jump to navigation

અપેક્ષા – અપેક્ષાભંગ August 30, 2009

Posted by jagadishchristian in મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
11 comments

જીવનમાં અપેક્ષાનું એક આગવું સ્થાન છે. દરેક વ્યક્તિ ઘણી બધી અપેક્ષાઓ રાખતી હોય છે. આપણે સૌથી વધારે ઈશ્વર પાસે અપેક્ષા રાખતા હોઇએ છીએ. અપેક્ષા રાખવી એ માનવસહજ સ્વભાવ છે. એમાં કશું ખોટું નથી પણ એને યોગ્ય-અયોગ્ય ના ત્રાજવાથી માપવાનું આપણે ક્યાં તો ભૂલી જઇએ છીએ અથવા અવગણતા હોઇએ છીએ. ઇશ્વર દરેકની અપેક્ષા પુર્ણ કરે તો, દ્રૌપદીને તો પાંચ પાંડવોની પત્નિ બનવું પડ્યું હતું પણ ઐશ્વર્યા રાયે તો લાખો લોકોની પત્નિ બનવું પડે! થોડા સમય પહેલા એક હીન્દી મુવિ આવ્યું હતું “ગોડ તુસી ગ્રેટ હો” જેનો સાંરાશ આ જ હતો કે ઇશ્વર દરેક વ્યક્તિની દરેક અપેક્ષા કે ઇચ્છા પૂરી નથી કરતો. ઇશ્વર એની દુનિયાનું સમતૂલન જાળવી દરેક વ્યક્તિની યોગ્ય અપેક્ષા પરીપુર્ણ  કરતો હોય છે. આપણે બધા અપેક્ષા પામવાની લાયકાત ન કેળવવાની એક સામાન્ય અને મોટી ભૂલ કરતા હોઇએ છીએ. પરિક્ષામાં સારા માર્ક્સની અપેક્ષા ત્યારે જ રાખી શકાય જ્યારે આપણે રોજબરોજ ક્લાસરૂમમાં ધ્યાન આપ્યું હોય, હોમવર્ક બરાબર કર્યું હોય અને સતત એ વિષયનો અભ્યાસ ચાલુ રાખ્યો હોય. બધા આપણને પ્રેમ કરે એવી અપેક્ષા રાખીએ, તો પહેલા આપણે બધાને આપણા પ્રેમનો અનુભવ કરાવવો પડે. જોકે આજની દુનિયામાં ઘણી વખત લાયકાત હોવા છતાં અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મળતું. પ્રેમનો પ્રત્યુત્તર હંમેશા પ્રેમ ન પણ હોઇ શકે.

આજ મિજાજને રજુ કરતી મારી એક ગઝલ માણો!

ન પણ હોઈ શકે !

પ્રેમનો પ્રત્યાઘાત, પ્રેમ ન પણ હોઈ શકે!

પ્રેમનો પ્રત્યુત્તર, પ્રેમ ન પણ હોઈ શકે!

કારણ શોધી વારંવાર મળવાનું બહાનું,

તમે માનો ભલે, વહેમ ન પણ હોઈ શકે!

તમને આલિંગ્યા, શમણું છે આ પરોઢનું!

આંખો ખોલી, હેમખેમ ન પણ હોઈ શકે!

કોણે કહ્યું, પ્રેમ ને યુદ્ધમાં કરો તે યોગ્ય?

હશે હાર-જીત, ખેલ જેમ ન પણ હોઈ શકે!

મંદિર તો આવું છું રોજ એમની પાછળ,

‘જગદીશ’ તારી રહેમ ન પણ હોઈ શકે!

