jump to navigation

દેશી ટીવી ચેનલનો ત્રાસ! January 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
14 comments

દર સપ્તાહ એક પોસ્ટ મૂકવી એવો એક લક્ષ્ય રાખ્યો છે. આજે કોઈ ગઝલ કે વાર્તા મારા સંપાદન માટે તૈયાર નથી તો એક લેખ ઑગસ્ટ મહિનામાં તૈયાર કરેલો તે કોઈપણ કારણસહ પ્રકાશિત નથી કરી શક્યો તે આજે પ્રસ્તુત કરું છું.

દેશી ટીવી ચેનલનો ત્રાસ

પેટ ચોળીને પીડા વહોરી એ કહેવત એકદમ યથાયોગ્ય પુરવાર થઈ જ્યારે પૈસા ખરચીને દેશી ચેનલો લીધી. ડિશ નેટવર્કનું જોડાણ લેવાથી મહિને ૫૩ ડોલરમાં ૨૦૦ અમેરિકન ચેનલ જોવાનો લાવો મળે. આ ૨૦૦ ચેનલ ન્યૂઝ થી માંડીને વિવિધ વિષયને લગતી મનોરંજન સાથે માહિતી પીરસે છે. ખેલજગત, વિજ્ઞાન, આધ્યાત્મિક વગેરે જાત જાતની માહિતીની મોટા ભાગે જીવંત પ્રસારણ સાથે (ખાલી અમેરિકા સ્થિત નહીં પણ દુનિયાના કોઈ પણ ખૂણેથી) દરેક રસના દર્શકોને મનોરંજન સાથે જાણકારી, માહિતી, શિક્ષણ અને દેશ-વિદેશની વિવિધતાના રસદર્શન કરાવે છે. પણ મહિને ૬૦ ડોલર ખરચીને દેશી ચેનલ લેવી પડે છે.  (અત્યારે ૧૫ ચેનલ છે – દરેક ચેનલ બીજી ચેનલને વાંધો હોય, તકલીફ થાય, હરીફાઈ કરવી પડે એવા કોઈજ પ્રયત્ન અજાણે પણ કરતી નથી. અને બધી ચેનલ સાથે મળી કેવી રીતે કેટલા ડોલર એકઠા કરવા એના માટે એકમત થઈ આ વિષય વગરની વાત કરવામાં રસ લેતા જ નથી. કારણ એ સિવાયની વાત આવે તો હરીફાઈ આવે અને હરીફાઈ આવે તો મહેનત કરવી પડે, ખર્ચ કરવો પડે વગેરે વગેરે). સૌ પ્રથમ તો આ દેશી ચેનલ લેવાથી ખોટો ખર્ચ થાય છે. ઘરમાં જો એક કરતાં ઓછાં ટેલિવિઝન હોય તો બિનજરૂરી ઝગડાનું કારણ બને છે. બાળકો અને પતિને બલિદાનમૂર્તિ સ્વરૂપ સ્ત્રીના માટે બલિદાન આપવાની અનોખી પરિસ્થિતિ પેદા કરે છે. અરે આ તો ટીવી સિરિયલનો નવો સબ્જેક્ટ થઈ ગયો! હવે આ દેશી ચેનલમાં નામ એવાં લક્ષણ નથી હોતાં. હવે જો કોઈએ ડૉક્ટર થવું હોય અને મેડિકલ કૉલેજમાં જાય અને અને થિયોલોજીના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! જો કોઈ સાહિત્યના રસને લઈ આર્ટ્સ કૉલેજમાં જાય અને ગણિતના ક્લાસ ફરજિયાત કરવા પડે તો! હેડલાઈન્સ ટુડે, આજતક કે સમય પર સવારે ૬-૮ વચ્ચે દુનિયામાં કોઈપણ સ્થળે તો શું પણ ભારતમાં કોઈ નવાજૂની થતી હોય તો એની પરવા કર્યા વગર આધ્યાત્મિક કાર્યક્રમ યથાવત્ ચાલતા હોય છે જે બાકીની ૧૩ ચેનલો બતાવતી જ હોય છે (જોકે દરેક ચેનલના પોત પોતાના સંતો અને સાધ્વીઓ હોય છે.) આનો મતલબ એ ન કરતા કે મને આધ્યાત્મિકતા સાથે વાંધો છે. મારા વખાણ નથી કરતો પણ માણસાઈ ન ચૂંકું એનું સતત ધ્યાન રાખું છું. પણ આજ ન્યૂઝ ચેનલો સંજય દત્ત ક્યારે જેલમાં પહોંચશે અને છૂટશે એનું જીવંત પ્રસારણ કરશે, અમિતાભ ક્યારે કયા મંદિરમાં પહોંચશે એનું જીવંત પ્રસારણ કરશે, બીજા બધા કાર્યક્રમને રદ કરીને. આધ્યાત્મિક હોય કે દેશજનના હિતમાં હોય એવા કોઈ પણ કાર્યક્રમને રદ કરી એમની ચેનલને મહત્તમ દર્શકો મળે એવા પ્રયોજન કરે છે. હમણાં એકાદ અઠવાડિયા પહેલાં હું ઑફિસમાંથી નીકળતો હતો અને એક ન્યૂઝફ્લેશ જોઈ કે હીન્દી મહાસાગરમાં આંદામાન નજીક ૭.૧ તીવ્રતા વાળો ધરતીકંપ થયો છે અને સુનામી થવાની શક્યતાની ચેતવણી જાહેર કરી છે. જેમાં ભારત સિવાયના નજીકના ઘણા દેશમાં નુકશાન થવાની ચેતવણી હતી. ઘરે પહોંચતા મને લગભગ કલાક જેવું થાય છે. ઘરે પહોંચી તરતજ મેં દેશી ન્યૂઝ ચેનલ ઑન કરી અને એક કલાક સુધી ત્રણ ચેનલને વારાફરતી બદલતો રહયો પણ એ બધા તો એમની સાથી-સખી-ભગિની ચેનલાના reality show (વાસ્તવિકતાનું પ્રદર્શન??) ના અંશ કે બોલિવુડની નવાજૂની બતાવવામાં મશગૂલ હતા. ઈશ્વરકૃપાથી બે કલાક પછી આ ચેતવણી રદ કરવામાં આવી હતી. (કદાચ મારી માન્યતા ખોટી પણ હોઈ શકે કે આ ચેનલોનું જીવંત પ્રસારણ થાય છે)

