jump to navigation

પુનર્જન્મ August 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
24 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.    

પુનર્જન્મ!

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો

ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો

ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો

મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો

બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો

કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો

મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો

બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો

ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો

ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો

બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો

આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો

– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા

પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ

 

મારા સાળાએ હમણાં જ મોકલેલ બર્થડે કાર્ડ-૨૦૧૦ નો જગદીશ