 – જગદીશ ક્રિશ્ચિયન

બાઇબલમાં એક પ્રસંગ છે જ્યારે એક ગામના મંદિરમાં લોકો પ્રભુ ઇસુ ખ્રિસ્તને સાંભળવા એકઠા મળ્યા હોય છે ત્યારે એક માણસ એક બાઇને લઇ આવે છે. તે પ્રભુ ઇસુ ખ્રિસ્તને પૂછે છે કે આ બાઇ વ્યભિચારી છે અને એ પાપની સજા પથ્થર મારીને આપવાનો નિયમ મુસાએ આપેલો છે. તમે એ સજા યોગ્ય માનો છો? એ સમયે પ્રભુ ઇસુ ખ્રિસ્તે લોકોને કહ્યું કે “પહેલો પથ્થર એ મારે જેણે જીદંગીમાં કોઇ પાપ ન કર્યું હોય”. બધા લોકો થોડી વાર વિચાર કરી પથ્થર નીચે નાખી પોતાના રસ્તે ચાલતા થયા. બધાના ગયા પછી પ્રભુ ઇસુ ખ્રિસ્તે એ બાઇને પુછ્યું કે કોઇએ તને પથ્થર માર્યો? તેણે કહ્યું કે ના. ત્યારે પ્રભુ ઇસુ ખ્રિસ્તે કહ્યું, હું પણ તને માફ કરું છું, જા તારા ઘરે જા અને આજ પછી કોઇ પાપ કરીશ નહિ. લોકોની અપેક્ષા હતી કે પ્રભુ ઇસુ ખ્રિસ્ત મુસાના નિયમ પ્રમાણે સજા મંજૂર કરશે, પણ એવું ન થયું. પેલી બાઇની અપેક્ષા હતી કે તે સજા વેઠીને પોતાનો જીવ ગુમાવશે, પણ એવું ન થયું. પ્રભુ ઇસુ ખ્રિસ્તને અપેક્ષા હતી કે લોકો એમની વાત સાંભળી, પોતાના અંતરમાં ડોકિયું કરી યોગ્ય નિર્ણય લેશે, અને એવું થયું.

આ પ્રસંગને આજના અનુસંધાનમાં લખેલી મારી એક અછાંદસ રચાના અહીં યોગ્ય લાગે છે,  તો વાંચો, અનુભવો અને પ્રત્યાધાત જણાવો.

હક્ક પહેલા પથ્થરનો!!!

નૂતન વર્ષનો

સૂરજ તો ઊગ્યો પૂર્વે!

સાયરન…

પોલીસ અને એમ્બ્યુલન્સ,

શું થયું? શું થયું?

બીજું એક મર્ડર?

લાશશશશ…!!!

કુતૂહલ!!!

ચર્ચા, અફ્વાઓ…

મર્યો કે માર્યો?

ડાહ્યો હતો કે દોઢડાહ્યો?

દેતો’તો વણમાગી સલાહ લોકોને,

હક્ક નથી તમને.

નિષ્પાપ ઉપાડે પથ્થર,

જો હોય તો!

દોષીત હસે છે…

ટોળું આખુંય સજીવન …………….

ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…

તું ઈસુ નથી!

અને હોય તોય શું?

હું તો બદલાઈ ગયો છું,

વ્યભિચારી બાઈ હું નથી!

એ ટોળામાં સામેલ હું નથી!

મારી પાસે પથ્થર નથી!

મારી પાસે

બન્ધૂક છે!

એ કે 47 છે!

મિસાઇલ છે!

બોંબ છે!

આત્મહત્યાની તાલિમ છે!

આતંકવાદની તાલિમ છે!

– જગદીશ ક્રિશ્ચિયન

મહાભારતના યુધ્ધ દરમ્યાન અર્જુનને ઉપદેશ આપતા ભગવાન શ્રીક્રુષ્ણ જણાવે છે

कर्मण्ये वाधिकारस्ते म फलेषु कदाचना
कर्मफलेह्तुर भुरमा ते संगोस्त्वकर्मानी॥

એટલે કે હે અર્જુન “ફળની ચિંતા કર્યા વગર તું તારી ફરજ, તારું કામ કર્યે જા”.