આ ત્રણ ન્યૂઝ ચેલનને છોડીને બાકીની ૧૩ ચેનલોમાંથી એક સંગીતની ચેનલ છે જે લગભગ ચોવીસ કલાક નવાં આધુનિક ગીતો બતાવે અને જુનાં ગીત હોય ખરાં પણ એ remix. બાકીની ૧૨ ચેનલ એજ જુના-પૂરાણા સાસુ-વહુ દેરાણી-જેઠાણી ના ઝગડા અને ઘરને નર્ક બનાવવાના પ્રપંચો વાળી ધારાવાહિક. પૈસાનો ભભકો આધુનિક સુવિધાનો વધુ પડતો દેખાવ સ્ત્રી-પાત્રની હીણ કક્ષાની વિલનગીરી વગેરે સમાજમાં જાગૃતિ ક્યાંથી લાવી શકે. સંયુક્ત કુટુંબની ભાવના ક્યાંય નજરે પડતી નથી. અને આપણી ભારતીય સ્ત્રીઓ (થોડા પુરુષો પણ ખરા) ટેલિવિઝનની આ ધારાવાહિક શ્રેણી જોવા માટે કલાકોના કલાક બગાડતા હોય છે. ભારતીય કલા, સંગીત, મૂલ્યો કે સૌજન્યને ઉજાગર કરે એવી ધારાવાહિક બનાવવી જોઈએ. અને આજ ચેનલો બે-પાંચ વર્ષ જુની મૂવિ બતાવે જે લગભગ આ બારે બાર ચેનલ પર લગભગ દર અઠવાડિયે બતાવતા હોવા છતાં એની જાહેરાત કરે તો જણાવે કે only on this channel. આ ચેનલો પર ક્યારેય ગઝલનો, કાવ્યપઠનનો, મુશાયરાનો, ખેલ-કૂદનો કે શૈક્ષણિક કોઈજ કાર્યક્રમ આવતા નથી. ZEE TV વાળાઓએ હદ કરી જ્યારે તેમણે ICL શરૂ કર્યા પહેલાં અમેરિકામાં ZEE SPORTS (વળી પાછી અલગ પૈસા ખરચીને લેવાની) ચેનલ શરૂ કરી એવી જાહેરાત સાથે કે હવે અમેરિકાસ્થિત ક્રિકેટપ્રેમીઓને ક્રિકેટથી વંચિત નહીં રહેવું પડે. બિલકુલ જૂઠ.

