jump to navigation

આઉટસોર્સિંગ – સમસ્યા, સગવડીયું સમાધાન કે ઘરનાં છોકરાં ઘંટી ચાટે…. September 15, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
7 comments

છેલ્લા ત્રણ વરસથી અમેરિકાની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોવાના કારણે વાણિજ્ય-વ્યવહારને માઠી અસર થઈ છે અને એના પરિણામે ઘણા લોકોએ પોતાની રોજગારી ગુમાવી છે. આખું આર્થિક માળખું કકડભૂસ થઈને પડી ભાગ્યું છે. શૅરબજાર અને બેંકને આર્થિક મંદીમાંથી ઉગારવા સરકારે અબજો ડોલરની લોન-સહાય આપી છતાં રોજગારની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જણાતો નથી. મોંઘવારીએ માઝા મૂકી છે, સ્થાવર મિલકતોનું મૂલ્ય સરેરાશ ૩૦% જેટલું ઓછું થઈ ગયું છે. કેટલાય લોકોએ જીવનભર કામ કરી નિવૃત્તિ માટે સાચવેલી ૪૦૧(કે) ની બચત રાતોરાત ગુમ થઈ ગઈ કે વેતરાઈને અડધી કરતાં ય ઓછી થઈ ગઈ. કેટલાય લોકો મોર્ગેજના હપતા ભરવા અશક્તિમાન હોવાના કારણે પોતાના નિવાસસ્થાન ગુમાવી રહ્યા છે. યુદ્ધના ખર્ચ અને આતંકવાદ સામે લડવા માટેના ખર્ચને પહોંચી વળવા માટે ટેક્ષમાં વધારો થઈ રહ્યો છે અને સેવાઓ છિનવાઈ રહી છે કે તેમાં કાપ મૂકાયો છે. હોસ્પિટલ, સ્કૂલ બંધ થવા લાગ્યાં છે. સરકારી સેવાઓમાં કાપ મૂકાવા માંડ્યો છે. બસ, રેલવે, હવાઈ વગેરે સેવાઓમાં ભાડા વધારા સાથે કાપ મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી આ આર્થિક વિટંબણાથી કાયમી છુટકારો મેળવવા પોતાના કુટુંબની હત્યા કરી આત્મહત્યા કરનારા નાસીપાસ લોકોની સંખ્યામાં ઘણો વધારો થયો છે. શેરબજારના કેટલાય કૌભાંડોનો ભાંડો ફૂટી ગયો છે. કેટકેટલી બેંક અને સંસ્થાને તાળા લાગી ગયાં છે. અને આ આર્થિક સંકટના ભરડામાં પૈસાદારથી માંડી સામાન્ય કક્ષાના લોકો પાયમાલ થઈ ગયા છે.

છતાં અમેરિકા આવનાર બિનકાયદેસર વસાહતીઓની ઘૂસણખોરી યથાવત્ ચાલુ જ છે. બેરોજગારીના કારણે બિનકાયદેસર વસ્તુઓની હેરાફેરી વધી રહી છે. આ ઘૂસણખોરી અટકાવવા અમેરિકાની સરહદને વધુ મજબૂત બનાવવા માટે ખર્ચની જોગવાઈ અંદાજપત્રમાં ન હોવાના કારણે તથા બેરોજગારીના ભરડામાં અટવાયેલા અમેરિકાના નાગરિકો પર બોજો ન પડે એટલે બીજો કોઈ રસ્તો શોધવો પડ્યો. એચ-૧ વિઝાની ફી વધારો કરી એની જોગવાઈ કરી નાખી. એક કાંકરે બે પક્ષી માર્યા. જે લોકોને અમેરિકા રહેવું જ છે અને આવવું જ છે એ વધારે ફી આપે અથવા નોકરી છોડી પાછાં પોતાના વતન જઈને એ નોકરી બેરોજગાર અમેરિકન માટે ખાલી કરે. અને નવા આવનારા ન આવે તો બેરોજગાર અમેરિકનોને નોકરી મળવાનું શક્ય બને. પણ સવાલ એ છે કે જો અમેરિકામાં કુશળ અને યોગ્ય તાલીમ મેળવેલા કામ કરનારા ઉપલબ્ધ હોય તો શા માટે એચ-૧ વિઝા હેઠળ બહારથી લાવવા પડે? કારણ કે અમેરિકામાં કુશળ કારીગરોની અછત છે અને જેટલા છે તેઓ જે વેતન મેળવવા માગે છે એનાથી ઓછા વેતનમાં એચ-૧ વાળા મળી રહે છે. તો આ ફી વધારાથી અમેરિકાની બેરોજગારીનો પ્રશ્ન તો હતો ત્યાં જ રહે છે પણ સરહદ સાચવવાના વધારાના ખર્ચને પહોંચી વળાશે.

બેરોજગારીને કારણે આ દેશમાંથી બીજા દેશોમાં ઠલવાતી રોજગારની તકો (outsourcing) ને લઈને વિવાદ ઊભો થયો છે. ઘણી બધી કંપનીઓ ઓછા ખર્ચમાં પોતાનાં કામ કરાવી પોતાના નફામાં વધારો કરી એક્ઝેક્યુટીવના ગજવા ભરવા માટે બીજા દેશોમાં પોતાના કામનું આઉટસોર્સિંગ કરે છે. ખર્ચ ઓછો થાય છે પણ તેમની સેવા કે વસ્તુની કિંમતમાં ઘટાડાની જગ્યાએ વધારો જ થતો હોય છે. આઉટસોર્સિંગથી બેરોજગારી સિવાય બીજો પ્રશ્ન પણ ચર્ચાઈ રહ્યો છે તે ગુણવત્તા. ખાસ કરીને કોલ-સેન્ટર ના ભાષા ઉચ્ચારણના કારણે ક્યારેક ગેરસમજ કે ગૂંચવણ ઊભી થતી હોવાનો અને જરૂર કરતાં વધારે સમય લેવાતો હોવાની ફરિયાદ થતી હોય છે. અમેરિકાના ઓહાયો રાજ્ય સરકારે તાજેતરમાં આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. બીજા રાજ્યો પણ આવા કાયદાની જોગવાઈ કરે તો નવાઈ નહીં.        
વિશ્વભરમાં આ આર્થિક મંદીની અસર ઓછા-વધતા પ્રમાણે થઈ છે છતાં બીજા દેશની સરખામણીમાં ઇન્ડિયાને આ મંદીની અસર બહુ ઓછી થઈ છે. એચ-૧ વિઝા પર બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયન લોકો વધારે લાભ મેળવી શક્યા છે. એ જ રીતે આઉટસોર્સિંગમાં પણ બીજા દેશોની સરખામણીમાં ઇન્ડિયાને પ્રાધાન્ય મળે છે. એટલે આ બંને મુદ્દા પર ઇન્ડિયનો અને ઇન્ડિયન સરકાર પણ ચિંતિત છે. ઇન્ડિયાના વિદેશપ્રધાન શ્રી. એસ. એમ. કૃષ્ણા અને વિદેશસચિવ નિરૂપમા રાવ સપ્ટેમ્બર ૨૦ થી શરૂ થતી સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દરમ્યાન અમેરિકાના ટોચના અધિકારીઓ સાથે બીજા વિષયો સાથે આ બે મુદ્દાની પણ ચર્ચા કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજવાના છે એવા અહેવાલ છે. અને જ્યારે અમેરિકન પ્રૅસિડેન્ટ ઓબામા નવેમ્બરની નવમીથી ઇન્ડિયાની મુલાકાત લેશે ત્યારે પણ આ બે મુદ્દા પર વધારે વિચારવિમર્શ થશે.

આ આઉટસોર્સિંગ ફક્ત આર્થિક કે રોજગાર ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી રહ્યું. અમેરિકન ચેનલ એન.બી.સી. તરફથી એક હાસ્યપ્રધાન ટીવી શ્રેણી સપ્ટેમ્બરની ૨૩, રાત્રે ૯ (ઇસ્ટર્ન ટાઈમ) થી શરૂ થાય છે જેનું નામ છે “OUTSOURCED”. આ શ્રેણીમાં ભારતીય ઉચ્ચારણના કારણે જન્મતા હાસ્ય અને બે દેશ વચ્ચેના કલ્ચર ક્લેશને વણી લેવામાં આવ્યો છે. સાથે સાથે અમેરિકન રોજગાર છિનવાઈ ગયાનો વ્યંગ પણ. હવે આ હાસ્ય અને કલ્ચર ક્લેશ ફક્ત મનોરંજનની સીમામાં રહે છે કે પછી કલ્ચર અને ક્રીચર પર કીચડ ઉછાળે છે એ તો આવતો સમય જ બતાવશે. આ શ્રેણી રમૂજી હશે કે અપમાનકારક? (બંને દેશ માટે). એક મઝાની વાત છે કે આ શ્રેણી આઉટસોર્સ્ડ ના મુખ્ય કલાકારો  અમેરિકાના જ (મૂળ ભારતીય) છે. પણ એનું ઘણું બધું ફિલ્માંકન ઇન્ડિયામાં થયું છે. આ શ્રેણીનું પૂર્વદર્શન (preview) જુઓ.

આ શ્રેણી વિષે વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

આ સંદર્ભે થોડા પ્રશ્નો:

 અમેરિકાએ પોતાની આર્થિક સુધારણા માટે કેવાં પગલાં લેવા જોઈએ?
  શું અમેરિકાએ એચ-૧ વિઝાધારકની ફીમાં ઘટાડો કરવો જોઈએ?
 શું  અમેરિકાએ અહીંના બેરોજગાર લોકોને મફતમાં કે ઓછા ખર્ચે તાલિમ આપી
 એચ-૧ પર નિર્ભર રહેવાનું ટાળવું જોઈએ?
 શું અમેરિકાએ એચ-૧ વિઝા સદંતર બંધ કરી દેવા જોઈએ?
 શું અમેરિકાએ આઉટસોર્સિંગ પર પ્રતિબંધ લાદવો જોઈએ?
 શું ઇન્ડિયાને કોઈ અધિકાર છે કે તે અમેરિકન કાયદા-વ્યવસ્થામાં હસ્તક્ષેપ કરી શકે?
 શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને એચ-૧ વિઝા ફીમાં ઘટાડા માટે દબાણ કરી શકે?
 શું ઇન્ડિયાને અધિકાર છે કે તે અમેરિકાને આઉટસોર્સિંગ પર પ્રતિબંધ ન મૂકવા માટે દબાણ કરી શકે?
 આ આઉટસોર્સ્ડ શ્રેણી જો ઇન્ડિયનોની મઝાક ઉડાવે અને અપમાનજનક રજૂઆત કરે તો શું આપણે વિરોધ કરવો જોઈએ? જો હા તો કેવી રીતે અને ના હોય તો કેમ નહીં?     

ઉપરના પ્રશ્નો વિચાર માંગી લે છે. ઇન્ડિયાની બધી ભાષાના વર્તમાનપત્ર અને સામયિકમાં આ વિષય પર ઘણા લેખ અને ચર્ચાઓ થઈ છે. હવે હું તો ઇન્ડિયન મૂળનો અમેરિકન છું એટલે મારા માટે આ પરિસ્થિતિ catch 22 જેવી છે. આ વિષય પર ઘણા અમેરિકન બ્લોગરોએ તો ઘણું બધું લખ્યું છે એ લખાણ પરના ઘણા પ્રતિભાવ રમૂજી તો ઘણા અપમાનકારક છે. સમય મળે તો ગુગલ થકી વાંચી લેશો.તો આવો આ ચર્ચામાં ભાગ લો અને તમારા નિષ્પક્ષ પ્રતિભાવ જણાવો.

ચાલો આપણા મલકમાં – સપ્ટેમ્બર ૧૦-૧૧ ૨૦૧૦ September 6, 2010

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , ,
2 comments

Friends of Gujarat present “Swarnim Gujarat” celebration – ચાલો આપણા મલકમાં

વધુ માહિતી માટે પિક્ચર પર ક્લિક કરો