jump to navigation

એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે – “ગુજરાત દર્પણ” માં ડો. હઝારીનું અવલોકન મે ૨૦૧૨ May 12, 2012

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
6 comments

ન્યુ જર્સીથી છેલ્લા ૧૯ વરસથી પ્રસિદ્ધ થતા પ્રખ્યાત માસિક “ગુજરાત દર્પણ” નો મે ૨૦૧૨ નો અંક મળ્યો. શ્રી. સુભાષભાઈ શાહ તેમના સુપુત્ર શ્રી. કલ્પેશભાઈ અને માસિકના નિયમીત લેખ પિરસતા સૌનો આભાર કે ગુજરાતી ભાષા અને સાહિત્યને દરિયાપાર પણ જીવિત અને પ્રજ્વળીત રાખી છે. આ મહિનાના અંકમાં ડોકિયું કરતાં જ્યાં ૧૨૪ મા પાના પર નજર ગઈ તો એક ચિત્ર ઊડીને આંખે અડ્યું. એ એક પુસ્તકનું મુખપૃષ્ઠ (Facebook) હતું “એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે”. (હિમાંશુભાઈનો આભાર એમણે એ પુસ્તક પોતાના હસ્તાક્ષર સાથે વગર કિંમતે મને આપ્યું છે). આ માસિકના નિયમિત કટારલેખક ડો. અમૃત (સુમન) હઝારીની કટાર “ગુજરાત દર્પણ જ્ઞાન પરબ” ના અંતર્ગત ‘પુસ્તક પરિચય’માં તેમણે આ પુસ્તકનું અવલોકન આલેખ્યું છે. આ પુસ્તકના લેખક છે શ્રી. હિમાંશુ પટેલ.

 

ફોલ રીવર, માસેચ્યુસેટ માં રહેતા મારા મિત્ર, મોટાભાઈ અને કવિ શ્રી. હિમાંશુ પટેલથી ગુજરાતી બ્લોગજગત અચૂક જ પરિચિત છે. એમણે કવિતાનો ક તો બાળપણથી જ ધૂંટવાનું શરુ કરેલું. મુંબઈમાં હાઈસ્કૂલ પતાવી એમ.વી.એલ.યુ. કૉલેજમાં આવ્યા તો ખ્યાતનામ સાહિત્યકાર અધ્યાપક શ્રી. યશવંત ત્રિવેદી ના માર્ગદર્શનમાં કવિતા ખીલી ઊઠી. તો બે વરસ પછી મીઠીબાઈ કોલેજમાં પ્રવેશ મેળવી જાણીતા સાહિત્યકાર-અધ્યાપક શ્રી. સિતાંશુ યશચંન્દ્ર અને આચાર્ય સાહિત્યકાર શ્રી. અમૃતલાલ યાજ્ઞિક ના હાથ નીચે વધુ ઘડાયા. તો શ્રી. નલિન પંડ્યા શ્રી. નીતિન વી. મહેતા શ્રી. શશિકાંત જોષી વગેરે સાહિત્યપ્રેમી સહાધ્યાયી મિત્રો ની સોબત-સંગતમાં કવિતાનો કસબ વધુ ખીલી ઊઠ્યો. તેઓ પોતાની સ્વરચિત કવિતા તો લખે જ છે અને આપણે માણી પણ છે જ. પણ તેમણે વિશ્વભરની વિવિધ ભાષાના વિખ્યાત કવિઓની ઉમદા કવિતાઓનો અસરકારક અને આસ્વાદસભર અનુવાદ કરી આપણને રસપાન કરાવ્યું છે. એના માટે ગુજરાતી સાહિત્યરસિક મિત્રો એમના ઋણી રહેશે.

 

શ્રી હિમાંશુભાઈએ દુનિયાભરની ભાષાઓની કવિતાનો અનુવાદ કરીને ગુજરાતી સાહિત્યપ્રેમીઓને ૨૦૦૭માં આ પુસ્તકની પહેલી આવૃતિ આપી હતી. ઇન્ડિયામાં રહીને તો ગુજરાતી સાહિત્યની સેવા તો એમણે કરી જ અને અમેરિકા આવીને પણ એ કવિતાના કીડાએ એમને જકડી રાખ્યો. આમ જ ભારતીય કવિ હવે દરિયાપરના કવિ બની ગયા. પણ હવે બે અઠવાડિયા પહેલાં જ અમેરિકાનું નાગરિકત્વ સ્વીકારીને અમેરિકન બની ગયા છે. હવે એમને ભારતીય-ગુજરાતી કહેવા કે અમેરિકન? એક જ શબ્દ યોગ્ય લાગે છે કે તેઓ કવિતાના કામણગાર છે.  

 

ડો. હઝારીએ એમના અવલોકન દરમ્યાન જે અનુરોધ કર્યો છે કે ગુજરાતી સાહિત્ય પરિષદે તટસ્થ રહીને શ્રી હિમાંશુ પટેલનો આભાર માનીને તેમને યોગ્ય માનથી નવાજવા રહયા સાથે હું સંપૂર્ણ સહમત છું અને આપ પણ હશો. ડો. હઝારીએ એક સૂચન પણ કર્યું કે આ પુસ્તકમાં મૂળ કવિતા પણ અનુવાદિત કવિતા સાથે છાપી હોત તો આ પ્રયત્નનું મૂલ્ય વધી જાત. કદાચ હિમાંશુભાઈને પણ આ વાતનો વસવસો હશે જ એટલે જ્યારે તેમણે પોતાનો બ્લોગ બનાવ્યો અને નવા અનુવાદનો આસ્વાદ કરાવ્યો તો સાથે સાથે એ કવિ વિષેની ટૂંકી માહિતી અને મૂળ કવિતા પણ રજૂ કરી છે. નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો અને માણો.

 

હિમાંશુના અનુવાદ – http://himanshu52.wordpress.com/

 

હિમાંશુનાં કાવ્યો – http://himanshupatel555.wordpress.com/

 

હિમાંશુભાઈ એકલા કવિતા પાછળ ગાંડા છે એવું નથી. તેઓને નાટક પ્રત્યે પણ ખૂબજ લગાવ છે. મુંબઈ થી જ્યારે તેઓ વડોદરા ખાતે આવ્યા તો આપણા ન્યુ જર્સીના જાણીતા અને માનિતા નાટ્ય કલાકાર-દિર્ગદર્શક શ્રી. શૈલેશ ત્રિવેદી સાથે ભારતભરમાં ઘણા બધા નાટ્ય મહોત્સવમાં ભાગ લીધા. અમેરિકા આવીને પણ સેમ્યુલ બેકેટના એન્ડગેમનુ અનુવાદ કરી એ નાટકને પોતે દિર્ગદર્શિત કરીને ભજવી બતાવ્યું છે. તો આપણા પંચતંત્રની બે વાર્તાનું અંગ્રેજીમાં અનુવાદ કરી રિસીલા બીચ થિયેટરના નેજા હેઠળ અહીંના કૉલેજ કલાકારો સાથે સફળ આયોજન કરી રજૂ કરી ચૂક્યા છે. પૉલ ન્યુમન આજ રિસીલા બીચ થિયેટર સાથે સંકળાયેલા હતા. હવે ઉપરનું એમનું પિક્ચર જોઈને નથી લાગતું કે જો સરદાર પટેલ પર કોઈ નાટક કે ફિલ્મ બનાવવી હોય તો એમનો મેકઅપ વગર કર્યા વગર ઉપયોગ કરી શકાય?  

 

હિમાંશુભાઈને ખૂબ ખૂબ અભિનંદન અને આશા રાખીએ કે ગુજરાતી સાહિત્યની સેવા કરતા જ રહે.

 

આ સાથે “ગુજરાત દર્પણ” માં આવેલ ડો. હઝારીનું અવલોકન વાંચવા માટે અહીં ક્લિક કરો.

પરી! May 1, 2012

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
10 comments

Image from web.

પ્રિય મિત્રો

ઘણા વખત પછી આજે એક નવી કવિતા લઈને આવ્યો છું. કવિતા જાણે કે મારાથી રિસાઈ જ ગઈ હોય એમ લાગે છે. એને પાછી મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આશા છે કે ગમશે. 

 

પરી!

 

ઓ નદીની રેત લીંપેલી
જળપરી!
ક્યાં છે તું?
એજ આકાશ છે,
એજ કિનારો છે,
મળતાં હતાં જ્યાં રોજ!
આજે
અદૃશ્ય બની છે તુ?
કે
મારી દ્ગષ્ટિને અંધત્વ?
તારી મહેક શ્વસી શકાય છે!
તારી ચહેક સુણી શકાય છે!
તારા અસ્તિત્વની
લાક્ષણિક સંવેદનાનો
અહેસાસ અનુભવી શકાય છે!
સ્પર્શ્યા વગર પણ
તારી સુંવાળપ
કળી શકાય છે!
તારા તા થૈ કરતાં પગલાંનો પગરવ
પારખી શકાય છે!
તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે!
તો પછી!
તું છે કે મારી કલ્પના છે તું?
તું છે કે મારી સ્વપ્ન-પરી છે તું?
તું છે તો આવ અને 
મારી વિહ્વવળતાનો અંત લાવ!
નહીં તો મારો સ્વપ્નભંગ કરી
મને જગાવ!
આવ! આવ! આવ!

 

જગદીશ ક્રિશ્રિયન – મે ૦૧, ૨૦૧૨