ઇશ્વરે આપેલા આદેશ-ઉપદેશ, આજ્ઞા-અધિકાર, ફરજ-જવાબદારી, સ્વતંત્રતા-સંબંધબંધન, બુધ્ધી-જ્ઞાન વગેરેનું પાલન-ઉપયોગ કરી યોગ્ય ફરજ બજાવિશું તો ઇશ્વર એનુ ફળ જરૂર આપેજ. ઘણી વખતે આપણને મળેલું ફળ આપણે સમજી શકતા નથી કે ઓળખી શકતા નથી. અત્યારે મને ક્યાંક વાંચેલી કે સાંભળેલી એક વાર્તા યાદ આવે છે. એક મધ્યમ વર્ગના કુટુંબનો એક યુવાન છોકરો હાઇસ્કુલના છેલ્લા વર્ષમાં ભણતો હતો. એણે પોતાના પિતાને વિનંતી કરી કે એને એક કાર લઇ આપે. પિતાએ તેને કહ્યું કે બરાબર મહેનત કર અને સારા નંબરે પાસ થા. હું તને સરસ બક્ષીસ આપીશ. છોકરો સારા નંબરે પાસ થઇ ગયો અને પિતા પાસે પોતાની બક્ષીસ માગવા ગયો. પિતાએ એને એક નવું બાઇબલ આપ્યું અને કહ્યું, આનો બરાબર અભ્યાસ કરીશ તો ઇશ્વર તારી બધી ઇચ્છા પૂરી કરશે. છોકરો એમદમ હતાશ થઇને જતો રહ્યો. અને થોડા દિવસ પછી ઘર છોડી ચાલ્યો ગયો. ઘણા પ્રયત્ન પછી પિતા એને શોધવામાં કામયાબ થયા પણ એ છોકરાએ પાછ આવવની ચોખ્ખિ ના પાડી દિધી. અને જણાવ્યું કે તેને પોતાના પિતા સાથે કોઇજ સંબંધ રાખવો નથી. લગભગ ૨૦-૨૨ વર્ષ પસાર થઇ ગયા અને એનો પોતાનો દિકરો હાઇસ્કુલના છેલ્લા વર્ષમાં આવ્યો અને એણે પણ પોતાના બાપની જેમ જ કારની માગણી કરી. એને પોતાના એ દિવસો યાદ આવી ગયા અને પોતાને મળેલા બાઇબલની યાદ આવી ગઇ. એણે પોતાના બેઝમેન્ટમાં જઇ અને પોતાના જુના સામાનમાંથી એ બાઇબલ શોધી કાઢ્યું અને એના પાના ફેરવવા લાગ્યો. બાઇબલના મધ્યમાં એક નાનો ખાડો હતો અને એની અંદર એક ચાવી એને મળી. અને ધ્યાનથી જોતાં એ તરત સમજી ગયો કે એ કારની ચાવી છે. એની નીચી એક નાની ચબરખી હતી કે, વ્હાલા દિકરા આ તારી બક્ષીસ એ ઇશ્વરનું દાન છે, એના નિયમોનું પાલન કરી તું હંમેશા ખુશ રહે એ પ્રાર્થના. ફલાણા ડિલરના શોરૂમમાંથી લઇ આવજે. છોકરો ધ્રુસકે અને ધ્રુસકે રડી પડ્યો. તરત એણે પોતાના પિતાનો સંપર્ક કરવાની કોષિશ કરી પણ ફોન કોઇ ઉપાડતું નહોતું. એણે એક પાડોશિને ફોન કર્યો તો ખબર પડી કે એના પિતા હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લઇ રહ્યા છે. તરત એણે જે પહેલી ફ્લાઇટ મળી એમાં પોતાના પુરા પરિવારની ટિકિટ બૂક કરાવી ત્યાં પહોંચી ગયો પણ એના પહોંચતા પહેલાં એના પિતા પ્રાણ મુકીને ચાલ્યા ગયા. તેણે પોતાના પિતાની અંતિમ વિધિ પતાવી. પોતાના પિતાના ધરને સરખું કરી રહ્યો હતો ત્યારે એને એક પરબિડીયું મળ્યું, જેના પર તેનું નામ હતું. એણે ખોલીને વાચ્યું “વ્હાલા બેટા મેં તારી ઇચ્છા પૂરી કરી હતી અને મેં તને મારી ઇચ્છા જણાવી હતી કે બાઇબલનો અભ્યાસ કર અને એક સારો નાગરીક બન, સારો માણસ બન. તેં જો મારી ઇચ્છા પૂરી કરી હોત તો આજે તારી આંખમાં આ આંસુ ન હોત. ખેર તારી કાર હજુ પણ એ ડીલરના ત્યાં છે, જઇને લઇ આવજે. તારો અભાગી પિતા. જ્યારે એ પેલા ડીલરને મળ્યો તો તેણે જણાવ્યું કે છેલ્લા ૨૦-૨૨ વર્ષથી તારા પિતા દર મહિને કાર રાખવા માટે અને એની સાર-સંભાળ રાખવા મને પૈસા ચૂકવતા હતા. છેલ્લા બેએક મહિનાના પૈસા બાકિ છે એ હું માફ કરું છું અને તું તારી કાર લઇ જા.

એ દિવસથી એ ધાર્મિક થઇ ગયો અને પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે જીવન જીવવા લાગ્યો. તો આ વાર્તાનું તાત્પર્ય એ છે કે ઘણી વખત આપણે આપણી ઇચ્છા-અપેક્ષા પુરી થઇ હોવા છતાં એને સમજી શકતા નથી, માણી શકતા નથી.  

અપેક્ષાને લગતી શ્રી. સુરેશ દલાલની એક કવિતા:

તારી અપેક્ષા તો એવી છે

કે તું હથેળીમાં અંગારો મૂકે

તો પણ મારે કહેવાનું

કે એ ફૂલ છે.

તારી અપેક્ષા તો એવી છે

કે તું હથેળીમાં ભારેખમ મૌન મૂકે

તો પણ મારે કહેવાનું

કે એ ઝરણાંનો કલરવ છે.

તારી અપેક્ષા તો એવી છે

કે તું હથેળીમાં હથેળી ન મૂકે

તો પણ મારે કહેવાનું

કે એ બ્રહ્માંડ છે.

– શ્રી. સુરેશ દલાલ

પ્રાપ્તિસ્થાન – ‘કવિતા’ દ્વિમાસિક મૅગેઝીન, ડિસેમ્બર ૧૯૮૯

આજે એક બ્લોગની મુલાકાત થઈ. “ગંગોત્રી” જેના પર અપેક્ષા નામની એક સરસ વાર્તા છે. આજની સમાજિક વ્યવસ્થામાં ઘરડા સ્વજનોની પરિસ્થિતિનું સુંદર વર્ણન. યુગોથી જે સંબંધ-સમસ્યાનું સમાધાન અશક્ય છે એવા સંબંધને છંછેડી બધાં પક્ષને યોગ્ય ન્યાય આપ્યો છે. આ વાર્તાને અંતે નીચેની સરસ પંક્તિ છે.

” પ્રભુ મારીઆશા નહિવત કરજે
પ્રભુ મારી અપેક્ષા નિર્મૂળ કરજે

 સુખી કરીને સુખી થવાની એક અજબ એ ચાવી
જરી તરી નહીં કોઈ અપેક્ષા ‘સરયૂ’ સંસારીની”

અને આખરે વિખ્યાત શાયર ઇકબાલનો એક ખુબજ જાણીતો શેર અહીં રજુ કરું છું :

 “उपेक्षा कोई करे तेरी तो सोंच – इसमे सजा क्या है? 
 इकबाल की इन पंक्तियों में, देख मज़ा क्या है. 
 खुदी को कर बुलंद इतना, के हर तकदीर से पहले, 
 खुदा खुद बन्दे से पूछे, बता तेरी रजा क्या है?”

મારી આગળની પોસ્ટ “દિશા-દર્શન દશા-વર્ણન” માં મુકેલી કવિ શ્રી રવિ ઉપાધ્યાયની ગઝલના એક શેરમાં આજ સરખા મિજાજ અને ખુમારી જોવા મળે છે.

“બદલાની અપેક્ષા વિના સત્કર્મ જે કરે,
 પથ્થરના દેવને ક્દી પ્રગટી જવું પડે.”

આઝાદીના ૬૨ વર્ષ August 15, 2009

Posted by jagadishchristian in અવનવું, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
4 comments

indiaflag

The Times of India August 15, 1947

The Times of India August 15, 1947

આજે આપણા ભારત દેશને આઝાદ થયા ૬૨ વર્ષ થયાં એના માટે દરેક ભારતીયને અભિનંદન. દરેક ભારતવાસીને અભિનંદન અને દેશને વધુ મજબૂત અને ઉજ્જ્વળ બનાવવા માટે પ્રયત્ન કરવાની વિનંતી અને શુભકામના. એનો મતલબ એ નથી કે એનઆઈઆર તરીકે અમે એ જવાબદારીમાંથી છટકી જવા માગીએ છીએ. પણ અમારું યોગદાન સીમિત છે. અમે તો દીકરી અને પારકી થાપણ જેવા છીએ. ભારત દેશે પેદા કર્યા, પાળ્યા-પોષ્યા અને વળાવી દીધા પારકા ઘરે. અને એક સંસ્કારી દીકરીની માફક આ નવા ઘર-દેશને પોતાનું કરી અજવાળવાની જવાબદારી સંભાળવાની છે. પણ પિયર તરફની લાગણી, પ્રેમ અકબંધ જાળવી રાખ્યાં છે. અને સમયાંતરે જે શક્ય હોય તે કરવા માટે કટીબદ્ધ છીએ. હવે અહીં આવ્યા કે આવવું પડ્યું એને નસીબ ગણો કે કમનસીબ. બાકી ઇતિહાસ તરફ નજર માંડીએ તો ક્રિસ્ટોફર કોલંબસ એના ત્રણ જહાજ નિના, પિન્ટા અને સાન્ટા મારીયા લઈને ભારત પહોંચવાની આશા લઈને ઑગસ્ટ ૩, ૧૪૯૨ ના દિવસે નીક્ળ્યો હતો. કારણ કે તે સમયે ભારતમાં સોના, ચાંદી, હીરા-મોતી, રેશમ-જરી અને તેજ મસાલા ના ભંડાર હતા. અને ઑગસ્ટ ૧૪૯૨ થી ઑગસ્ટ ૧૯૫૫ (મારો જન્મ થયેલો – ઉંમર ગણવાનું છોડી આગળ વધીએ). પણ કોલંબસ ભારતની જગ્યાએ ઑક્ટોબરની ૧૨ તારીખે અમેરિકા પહોંચી ગયો જ્યાં નાગાં-પૂગાં માણસો હતાં.. જુલાઈ ૪ ૧૭૭૬ ના દિવસે અમેરિકાએ સ્વતંત્રતા મેળવી. ભારતની જાહોજલાલી ૧૪૯૨-૧૯૪૭ ના સમય દરમ્યાન ક્યાં ગઈ એ વાત માટેના વિરોધાભાસી અને ઘણા બધા જૂઠાંણા સાંભળ્યા છે પણ એની વાત ફરી ક્યારેક કરીશું.     

સ્વતંત્રતા એટલે શું? ઘણી બધી વ્યાખ્યા છે. ગુલામીમાંથી છુટકારો, સ્વાવલંબી, પોતાની માલિકીપણાનો અહેસાસ વગેરે વગેરે. આપણે આપણી સ્વતંત્રતા ત્યારે ગુમાવીએ છીએ જ્યારે આપણે આપણું રક્ષણ કરવા શક્તિમાન નથી હોતા, એકતા કેળવી નથી શકતા અથવા અને આપણો લોભી-લાલચી સ્વભાવ ક્ષણિક લાભ માટે બીજાને શરણે જાય છે. આપણા દેશ માટે કંઈક એવું જ બન્યું હતું. ચાલો ભૂતકાળને તો આપણે બદલી નથી શકતા પણ આપણા વર્તમાનને મજબૂત બનાવી, આયોજન કરી ભવિષ્યને તો વધારે પ્રગતિશીલ બનાવી શકીએ છીએ. મેરા ભારત મહાન કે East or West India is The Best જેવા નારા લગાવી આત્મસંતોષ લેવાથી કશું વળવાનું નથી. જ્યારે દુનિયાના બીજા બધા દેશ આપણા દેશની પ્રગતિ અને સાર્વભૌમકતા ના વખાણ કરે તો ખરું.    

આઝાદીનો મતલબ એ નથી કે દરેક વ્યક્તિ પોતાની મરજી પ્રમાણે કર્યા કરે. આપણે આપણા જીવનને કેવી રીતે જીવવું એના વ્યક્તિગત નિયમો બનાવી એને અનુસરતા હોઈએ છીએ. તો દરેક કુટુંબના, ગામના, સમાજના, ધર્મના, રાજ્યના, દેશના અને આંતરરાષ્ટ્રીય નિયમો હોય છે. અનુશાસન વગરની આઝાદી અંધકાર તરફ લઈ જાય છે.

છાશવારે ધર્મના નામે જાતના નામે હુલ્લડ-તોફાન કરવા, લૂંટફાટ કરવી, જાનહાની કરવી, જાહેર મિલકત કે જે બનાવવા, વાપરવા અને સંભાળવાની જવાબદારી ભૂલી એનું નુકશાન કરવું કે જે મિલકતના ભાગીદાર આપણે પણ છીએ. બસ ટ્રેન કે મકાનો-દુકાનો બાળી આપણે કોનું નુકશાન કરીએ છીએ? જો જીવન આપવા આપણે અસમર્થ છીએ તો કોઈનો જીવ લેવાનો અધિકાર કોણે આપ્યો? આ અમેરિકા એ તો વસાહતીઓનો દેશ છે. દરેક દેશના, રંગના, જાતના અને ધર્મના લોકો અહીં વસે છે પણ મારા ચોવીસ વરસના વસવાટ દરમ્યાન જાત કે ધર્મના નામે કોઈ મોટાં તોફાન નથી જોયાં. પ્રાથમિક શાળાના દિવસો દરમ્યાન એક ડોસો અને ત્રણ દિકરા ની વાત આપણે બધાંએ વાંચી છે કે એક લાકડી તોડવી સહેલી છે પણ લાકડાના ભારાને તોડવો અઘરો છે. આટલી સામાન્ય વાત હજુ આપણે સમજી શક્યા નથી.

આપણા હિન્દી મૂવી બનાવવામાં ઘણું પરિવર્તન આવ્યું છે અને નવી વિચારધારાને વાચા આપતા સારા સારા મૂવી બની રહ્યાં છે. પણ નાના પડદાની વાત કરીએ તો એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરૂષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે.   

જાગવાની જરૂર છે, એકતા કેળવવાની જરૂર છે. ચાલો આઝાદીના નવા વર્ષને સોનેરી બનાવવા પ્રતિજ્ઞા લઈએ.

ભારત દેશ અમર રહે.

વંદે માતરમ્.

image002

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ તિરંગા લાઈટ્સ સાથે ૦૮-૧૫-૨૦૦૮

અંધકારનો અજંપો ! August 13, 2009

Posted by jagadishchristian in અવનવું, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
4 comments

ઑગસ્ટ ૧૪, ૨૦૦૩ ના દિવસે બપોરે મારું જમવાનું પતાવી હું થોડી તાજી હવા લેવા એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગના અઢાળમા માળની મારી ઑફીસથી એલિવેટર ના સહારે નીચે આવ્યો. નીચે લટાર મારતાં યાદ આવ્યું કે મારે સ્ટેપલ્સમાંથી (ઑફિસને લગતી વસ્તુઓની દુકાન – અત્યારે મુમ્બઈ અને બેંગલોરમાં એની શાખા છે) કંઈક લેવાનું હતું. હું અંદર ગયો અને એકાદ મિનિટ પછી અચાનક લાઈટ બંધ થઈ ગઈ. અહિં આવા સમયે તરત જ આવવા-જવા ના બધા દરવાજા બંધ કરી દેતા હોય છે. થોડી મિનિટ પછી પણ લાઈટ ચાલુ ન થતાં અને એરકંડીશનના અભાવે ગૂંગળાતા ગ્રાહકોને સિક્યુરિટી વાળા ચેક કરી ને બહાર જવા દેવા લાગ્યા. બહાર નીકળ્યો તો અફવાનું બજાર ગરમાગરમ હતું. સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ ના આતંકવાદી હુમલાનું પુનરાવર્તન ની અફવા થી માંડી જાત જાતની અફવા. બધી ટનલ બંધ કરવામાં આવી હતી. ટ્રેન બંધ, ટ્રાફિક લાઈટ્સ બંધ એટલે વાહનવ્યવહાર ખોરવાયો. સાંજે મોડેથી ટનલ ખોલવામાં આવી પણ ટ્રાફિક એકદમ ધીમી ગતિમાં ચાલતો હતો. ઑફીસમાં તો પછા ન જવાયું પણ છેક રાત્રે આઠ વાગ્યા પછી હું ઘરે પહોંચી શક્યો હતો. એ દિવસ ના અનુભવ ને શબ્દોના વાઘા પહેરાવી એક કવિતા લખી હતી એ આપ સૌની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે ગમશે.

P10005772

એમ્પાયર સ્ટેટ બિલ્ડિગ - ઓગસ્ટ ૧૫, ૨૦૦૮ તિરંગા લાઈટ્સ સાથે

OUt-05.jpg

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ - ઓગસ્ટ ૧૪ ૨૦૦૩

blackout08-14-03

પગપાળા ઘર તરફ પ્રયાણ - ઓગસ્ટ ૧૪ ૨૦૦૩

rhs_blackout  

અંધકારનો અજંપો (Blackout)

અઢાળમા ફ્લોરથી સ્ટેપલ્સ ગયો,

એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ છોડી ગયો.

કાંઈ લીધું ન લીધું ને પાવર ગુલ,

ખાલી હાથે ફંફોસાઈને બહાર આવ્યો.

હતું કે ખાલી એક બિલ્ડિંગની વાત છે,

ચારે તરફ એક સરખું બસ જોતો ગયો.

પબ્લિક-ફોન ગળે પબ્લિકની ગાળો!

પ્રેમ, પ્રશંસા કે પૈસા બસ ફંગોળી ગયો.

સેલ ફોન – મોબાઈલ ફોનને વારંવાર,

કાન-મોંથી દબાવી થાકી થાકી ગયો.

એલિવેટર ભલે ઉપર ન જાય પણ,

નીચે જવાની રિક્વેસ્ટ ઘોળી પી ગયો.

ટનલ, ટ્રેન બ્રિજ બંધ ને ચાલે બસ નજીવી

માનવ-મહેરામણ પગપાળા કરતો ગયો.

ફરજ ભૂલ્યા ટ્રાફિક સિગ્નલ તો ભલે

એનવાયપીડી તોય એની જાત પર ગયો.

મેયર, ગવર્નર અને પ્રેસિડેન્ટનું આશ્વાસન

થાકેલા પાકેલા પગને ચાબખા મારી ગયો.

કાલ અને આજની વચ્ચે આ ફરક જોઈને

ફાનસ ભૂલી ગયાનો અફસોસ થઈ ગયો.

– જગદીશ ક્રિશ્ચિયન 

અહીં આ દેશમાં ભાગ્યેજ એવું બને કે વીજળી બંધ થાય. ક્યારેક વાવાજોડાં ના કારણે થોડા સમય માટે વીજળી બંધ થાય. પણ આ વખતના વીજળી ના ભંગાણ ને સરખું થતાં ત્રણેક દિવસ લાગ્યા. વીજળી ન હોય તો ધરમાં અજવાળું ન થાય, ફ્રીઝ ન ચાલે, એરકંડીશન ન ચાલે, ટીવી-રેડિયો ન ચાલે, કમ્પુટર ન ચાલે, માઇક્રોવેવ-ઇસ્ત્રી એવી કોઈ પણ વસ્તુ જેને ચલાવવા માટે વીજળી ની જરૂર પડે એવી કોઈ વસ્તુ કામ ના કરે. માણસે વીજળી ની શોધ કરી અને એનાથી ચાલતા ઉપકરણો બનાવી માણસના રોજીંદા જીવનમાં કેટલી બધી સગવડ-રાહત કરી આપી. પણ જો આ સગવડ થોડા સમય માટે ન હોય તો માણસ કેટલો પાંગળો થઈ જાય છે. વીજળીના અભાવે એલિવેટર- એસ્ક્લેટર ન ચાલે, ટ્રેન ન ચાલે, રસ્તા પરની ટ્રાફિક લાઈટ્સ ન ચાલે. માણસ જાત પોતે પોતાના જ સંશોધન-આવિષ્કરણનો શિકાર બની જાય છે. અમેરિકા ની જેમ દુનિયાના ઘણા બધા દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા અને આઝાદીના અજવાળામાં રહેવા લાગ્યા, પણ આપણે આપણા જ સંશોધનના ગુલામ બની ગયા છીએ એવું નથી લાગતું? મને યાદ છે મારા શાળાના દિવસો જ્યારે બધા ઘડિયા મોઢે હોવા જરૂરી હતા, આજે પણ પ્રયત્ન કરું તો યાદ આવી જાય છે. કેલક્યુલેટરના સહજ ઉપયોગની ટેવના કારણે આંગળીઓને વેંઢે હિસાબ કરવાની કુશળતા મરી પરવારી છે. અહીં અમેરિકાના છોકરાંઓને તો એક વત્તા એક માટે પણ કેલક્યુલેટરની જરૂર પડે છે (થોડી અતિશયોક્તિ કરું છું!). જુલાઈ ૧૯૮૫ માં અહીં આવ્યા પછી ન્યુ યોર્ક પોર્ટ-ઓથોરિટી બસ-ટર્મિનલ ના એક ન્યૂઝસ્ટેન્ડ પર જોબ શરૂ કરી (આ મારી અમેરિકાની પહેલી જોબ – એના પહેલા બે દિવસ એક જ્ગ્યાએ કામ કરેલું એની વાત ફરી ક્યારેક કરીશ). આ જગ્યા એવી જ્યાં સવારે ૬-૧૦ અને સાજે ૩-૮ ના સમય દરમ્યાન લોકો ભાગાભાગ કરતા હોય પોતાના કામના સ્થળે કે પોતાના ઘરે પહોંચવા. બધાંને ઉતાવળ, અને ઉતાવળમાં ન્યૂઝ-પેપર, મેગેઝીન, સિગારેટ ગમ-કેન્ડી વગેરે લેતા જાય. એ સમયે આંગળીના વેંઢે ગણવાની કુશળતા બહુ કામ લાગેલી. ગ્રાહક જેમ જેમ વસ્તુ ઉપાડે તેમ તેમ દિમાગ સરવાળો કરતું જાય અને જ્યારે એ પૈસા આપવાની તૈયારી કરે ત્યારે પરચૂરણ ગણી હાથમાં તૈયાર અને જેવી એના હાથમાં નોટ દેખાય એટલે એને બાકી આપવાની નોટ પણ તૈયાર. હજુ આજે પણ કેટલાય કુશળ ગુજરાતીઓ આ પ્રમાણે જોબ કરે છે કે પોતાનો સ્ટોર ચલાવે છે તો ક્યાંક કેલક્યુલેટરવાળા પણ જોવા મળતા હોય છે. પહેલા પરિવારના, સંબંધીઓના અને ઓળખીતાં બધાના ફોન નંબર મોઢે રહેતા હવે ઘરના ફોન કે સેલ-ફોનની ડિરેક્ટરીમાં નોંધ્યા પછી યાદ રહેતા નથી. એલાર્મ ન રણકે તો સવાર થતી નથી કે મોડી થાય છે. પહેલાં ૫-૧૦ માળના પગથિયાં ચડી જતા પણ હવે જો એલિવેટર ન ચાલતું હોય અને બીજા માળે જ જવાનું હોય તોય કેટલા નિસાસા નીકળી જાય છે. ભલે રોજ એક કલાક જીમમાં કસરત કરતા હોય પણ સ્ટેશન પર એસ્કલેટર ન ચાલતું હોય અને ૪૦ પગથિયાં ચડવાના થાય તો NJ Transit કે MTA ને કેટલીય ગાળો આપી દઈએ છીએ.

આપણે દરેક આવિષ્કારનો અતિ ઉપયોગ કરતા હોઈએ છીએ અને ઘણી વખત ગેર-ઉપયોગ કરતા હોઈએ છીએ. વાહન ચલાવતી વખતે સેલ ફોનનો ઉપયોગ ક્યારેક અકસ્માત કરાવી શકે. ચાલુ બસ કે ટ્રેન ની અંદર ઊંચા અવાજે સેલ ફોન પર વાર્તાલાપ કરવાથી બીજા યાત્રીઓને ખલેલ પહોંચાડતા હોઈએ છીએ. ઘરમાં બિનજરૂરી વિજળી ના ઉપયોગથી બિનજરૂરી ખર્ચ અને વપરાશ કરતા હોઈએ છીએ. બાળકો ટેલિવિઝન પર કે કમ્પુટર પર વધારે સમય ગાળીને અભ્યાસ માટે પૂરતો સમય ફાળવતા નથી. પાણી ખોરાક વીજળી અને ખનીજ તેલનો બગાડ રોકવા માટે સચેત મનોવૃત્તિ કેળવવાની દરેકની જવાબદારી છે.

ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી – એડિસન, ન્યુ જર્સી – ઑગષ્ટ ૯, ૨૦૦૯ August 10, 2009

Posted by jagadishchristian in સમાચાર-હેવાલ.
1 comment so far

08092009indiadayparade

ગયા વર્ષે પરેડના દિવસે વરસાદ હોવાથી સંખ્યા થોડી ઓછી હતી. આ વર્ષે પણ સવારે થોડો વરસાદ પડ્યો પણ બપોર સુધીમાં તડકો નીકળી આવ્યો. લગભગ ૩૦ થી ૪૦ હજારની સંખ્યામાં લોકો પરેડમાં ભાગ લેવા આવ્યા હતા. મોટા ભાગના વડિલ વયનાં ભારતીય વેશ પહેરી આવેલા તો થોડા મહેશમાંથી Mike, પ્રદિપમાંથી Peter બનેલા સુટમાં સજ્જ હતા. રંગબેરંગી વસ્ત્રોથી મઢી તરૂણીઓ અને આધુનિક કપડાં વાળા યુવાવર્ગથી માંડી નાનાં ભૂલકાંઓ અહીં હાજર હતા. થોડા લોકલ રાજકારણીઓ પણ આ પરેડમાં જોડાયા હતા.

અહીં ક્લિક કરીને પરેડના પિક્ચર નિહાળો. પ્રાપ્તીસ્થાન – શ્રી. જયેશ મહેતાની વેબસાઈટ – www.ranng.com

આ પરેડની વિડીયો જોવા અહિં ક્લિક કરો. પ્રાપ્તિસ્થાન – – vids.myspace.com

ઑગષ્ટ ૧૬ ૨૦૦૯ ના દિવસે ન્યુ યોર્ક શહેરમાં પરેડ યોજાવાની છે. 

IndiaDayParade2009NYC

આટલાં વર્ષો લાગ્યાં? August 1, 2009

Posted by jagadishchristian in મારી કવિતા.
add a comment

આજે કોઈ પણ પૂર્વભૂમિકા બાંધ્યા વગર મારી એક રચના અહીં રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. ગમે કે ન ગમે જણાવજો જરૂર.

આટલાં વર્ષો લાગ્યાં?

સ્નેહનો સ્વીકાર કરતાં આટલાં વર્ષો લાગ્યાં?

જીવું છું કે નહીં જાણતાં આટલાં વર્ષો લાગ્યાં?

પતન કે હતી નિષ્ફળતા સમજી શક્યો નથી!

વિશ્લેષણ કરતાં કરતાં આટલાં વર્ષો લાગ્યાં?

આજે કે કાલે કહું એવી પ્રત્યોજણની પીડા,

ચાહું છું તમને કહેતાં આટલાં વર્ષો લાગ્યાં?

પામવું ન પામવું, કળે ના કળે લે ફળે ના ફળે,

મોત પછી કફન પામતાં આટલાં વર્ષો લાગ્યાં?

પૂછે તો આખરી ઇચ્છા કહું તને ‘જગદીશ’

ધીરજ ખૂટી, પૂછતાં આટલાં વર્ષો લાગ્યાં?

–   જગદીશ ક્રિશ્ચિયન મે ૦૫, ૨૦૦૪

શ્રી. મૃગેશ શાહના બ્લોગ (રીડગુજરાતી.કોમ) પર આ રચના માર્ચ ૨૦૦૬ ના દિવસે મૂકવામાં આવી હતી.

ફરી મળીશું. આભાર.

%d bloggers like this: