ્રસારણ પહેલી વખત કરવામાં આવ્યું. એ પ્રસારણ એટલું નબળું અને અવ્યવસ્થિત હતું જે અપેક્ષાથી જોજન દૂર હતું. આ પ્રસારણમાં સંકળાયેલા લોકોએ આ દેશમાં યોજાતી કોઈ પણ પરેડના જીવંત પ્રસારણનો પૂર્વ અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી એ ઊડીને આંખે દેખાતું હતું.

%d bloggers like this: