jump to navigation

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 28, 2010

Posted by jagadishchristian in ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
44 comments

જન્મ- ઓક્ટોબર ૦૯, ૧૯૩૫ મરણ- માર્ચ ૨૮, ૨૦૧૦

પ્રિય મિત્રો, ઘણા દુઃખ સાથે જણાવું છું કે આજે ભારતીય સમય પ્રમાણે સાંજે ૪:૧૮ વાગે ગુજરાતના જાણીતા અને માનિતા સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન થયું છે. ગુજરાતે અને ખાસ કરીને ગુજરાતી ખ્રિસ્તી સમાજે એક ઉમદા સાહિત્યકાર, આદર્શ વ્યક્તિ, સાક્ષર શિક્ષક અને સામાજના સેવક ગુમાવ્યા. એમના કુટુંબીજનો મિત્રો અને એમના સાહિત્ય રસિકોને એમની ખોટ સાલશે. પ્રભુ એમના આત્માને શાંતિ આપે અને આપણ બધાંને આ શોકજનક આઘાત સહન કરવાની શક્તિ આપે એવી અંતરથી પ્રાર્થના. ભારતીય સમય પ્રમાણે આજે સાંજે ૬:૩૦ વાગે આણંદમાં એમની દફનવિધિ રાખવામાં આવી છે.

શ્રી. જોસેફ મેકવાન મારા પપ્પા-મમ્મીના મિત્ર અને એટલે અમારા કુટુંબના મિત્ર. ૧૯૮૬માં તેમની બીજી નવલકથા લક્ષ્મણની અગ્નિપરીક્ષા મારા મમ્મી-પપ્પાને અર્પણ કરેલી.

અર્પણ

જેમની સદાશયતા, સામાજિક ધખના, પ્રસન્ન દામ્પત્ય,
પારિવારિક વાત્સલ્ય અને સ્નેહ-સૌહાર્દની માવજત
એક આદર્શ પુરવાર થયાં છે. એવા એન. આર. આઈ.
અમેરિકાસ્થિત સન્મિત્ર
જોસેફ બેડા પરમાર
તથા
અ. સૌ. બહેન સુશીલાને
અશેષ પ્રેમભાવે….
૨૩ જૂન ૧૯૮૬ – જોસેફ મેકવાન

ત્યાર બાદ ૨૦૦૯માં આ પુસ્તકના ચોથા સંસ્કરણ સમયે એમણે થોડું ઉમેર્યું:

અર્ધ્ય:

મારી અત્યંત લોકપ્રિય આ નવલકથા મિત્ર જોસેફ પરમારનાં પ્રસન્ન મધૂર સાયુજ્યને અર્પણ કરાયેલી. એ પછી એઓ અમેરિકા ગયાં ભારે સંઘર્ષ વેઠી પુત્રી-પુત્રાદિકને થાળે પાડ્યાં. સુખ-શાંતિનો સમય આવ્યો ને કપરી કસોટી થઈ. બહેન સુશીલા લકવાઈ ગયાં. લગાતાર એક દાયકાથી જોસેફભાઈ સહચરીની સેવા-સુશ્રુષામાં કટિબદ્ધ-પ્રતિબદ્ધ છે. હમણાં સ્વદેશ પધાર્યા તો સુશીલાબહેનના ચહેરે પરમ સુરખી ઓપતી જોઈ દિલ બાગ-બાગ થઈ ગયું. જૉસેફભાઈ આટલેથી અટક્યા નથી. ત્યાંના સિનિયર સીટીઝન્સના માર્ગદર્શનાર્થે ત્રણ-ચાર સંદર્ભગ્રંથ રચ્યા. કાઉન્સેલીંગ અને ગાઈડેન્સ આપ્યું. આજે તેઓ સિનિયર્સ એસોસિયેશનના અધ્યક્ષ છે. જ્યેષ્ઠ સુપુત્ર જગદીશ અને વચ્ચેટ કેતન સમાજસેવાર્થે પિતાનાં પગલાં દબાવી રહ્યા છે. આ પરિવારને આત્મીય ભાવાંજલી.
ચતુર્થ સંસ્કરણ – જોસેફ મેકવાન   

શ્રી. જોસેફ મેકવાનની સાહિત્યસેવાની વધુ માહિતી નીચે આપી છે. જો વાંચવામાં તકલીફ થાય તો પિકચર પર ક્લિક કરી એને થોડું મોટું બનાવવું.

હું નથી! March 20, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , , ,
26 comments

હું નથી!

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

હું ચાંદો નથી શાની ચાંદની
છૂપાતો નથી ખોવાતો નથી

ના ફૂલ પાંદડા પતઝડની ફિકર
ના મ્હેકું ભલે કરમાતો નથી

હું દરિયો નથી આંધી-ઓટ ના
ના હું ક્ષારતો, ઘૂઘવતો નથી

હું સરિતા નથી સાગરમાં ભળું
ના ડૂબાળતો, છલકાતો નથી

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

હું શમણું નથી ગાયબ જે થતું
ના લોભાવતો, તડપાવતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી
– જગદીશ ક્રિશ્ચિયન માર્ચ ૨૦૧૦

છંદ વિધાન: ગા ગાગાલગા ગા ગાગાલગા

ભસ્મ બુધવાર (Ash Wednesday) થી ઈસ્ટર સુધીના સમયગાળાને ખ્રિસ્તી લોકો તપઋતુ (Lenten Season) ગણે છે. આ સમય દરમ્યાન લોકો ઉપવાસ કરે છે, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી પાપ ન કરવાનો દૃઢ નિર્ણય કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે “જેમ તારી જાત પર પ્રેમ કરે છે એવો બધાને પ્રેમ કર”. પણ આવું કરનારા કેટલા છે એ મોટો પ્રશ્ન છે.

મજ્જાની લાઇફ – આરજે ધ્વનિત – રેડીઓ મિર્ચી March 7, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
8 comments

હજુ હમણાં અમદાવાદે એના ૬૦૦ વરસની ઉજવણી કરી. ગઈકાલે મારા મિત્ર, સંગીતકાર જયેશ સરૈયા જે “સંગીત” સ્ટોરના માલિક પણ છે તેમના સ્ટોર પર ગયો તો તેમણે ધ્વનિતનું આલ્બમ “મજ્જાની લાઇફ” બતાવ્યું તો લઈ લીધું. ૨૦૦૮ માં “ચાલો ગુજરાત” દરમ્યાન પહેલી વખત એને સાંભળવાનો અને મળવાનો મોકો મળ્યો હતો. આ આલ્બમમાં અમદાવાદને લગતું એક ગીત છે તો અમદાવાદને જન્મદિવસની વધામણી માટે અહીં રજૂ કરું છું. ઓન લાઈન જઈ થોડી શોધખોળ કરી થોડી માહિતી મેળવી નીચે આપી છે.

દેશગુજરાત અને સંદેશના લેખમાંથી નીચેની માહિતી:

સપ્ટેમ્બરની પહેલી તારીખે પોતાના કર્ણપ્રિય અવાજથી ‘હેલ્લો અમદાવાદ’ કહીને લોકોને જગાડનાર આર.જે.ધ્વનિતે પોતાના અવાજમાં ગાયેલા આઠ ગીતો  ‘મજ્જાની લાઇફ’ શીર્ષકવાળા આલ્બમ સાથે રિલીઝ કર્યા છે. આ પ્રસંગ હોટેલ એપ્સિલોન ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતના ખ્યાતનામ ગાયકો શ્યામલ મુનશી દેવાંગ પટેલ ઐશ્વર્યા મજમુદાર અને કવિ શ્રી. તુષાર શુક્લ ફોટોગ્રાફર સંજય વૈદ્ય વગેરે હાજર હતા. આ આલ્બમના ગીતો ચિરાગ ત્રિપાઠીએ લખ્યા છે જ્યારે સંગીત બાવીસ વરસના પાર્થ ઠક્કરે આપ્યું છે.

આ આલ્બમનું એક ગીત ‘પપ્પા તો ડ્યુડ છે.’ નવા જમાનાના ફાધરની વાત કરતું ફાસ્ટ બીટ ગીત છે. તો ‘પરી’ શીર્ષકવાળું સોફટ ગીત કોઈ અજાણી છતાંય સપનામાં આવતી છોકરી માટે ગવાયેલું ગીત છે. પહેલા પ્રેમની શીર્ષકવાળું ગીત ખરેખર પહેલા પ્રેમના રોમાંચ ને સંગીતમય છતાંય સરળ રીતે રજૂ કરે છે જ્યારે બાળપણની યાદો તાજી કરાવતું ગીત ‘ફૂલ-ટુ મસ્તી’ નવી દુનિયા સાથે દોડી રહેલા માણસને જરા થંભીને મસ્તીથી જીવી લેવા માટે અપીલ કરે છે. ઈશ્વર એક છે નો સંદેશ આપતું ‘હરિ ઓમ’ ગીત ઈશ્વર પ્રાર્થનાના બહાને પોતાનો અહં મોટો કરવાની પ્રવૃત્તિ પર હળવો કટાક્ષ કરી જાય છે જ્યારે ‘જિંદગી’ ગીત ખરેખર જિંદગી જીવવાની સાદી છતાંય અસરકારક ફિલોસોફી સમજાવે છે.

એલઆઈસીમાં કર્મચારી તરીકે પોતાની વ્યાવસાયિક કારકિર્દી શરૃ કરનાર ધ્વનિત, રેડીઓ મિર્ચી ૯૮.૩ એફ.એમ.નું આર.જે. હંટ જીતી અમદાવાદના શ્રોતાઓના હૃદયને જીતનારો રેડીઓ જોકી તો બની જ ગયો હતો પણ હવે તાજગીસભર સંગીતથી સજેલા આલ્બમ ‘મજ્જા ની લાઈફ’ના રિલીઝ સાથે આર.જે. ધ્વનિત ગાયક પણ બની ગયો  છે. તે કહે છે કે, ‘‘મજ્જાની લાઈફ આલ્બમ દ્વારા મારે શ્રોતાઓને એજ સંદેશ આપવો છે કે ગુજરાતી મ્યુઝિક એટલે ખાલી ગરબા અને ભજન એવું નથી. બીજી ભાષાઓની જેમ ગુજરાતી ભાષા પણ આધુનિક પ્રકારનાં ગીતોનું સર્જન થઈ શકે તેવા હળવા અને ગમતાં શબ્દો આપવા સમર્થ છે.

યુટ્યુબ પરથી નીચેનો વિડીયો મળી ગયો તો થયું કે ખાલી ઓડીયો નથી મુકવી. તો માણો…

%d bloggers like this: