jump to navigation

સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર July 18, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
6 comments

હાર્મોનિયમ પર રથીન મહેતા અને સાથે ઐશ્વર્યા મજમુદાર

મારી આગળની પોસ્ટ “આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં” ના સંદર્ભે ઘણા બધાં મિત્રોએ મુલાકાત લીધી એના માટે હું બધાંનો આભારી છું. બ્લોગ પર પ્રતિભાવ આપી અભિનંદન આપ્યા એ મિત્રો અને શુભેચ્છકોનો અને મને સીધી ઇમેલ કરી શુભેચ્છા આપનારા બધા મિત્રોનો પુરા દિલથી આભાર માનું છું. દરેકને વ્યક્તિગત જવાબ નથી આપી શક્યો એનો અફસોસ છે. ઘણાં વડીલોના આશીર્વાદ પણ મળ્યા એમને પ્રણામ.

સપ્ટેમ્બર ૧૯ ૨૦૦૯ ના દિવસે એક પોસ્ટ મૂકી હતી જેમાં મેં જણાવ્યું હતું કે છેલ્લા થોડા વરસથી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સમાચાર અને સમન્વય ના સહયોગથી કાવ્યસંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦૮ ના કાર્યક્રમ દરમ્યાન એક નવો અવાજ સાંભળવા મળેલો અને ગમી ગયેલો તે શ્રી. ઓસમાન મીર. આ વરસના ફેબ્રુઆરીમાં કાર્યક્રમ થયો એમાં એક અલગ સમન્વય જોવા મળ્યો. પ્રખ્યાત ગઝલકાર શ્રી. આદિલ મન્સૂરીના ૬૦ મા જન્મદિવસની ઉજવણી અને તેમના પુસ્તક “મળે ન મળે” નું વિમોચન કરવા ૧૮ મે ૧૯૯૬ ના દિવસે એડિસન ન્યુ જર્સી ખાતે ગઝલ મહેફિલ ‘૯૬ નામના એક કાર્યક્રમનું આયોજન થયેલું. એ કાર્યક્રમ દરમ્યાન એક સ્થાનિક યુવાન કલાકારને સાંભળીને દિલ ખુશ થઈ ગયેલું – રથીન મહેતા. તેઓ સારા કંઠના માલિક તો છે જ અને એટલાં જ મધૂરાં સ્વરાંકન પણ કરે છે. ત્યાર પછી ઘણા કાર્યક્રમ દરમ્યાન તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મન ભરીને માણ્યા છે. હમણાં “સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ” દરમ્યાન રથીન સાથે મુલાકાત થઈ અને આ કાર્યક્રમમાં શ્રી. ઓસમાન મીર આવવાના હતા પણ આવી ન શક્યા એનો રંજ મેં બતાવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે આ વખતના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન તેમનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. મને પુષ્કળ આનંદ થયો. મારા ગમતા આ બે કલાકારનો સમન્વય સાંભળવો જ પડશે. તો તેમણે એક નાની ઝલક આપતી વીડીઓ ક્લિપ મોકલી આપી છે. તો માણો કવી શ્રી. ભગવતીકુમાર શર્માની ગઝલ જેનું સ્વરાંકન રથીન મહેતાનું છે અને સ્વર શ્રી. ઓસમાન મીર. આ ગઝલની એક ખાસિયત એ છે કે શેરનો પહેલો મિસરો હિન્દીમાં અને બીજો મિસરો ગુજરાતીમાં.

આ કાર્યક્રમનો અહેવાલ ગુજરાત સમાચારમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.



આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં July 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
35 comments

Image from web

આજે જુલાઈની ૧૫ તારીખ એટલે મને અમેરિકા આવ્યાના ૨૫ વરસ પૂરાં થયાનો દિવસ. પોતાનો દેશ છોડી અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકન નાગરિકત્વ મેળવીને સ્થાયી થયાનો રંજ સાથે આનંદ છે. કેટલું ગુમાવ્યું તો કંઈ કેટલુંય મેળવ્યું. અલગ સમાજ વ્યવસ્થાને આધીન રહી ગળથૂથીની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી સમતોલન કેળવવાના કપરાં પ્રયત્નો. ભાષા અને ઉચ્ચારણને આત્મસાત્ કરવાની તનતોડ કોશિશ અને આત્મસંતોષ મેળવ્યા પછી અહીં જન્મેલા પુત્ર-પુત્રીઓની ઉચ્ચારણ શુધ્ધીની ટકોર. પણ એજ અહીં જન્મેલા બાળકોને ગુજરાતી બોલતા રાખ્યાનું ગૌરવ. ઇટાલિયન બેકરીના ચીકણા વાસણ ધોવાથી માંડી ન્યૂઝસ્ટેન્ડ પર નોકરી અને કારખાનાની કપરી કામગીરી પછી કન્ટ્રોલરની ખુરશી સુધીનો પરિશ્રમ અને પરિણામ. વૈવાહિક જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અમેરિકન જીવનશૈલીથી ઉમેરો થતા પ્રશ્નોને વેઠી, સમજી અને ઉકેલવાની કસોટી. બાળકોના યોગ્ય ઉછેરના પડકાર. ભાઈબહેન પોતપોતાના પરિવાર સાથે રહેવા છતાં સંયુક્ત કુટુંબની ભાવના, પ્રેમ અને લાગણીની જાળવણી. નવા મિત્રો અને જુના સંબંધોનો સમન્વય. ભાડાના મકાનથી પોતાનું ઘર હોવાનો પરિતોષ. કેટલીક ટેવ-કુટેવમાંથી મુક્તિ મળી તો નવી ટેવ-કુટેવનો પગપેસારો. ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમે એવો અટવાવી દીધો કે વાંચવાનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી ઓછું થતું ગયું. છત્રીસની છાતીની જગ્યાએ કમર મેદાન મારી ગઈ. જીવનનિર્વાહની વિટંબણા અને કૌટુંબિક જવાબદારીએ શોખને ક્યારે અભરાઈ ઉપર ચડાવી દીધા એ ખ્યાલ પણ ન રહ્યો. ક્યારેક અતીતને વાગોળી લીધો તો ક્યારેક અભરાઈ ઉપરથી ઉતારી ધૂળ ખંખેરી પાછાં મૂકી દીધા. દીકરો મોટો થયો એટલે થોડી હળવાશ અને નવરાશ મળી તો પાછું લખવાનું-વાંચવાનું ચાલું થયું. નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાનો શ્રમ. માતૃભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની ખેવના. દરેક દિશા તરફ પ્રયાણ અને દરેક દશાનો સામનો કરવાનો નિર્ધાર.

પણ ઉપર જણાવેલી બધીજ દિશા અને દશા માતૃભૂમિ હોય કે પરદેશ અત્ર તત્ર સર્વત્ર લગભગ સરખી જ હોય છે. કોઈ જગ્યાએ એક પરિસ્થિતિ થોડી હળવાશ કે સરળતાથી ઉદભવે અને બીજે… પણ જીવનનો એક સીધો સાદો નિયમ દુનિયાના બધા ખૂણે, બધી દિશાએ, બધી દશામાં, બધી ભાષામાં એક જ છે. સપનાં જોઈને એને પૂરા કરવા સીધા રસ્તે ઈશ્વર પર સઘળી શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નપૂર્વક બીજાને નડ્યા વગર ચાલ્યા કરવું અને મંજિલ સુધી પહોંચી જ જવાશે. પહોંચ્યા પછી સંતોષ ન થાય તો વાંક આપણો પોતાનો છે. આપણે સપના જોવા અને મંજિલને પહોંચવાના પ્રવાસ દરમ્યાન કશુંક ચૂકી ગયા છીએ કે આડરસ્તો લીધો અને ભટકી ગયા અને મોડા પહોંચ્યા કે બીજાને નડવા માટે એટલો સમય અને શક્તિ બગાડ્યા કે પછી મોડા પડ્યા કે આગળ વધવા માટે તાકાત બચી નહીં.