આ દેશમાં દરેક ચેનલ એમના કાર્યક્રમ દરમ્યાન એક કે બે મિનિટની કમર્શિયલ મૂકતા હોય છે. આપણી દેશી ચેનલ ૧૫-૨૦ મિનિટ સુધી કમર્શિયલ મૂકતા હોય છે અને એકજ જાહેરાત એક કરતા વધારે વખત ફરી ફરી બતાવીને કાર્યક્રમ જોવાની મઝા તો બગાડે છે પણ કિંમતી સમય બરબાદ પણ કરે છે. એ જાહેરાત આપનારા અને ચેનલ વાળા એમ માનતા હોય કે એનાથી એ જાહેરાત કરનારી કંપનીને ફાયદો થશે તો એ માન્યતા ખોટી છે. હું તો આ જાહેરાતની એક પણ વસ્તુ જરૂર હોય અને કોઈ પર્યાય ન હોય તો પણ ન લેવાની તરફેણમાં છું. હમણાં ઓગસ્ટની ૧૬ તારીખે ન્યુ યોર્ક શહેરમાં ભારતીય સ્વતંત્રતા દિવસની પરેડનું જીવંત પ્રસારણ પહેલી વખત કરવામાં આવ્યું. એ પ્રસારણ એટલું નબળું અને અવ્યવસ્થિત હતું જે અપેક્ષાથી જોજન દૂર હતું. આ પ્રસારણમાં સંકળાયેલા લોકોએ આ દેશમાં યોજાતી કોઈ પણ પરેડના જીવંત પ્રસારણનો પૂર્વ અભ્યાસ કરવાની તસ્દી લીધી નથી એ ઊડીને આંખે દેખાતું હતું.

ધરતીકંપ! January 24, 2010

Posted by jagadishchristian in મારી વાર્તા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , ,
10 comments

તાજેતરમાં હૈટીમાં વિનાશક ભૂકંપ થયો અને કરોડોનું આર્થિક નુકસાન થયું, લાખો લોકોની જાન-હાનિ થઈ અને લાખો લોકો ઘર-વિહોણા થયા એનું પારાવાર દુઃખ છે. આ હોનારતમાં કોઈએ પતિ તો કોઈએ પત્ની, કોઈએ બાળકો ગુમાવ્યાં તો કેટલાય બાળકોએ માબાપ, ઘણાં કુટુંબ એક સાથેજ આ ભૂકંપમાં હોમાઈ ગયા. જે બચ્યા છે એ લોકોએ જીંદગીની શરૂઆત નવેસરથી કરવી પડશે. અને આ નવેસરની જીંદગીમાં પણ એ ધરતીકંપની કેવી આડઅસર થતી હોય છે એને એક વાર્તા સ્વરૂપે અહીં રજૂ કરું છું. દુનિયાભરના લોકોએ યથાશક્તિ યોગદાન આપ્યું છે . ઈશ્વરપિતા મુએલાંઓના આત્માને શાંતિ આપે, ઇજાગ્રસ્તો જલદી સાજાપણું પામે અને સૌ બચેલાંઓના નવજીવનને મજબૂત બનાવે એવી અંતરની અભીપ્સા પૂર્ણ કરે એવી પ્રાર્થના.    

જાન્યુઆરી ૨૬ ૨૦૦૧ ના દિવસે ગુજરાત પણ ભારે ધરતીકંપનો ભોગ બન્યું હતું. અહીં અમેરિકાસ્થિત મારા એક મિત્રના મોટાભાઈ એમની એકની એક દીકરીના વેવિશાળ કરી અંતરના ઓરતા સાથે અમદાવાદ લગ્નની જરૂરી ખરીદી માટે ગયા હતા. અને એ ગોઝારા દિવસે એમના પત્ની અને પુત્રી એ ધરતીકંપના ભોગ બન્યા હતા. થોડી જ ક્ષણોમાં એમનું કિલ્લોલ કરતું કુટુંબ વિખરાઈ ગયું. નીચેની વાર્તા આ ઘટનાનો આધાર છે. વાર્તાના પાત્રો અને આ ઘટના સિવાયની બાકી બધીજ ઘટનાઓ કાલ્પનિક છે.

ધરતીકંપ!

સપ્ટેમ્બર મહિનાની ખુશનુમા સવાર હતી. “સીનિયર સેન્ટર” ના પ્રાંગણના બાંકડા પર છગનભાઇ અને મિત્રો બેઠા બેઠા ગામ-ગપાટા મારી રહ્યા હતા. સેન્ટરના માલિક અને સંચાલક રમેશભાઇની ગાડીએ સેન્ટરમાં પ્રવેશ કર્યો. તેઓ પોતાની ગાડી પાર્ક કરી આવ્યા એટલે છગનભાઇ  જે એમની ચંચુપાત અને ચાંપલાશ માટે જાણીતા છે બોલ્યા

“રમેશભાઇ આજે શનિવારે આટલા વહેલા કેમ?”

“બસ એમજ” કહીને એ પોતાની ઓફીસ તરફ રવાના થયા. થોડી વાર પછી એ બહાર આવ્યા અને સેન્ટરના આંગણામાં આવી ઊભા રહ્યા. છગનભાઇ  બોલ્યા

“આજે રમેશભાઇ વહેલા આવીને અહીં કોની રાહ જુએ છે? કોઈ ઈંસ્પેક્શન માટે આવવાનું છે કે શું?” બીજી બધી વાતો બાજુ પર મૂકી એ વિચારમગ્ન થઈ ગયા.

થોડી વારે એક મર્સીડીઝ ગાડી આવી અને ઊભી રહી. રમેશભાઇ  તરત એ ગાડી પાસે ગયા. આગળની બાજુથી એક ભાઇ  ઉતર્યા અને રમેશભાઇનો હાથ મિલાવી એમને ભેટી પડ્યા. રમેશભાઇએ અંદર ઇશારો કરી કાંઈ મંગાવ્યું. એક નર્સબેન વ્હિલચેર લઈને આવ્યા એટલે રમેશભાઇ અને પેલા ભાઇએ ગાડીની પાછળનો દરવાજો ખોલ્યો. રમેશભાઇ  કોઈને પગે પડતા હોય એવું લાગ્યું. નર્સબેને અંદરથી એક આધેડ વયના બેનને ટેકો આપી બહાર કાઢ્યા અને વ્હિલચેરમાં બેસાડ્યા. છગનભાઇ  સમજી ગયા કે નવા આગંતુક લાગે છે. અને વ્યંગમાં બોલ્યા

“ભાઇ  મર્સીડીઝમાં ફરે છે, મોટો બંગલો પણ હશે પણ ઘરડી માને રાખવા જેટલી જગ્યા નહીં હોય! સાલા બૈરીના ગુલામ!”

રમેશભાઇએ ગુસ્સા ભરી નજર નાખી અને પેલા ભાઇ ની સાથે અંદર જતા રહ્યા. અંદર આવીને રમેશભાઇએ અનંતભાઇ  અને બાને બેસાડ્યા અને જરૂરી પેપરવર્ક તૈયાર કરવા લાગ્યા. એમણે ફોન કરી રસોડામાંથી ઓછી સુગરવાળી ત્રણ ચા મંગાવી. પેપરવર્ક પતાવી બાને એમના રૂમમાં બેસાડી અનંતભાઇ  અને રમેશભાઇ  બહાર આવ્યા અને અનંતભાઇને વિદાય આપી.

અનંતભાઇ  અમે રમેશભાઇ  બંને અમદાવાદમાં એકજ સ્કૂલમાં અને ક્લાસમાં હતા. બંને વચ્ચે ભાઇ  જેવો સંબંધ હતો. હાઈસ્કૂલ પછી બંનેની કોલેજ અલગ હતી પણ એમનો સંબંધ તો એવોજ અકબંધ હતો. રમેશભાઇ  મેડીકલ કોલેજમાં ગયા તો અનંતભાઇ  એંજીનીયરીંગ કોલેજમાં. અનંતભાઇ  અને રમેશભાઇ  પોતાનું કોલેજ શિક્ષણ પતાવી વધુ અભ્યાસ અર્થે અમેરિકા આવ્યા અને અહીંજ સેટલ થઈ ગયા. રમેશભાઇ એડીસનની જે.એફ.કે. હોસ્પીટલમાં ડોક્ટર તરીકે કાર્યરત થયા તો અનંતભાઇ  ન્યુ જર્સી ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાસ્પોર્ટેશન માટે કામ કરવા લાગ્યા. અહીં આવ્યા પછી અને પરણ્યા પછી પણ એમનો સંબંધ એવો જ અકબંધ જળવાઈ રહ્યો હતો. અનંતભાઇ ને એકમાત્ર પુત્રી હતી જ્યારે રમેશભાઇ ને એક પુત્ર અને બે પુત્રીઓ હતી. અનંતભાઇ  એમના માબાપના એક જ સંતાન હતા એટલે જ્યારે એમના પિતાનું હાર્ટએટેકથી મ્રુત્યુ થયું ત્યારે જબરદસ્તી પોતાના ચંચળબાને સાથે અમેરિકા લઈ આવ્યા. ચંચળબા રસોઈ બહુ સરસ બનાવે. રમેશભાઇ ને એમના હાથની વરાની દાળ ખૂબજ ગમે. ચંચળબા બહુ માયાળુ. અનંતભાઇ ના પત્નિ શોભાબેન સાથે એ હોય તો બધાને એવુંજ લાગે કે મા-દીકરી છે. કદાચ એમને દીકરી ન હોવાથી વધુ વ્હાલ કરતા હશે. અનંતભાઇ  અને શોભાબેનની પૂત્રી પ્રીતી સરસ દેખાવડી. સંગીતમાં ભારે શોખ. ભણવામાં પણ હોંશિયાર. ચાર જણનો સુખી ઘરસંસાર ચાલતો હતો.

દર રવિવારે સેન્ટરમાં સવારે દસ વાગે પ્રાર્થનાસભા યોજવાનો શિરસ્તો ચાલતો આવ્યો છે. અને ત્યારબાદ ક્યારેક કોઈ સંત-મહાત્મા આવીને આધ્યામીક પ્રવચન આપે તો ક્યારેક કોઈ સાહિત્યકાર આવી એમના સાહિત્યનું રસપાન કરાવે. ક્યારેક સંગીતનો કાર્યક્રમ થાય તો ક્યારેક સિનિયર સિટિજનને મળતા લાભ વિષેની જાણકારી માટે જાણીતા સમાજસેવક શ્રી. જોસેફભાઇ  પરમારનો વાર્તાલાપ યોજાય.

આજે રવિવાર હતો એટલે સેન્ટરના બધા રહેવાસીઓ હૉલમાં ભેગા થઈ ગયા હતા. રમેશભાઇ  પણ હાજર હતા. રાબેતા મુજબ બે-ચાર ભજનો ગાયા બાદ બધાએ સમુહ પ્રાર્થના કરી. પ્રાર્થના પતી એટલે રમેશભાઇ  આગળ આવ્યા અને બધાને સંબોધતા બોલ્યા “પૂજ્ય વડીલો અને મિત્રો, આજે જે કાર્યક્રમની ગોઠવણ કરી હતી એમની નાદુરસ્ત તબિયત હોવાથી મોકૂફ રાખવામાં આવ્યો છે. હું કોઈ સંત નથી કે નથી કોઈ તત્વજ્ઞાની નથી પણ મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તમે બધાં અહીં આ સેન્ટરમાં આવ્યા છો એના માટે અલગ અલગ કારણ અને પરિસ્થિતિ જવબદાર હશે. દરેકની વ્યક્તિ ઘર-કુટુંબની સમસ્યા જુદી હોય છે. એટલે આપણી પરિસ્થિતિને બીજા બધાના જીવન સાથે સરખાવાવી એ યોગ્ય નથી.

આજે આપણી સાથે રહેવા માટે એક નવા સભ્ય આવ્યા છે. એ છે ચંચળબા. એમણે ચંચળબા તરફ ઈશારો કર્યો. ચંચળબાએ હાથ ઉંચો કરી બધાની તાળીઓનો સ્મિત સાથે સ્વિકાર કર્યો. રમેશભાઇ એ એક ખોંખારો ખાઈ આગળ બોલ્યા સવારે જ્યારે એમનો પુત્ર એમને મૂકવા માટે આવેલા ત્યારે બહાર બેઠેલાઓમાંથી કોઈએ ટોણો માર્યો કે બૈરીના ગુલામ હશે અને બાને રાખવા એના બંગલામાં જગ્યા નહીં હોય વગેરે વગેરે. તો મારે તમને આ ચંચળબાની વાત કરવી છે. ચંચળબાને એકજ સંતાન અનંતભાઇ  જે સવારે બાને મૂકવા આવ્યા હતા. હું અને અનંતભાઇ સાથે એકજ સ્કૂલમાં ભણતા અને લંગોટીયા યાર. હું ડોક્ટર અને એ એંજિનિયર સાથેજ આ દેશમાં આવ્યા અને સેટલ થયા. આ સેન્ટર શરૂ કરવામાં અનંતભાઇ નો બહુ મોટો ફાળો છે. એમની પત્નિ શોભાબેન અને ચંચળબાને સાથે જોયા હોય તો તમે એમજ માનો કે તેઓ મા-દીકરી છે. એમની પુત્રી સપના ફાર્મસીસ્ટ થયા પછી એમણે એની પસંદના પણ ગુજરાતી છોકરા સાથે સગપણ કરી નાખ્યું.

ગયા જાન્યુઆરીમાં અનંતભાઇ  શોભાબેન અને સપના લગ્નની ખરીદી માટે અમદાવાદ ગયા. પંદર દિવસની વાત હતી એટલે બાએ જવાની ના પાડી અને અહીં એકલા રહ્યા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૩ના એ ગોઝારા દિવસે સવારે અનંતભાઇ  એમના સાળા સાથે ચોથા માળેથી નીચે આવી રાહ જોતા ઉભા હતા અને ધરતી ધ્રુજી અને એમના સાળાનો ફ્લેટ હતો એ અગિયાર માળની બીલ્ડીંગ કકડભૂસ થઈને તૂટી પડી. અનંતભાઇ એ એમની પત્ની અને પુત્રી બંનેને એ હોનારતમાં ગુમાવ્યાં. અનંતભાઇ એ મને ફોન કરી બધી વાત કરી અને કહ્યું કે સવારે બાને મારા ઘરે લઈ આવું. બાને અમદાવાદના ધરતીકંપની ખબર પડી એટલે એમણે અમદાવાદ ફોન કરતા પણ ફોન લાગે જ નહીં પણ નડીયાદમાં એમના બેન રહેતા હતા તેમને ફોન કર્યો ત્યારે ત્યાંથી એમને સમાચાર મળ્યા. સમાચાર સાંભળતાં જ એમને સ્ટ્રોકનો હુમલો આવ્યો. એમણે મને ફોન કર્યો એટલે મેં તરતજ ૯૧૧ કોલ કરી એમ્બ્યુલંસ બોલાવી અને તરતજ ગાડી લઈ અનંતભાઇ ના ઘરે પહોંચ્યો તો એમ્બ્યુલંસ નીકળવાની તૈયારીમાં હતી.

એમને ન્યુ બ્રુંસવિકની રોબર્ટવુડ જોન્સન હોસ્પીટલમાં લઈ ગયા એટલે હું પણ ગયો. બાએ મને જાણ કરવામાં બહુ વાર કરી દીધી હતી એટલે સ્ટ્રોક એનું કામ કરી ગયો અને બાનું ડાબું અંગ લકવા મારી ગયું. બિચારા અનંતભાઇ  તો એકદમ નાસીપાસ થઈ ગયા. એકદમ ભલો માણસ છે પણ કેમ જાણે ભગવાને એની આ દશા કરી. અનંતભાઇ  પાછા આવી બાની સેવામાં લાગી ગયા. એક મહિના પછી બાને ઘરે લાવવાના હતા તે પહેલાં જ એમણે હોમમેકરની ગોઠવણ કરી દીધી. એકાદ-બે અઠવાડીયા પછી અનંતભાઇ ના ઘરમાંથી વસ્તુઓની ચોરી થવા માંડી. અનંતભાઇ  ઘરે ન હોય એટલે આખો દિવસ ટેલીવિઝન જોયા કરે અને બા બુમો પાડતા રહે તો પણ બરાબર ધ્યાન ન આપે. અનંતભાઇ એ બીજી બે-ત્રણ અલગ અલગ એજન્સીમાંથી વ્યવસ્થા કરી પણ એક વખતે તો બા પડી ગયાં અને એમને વાગ્યું એટલે એમણે ન છૂટકે અહીં રાખવાનું નક્કિ કર્યું. અમદાવાદ તો એમનું પોતાનું કોઈ છે નહીં તથા મુલાકાત માટે પણ થોડું અઘરું પડે. હવે બોલો આ અનંતભાઇ  અને એમની કહાણી જાણ્યા વગર એમને ટોણા મારવા એ તો વાગ્યા પર ડામ દેવા જેવું છે. તો મહેરબાની કરી કોઈના માટે પૂર્વગ્રહ બાંધશો નહીં અને ગમે તે કારણે તમે અહીં આવ્યા હો એ ભુલી આનંદથી અહીં રહો. કોઈપણ તકલીફ હોય કે જરૂર હોય તો બેફિકર મને જણાવજો. આભાર કહી રમેશભાઇ  ત્યાંથી ચાલ્યા ગયા.

– જગદીશ ક્રિશ્ચિયન

સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા પેટલાદ – સુવર્ણજયંતી મહોત્સવ January 18, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
9 comments

૦૧/૧૭/૧૦: આજે સેન્ટ મેરી સ્કૂલ મરિયમપુરા, પેટલાદ નો સુવર્ણજયંતી મહોત્સવ રંગેચંગે પતી ગયો. આજે એ શાળાના સુવર્ણજયંતી પર્વે આનંદ અને આભારદર્શનની લાગણી થાય છે. સ્કૂલ, શિક્ષણ અને શિક્ષકો આપણને જીવનનું અણમોલ ભાથું પુરું પાડે છે. જીર્ણ થતી એ શાળાને સંભાળવાની અને મજબૂત બનાવવી એ આપણી ફરજ છે. આપણાથી થતું યથાયોગ્ય યોગદાન આપવું એ આવશ્યક છે.  

મેં ૧૯૬૯ માં સુણાવ વી. બી. મલ્ટીપર્પસ હાઈસ્કૂલમાંથી આઠમું પુરું કરીને મરિયમપુરાની સેન્ટ મેરી હાઈસ્કૂલમાં નવમું ધોરણ શરૂ કર્યું. ત્રણ વર્ષ આ સ્કૂલમાં ભણીને ૧૯૭૨ માં એસ.એસ.સી. પાસ કર્યું. ત્યાર પછી પણ ૧૯૭૯ સુધી અમે મરિયમપુરા જ રહ્યા હતા એટલે સ્કૂલ છોડ્યા છતાં રોજ એ સ્કૂલના પ્રાંગણમાં ફરવાનો લાહવો મળતો રહ્યો. જુના શિક્ષકો તથા નવા વિદ્યાર્થીઓને મળવાનો મોકો મળતો રહ્યો. આજે એ સ્કૂલના દિવસો તરફ પાછી નજર નાખતાં કંઈ કેટલાય ચહેરાઓ જે ધૂંધળા થઈ ગયેલા એ આંખો સમક્ષ સ્પષ્ટ થઈ રહ્યા છે. એ સમયની તારુણ્ય સભર નાદાનિયત, મસ્તી, અકારણ આકર્ષણ અને મુગ્ધાવસ્થા ભરી ગગનચુંબી અપેક્ષા પરથી વાસ્તવિકતાની સપાટી પરની પછડાટ. અને પછી મૂર્છામાંથી વાસ્તવિકતા સુધી પહોંચવાના ધાંધિયા પછી આજના સ્થિર અજવાળામાં કાલને જોવાનો રોમાંચ અદભૂત છે.  

સ્કૂલના મારા આ ત્રણ વર્ષ દરમ્યાનના શિક્ષકો અને સંચાલક:

સ્કૂલનો વિસ્તાર અને વિકાસના પ્રણેતા – ફાધર ગોરસ

અંગ્રેજી ફાધર જોન ઓલ્ફોન્સો, ફાધર વેલી પરેરા, ફાધર સર્જીઓ ડાયસ (આચાર્ય) 

ગુજરાતી જોન કાનિસ સાહેબ

હિન્દી દિનેશ પટેલ સાહેબ

સંસ્કૃત જાની સાહેબ 

ગણિત અને વિજ્ઞાન રાઠોડ સાહેબ

ઇતિહાસ ભૂગોળ માર્ટીન સાહેબ  

ચિત્રકામ જસવંત સાહેબ  

વ્યાયામ બળવંત સાહેબ 

વ્યવસ્થાપક ( Clerk) રમણ સાહેબ અને પીટરભાઈ  

અને છગનભાઈ અને એમના પત્ની દિવાળીબેન  

મારા બધા સહાધ્યાયીઓના નામ જણાવવાનું ટાળું છું. આજે પણ મારો જેમની સાથે સંપર્ક છે એમના નામ જણાવું છું. 

સિસ્ટર વર્ષા, આગ્નેસ (કેનેડા) લલિતા (અમદાવાદ) ફિલિપ (મરિયમપુરા) સેમ્યુલ (પેટલાદ) સિરીલ (અમેરિકા) જ્યોતિ (આણંદ)

આજના આ મહોત્સવમાં હાલ ભણતા અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો વગેરે મળીને ૩૦૦૦ કરતાં પણ મોટી સંખ્યમાં હાજર રહી પ્રસંગને ચાર ચાંદ લગાવી દીધા. આજના મહોત્સવને પેટલાદના ધારાસભ્ય શ્રી. નિરંજન પટેલના હસ્તે ખૂલ્લો મુક્યો હતો અને અમદાવાદ ધર્મપ્રાંતના પરમપૂજ્ય બિશપ થોમાસ મેકવાનના અધ્યક્ષપદે તથા ગુજરાત રાજ્યના માજી પ્રધાન શ્રી. સી. ડી. પટેલ અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. બી. કે પટેલ ના મુખ્ય મહેમાન પદે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બીજા ઘણા મહાનુભાવો હજર હતા અને બધાના નામ લખવાનું ટાળું છું પણ નીચેના પિક્ચરમાં જોઈને ઓળખી જજો.

આ પ્રસંગના પિક્ચર કનુભાઈ પરમાર તરફથી મળ્યા છે જે જોવા માટે અહીં ક્લિક કરો.

આ સ્કૂલનો એક વિડિયો યુટ્યુબ પરથી મળ્યો છે એ જોવા અહીં ક્લિક કરો. 

જુના સમયની યાદ જાગી છે તો મારા એ સ્કૂલ દરમ્યાનનું એક પિક્ચર (એ પણ ઘણું જુનું થઈ ગયું છે)     

 

 

 

જુઓ હું શું કરું? January 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
14 comments

જુઓ હું શું કરું?

મઝધારમાં ડૂબી રહી કશ્તી જુઓ હું શું કરું? 

સાગર કરે તોફાન ને મસ્તી જુઓ હું શું કરું? 

 

લક્ષ પામવાના જેટલા પ્રયાસ સૌ નાકામ ને

ના કામ લાગી કેટલીય ભક્તિ જુઓ હું શું કરું? 

 

જોયા જમાનાના બધા આકારના સૌ આયના

મારી છતાં મળતી નથી હસ્તી જુઓ હું શું કરું? 

 

કોણે દગો દીધો ફરું છું હર ગલી હું શોધવા

છે બેવફા આખીય આ વસ્તી જુઓ હું શું કરું? 

 

આઘાતના ચોધાર છે આંસુ અમારી આંખમાં

વેચાય પ્રેમપત્રો બની પસ્તી જુઓ હું શું કરું?

 

દારૂ-દવા ના કામ લાગે છે હવે આ દર્દને

છે બેઅસર સઘળી દુઆ નિયતી જુઓ હું શું કરું?

 

જગદીશ તો બદનામ છે માને બધા એ વાતને

કરતો ખુલાસા છું જબરદસ્તી જુઓ હું શું કરું?

 

– જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨ ૨૦૦૯

 છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

“દૂત” શતાબ્દી મહોત્સવની શરૂઆત January 11, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
17 comments

દૂત માસિક સો વરસની લાંબી સફળ સફર પૂરી કરી રહ્યો છે. આ શતાબ્દી વર્ષના ઉજવણી ની શરૂઆત આજે અમદાવાદમાં એક સમારોહ દ્વારા કરવામાં આવી. દૂતના સો વરસના ઇતિહાસને વાચા આપતા પોસ્ટરો સાથે એક પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. ગુજરાતના ખૂણે ખૂણેથી લગભગ ૩૦૦૦ જેટલા લોકોએ ઉત્સાહપૂર્વક આ સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહના આયોજકો અને એમાં ભાગ લેનાર દરેક અભિનંદનના હકદાર છે. શરૂઆત શાનદાર થઈ છે અને આ વરસ દરમ્યાન અવનવા કાર્યક્રમ થતા રહેશે એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. 

આ મેગેઝીનમાં જેમના લેખ અને કવિતા પ્રગટ થયા છે  એવા થોડા ખ્યાતનામ નામઃ

ફાધર વાલેસ – ખ્યાતનામ લેખક
જોસેફ મેકવાન – જાણીતા અને માનીતા નવલકથાકાર અને રેખાચિત્ર સર્જક
યોસેફ મેકવાન – જાણીતા કવિ
ફિલિપ ક્લાર્ક – જાણીતા કવિ અને દૂતના કવિતા વિભાગના સંપાદક
ફાધર વર્ગીસ પૉલ – જાણીતા લેખક – દૂતના ભૂતપૂર્વ તંત્રી

આ સમારોહના પિક્ચર જોવા માટે અહીં ક્લિક કરો.   Provided by Kanubhai Parmar, Anand   

દૂત-પ્રદર્શન પિક્ચર જોવા માટે ઈશિતા જેકબના ફેસબૂક પેજની મુલાકાત લો. 

 “DOOT” CENTENARY CELEBRATIONS LAUNCHED– Fr. Cedric Prakash sj

Report of this event in Times of India

Report of this event in Indian Express