ખેર! આ જીવનનો ક્રમ છે અને બધા એમાંથી પસાર થતા હોય છે. અમેરિકામાં આપણા લોકો કેવી રીતે રહે છે અને કેવાં ફેરફાર થતા હોય છે એને એક ગઝલ સ્વરૂપ આપ્યું છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. કોઈની લાગણી દુભાવવાનો જરાય આશય નથી. જે હકીકત છે એને રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.

અમેરિકન દેશી!

દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં

હાઇ બોલી હાય ડોલર એ જ ઈશ્વર અમરિકામાં
સેલ હો તો લે ખરીદી બસ ભરે ઘર અમરિકામાં

શ્યામ બનતો સેમ તો પ્રદીપ પીટર અમરિકામાં
પાઉન્ડ નહિ ગ્રામ બનતું યાર્ડ મીટર અમરિકામાં

જોબ જેવી તે પ્રમાણે રંગ કૉલર અમરિકામાં
ખુદ કરે છે કામ ખુદનાં, ના જ નોકર અમરિકામાં

ખુદ ચલાવે, સાફ કરતા જાત મોટર અમરિકામાં
વેડફે ના રાખવા આનોય શોફર અમરિકામાં

નામ તો ગાંધી રટે પણ સ્ટોર લીકર અમરિકામાં
ભાલ પર તો છે તિલક, શોપ કિંગબર્ગર અમરિકામાં

માલિકી મોટલ છતાં ખુદ બેડમેકર અમરિકામાં
શાકભાજી ઘેર વાવે, બહુ કરકસર અમરિકામાં

લો દફન સૌ છે ઘરેણાં બેંક લોકર અમરિકામાં
છોકરાંઓ કેડ છોડી શયન સ્ટ્રોલર અમરિકામાં

ના નદી ના વાવ, મિનરલ હોય વોટર અમરિકામાં
સોમરસનું પાન કાળી જોન વોકર અમરિકામાં

રોટલી ને શાક ભેગાં નામ રૅપર અમરિકામાં
પાંવ-ભાજી, ના વડા ના પાંવ, વ્હોપર અમરિકામાં

હાથથી ફુટબોલ પગની લાત સોકર અમરિકામાં
નામ તો પીચર અહીં કહેવાય બોલર અમરિકામાં

ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં

હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં
– જગદિશ ક્રિશ્ચિયન જૂન ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

આ રજત જયંતિ ઉજવણી ઇન્ડિયાની મુલાકાત વગર પૂરી ન થાય. તો જુલાઈની ૨૨ તારીખે હું મારી પત્ની ક્લેરા અને પુત્ર રૉડની સાથે બસ દસ દિવસ માટે ઇન્ડિયાની મુલાકતે જઈએ છીએ. ૨૪ જુલાઈથી ૨૯ જુલાઈ હું નડિયાદ ખાતે રહેવાનો છું. જુલાઈ ૩૦ થી ઓગસ્ટ ૩ સુધી ચેનાઈ (મદ્રાસ) રહેવાનો છું. આ મુલાકાત દરમ્યાન કોઈપણ ગુજરાતી બ્લોગરની મુલાકાત શક્ય બને તો આનંદ થશે.  

Image from web

સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ની વિદેશયાત્રા… મણકો બીજો July 11, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , ,
4 comments

ગુજરાતની ગરિમા શ્રીમતી સરોજબેન ગુંદાણી જેમણે ૧૯૬૦ થી ગુજરાતી સંગીત સુગમ સંગીત, ભક્તિ સંગીત અને લોક સંગીતથી ઓલ ઇન્ડિયા રેડિયો, સ્ટેજ ગજવીને અમેરિકા આવીને પણ એમની સેવાની સોગાત આપતા રહ્યા છે. ગુજરાતી લિટરરી એકેડેમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ ની વિદેશયાત્ર.. મણકો બીજાના બીજા દિવસની સલૂણી સંધ્યાના લોક સંગીતના કાર્યક્રમની શરૂઆત સરોજબેનના બુલંદ અવાજથી કરવામાં આવ્યો. આ કાર્યક્રમના વિડીયો માણો.

વિડીયો – રાજ મેકવાન