jump to navigation

ફકત દિલની સફાઈ માગે છે – કિરીટ ગોસ્વામી – ઓસમાન મીર September 19, 2009

Posted by jagadishchristian in કવિતા, સંગીત, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , , , ,
8 comments

છેલ્લાં થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં “સમન્વય” અને “ગુજરાત સમાચાર” ના સહયોગથી “કાવ્યસંગીત સમારોહ” નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિઓ, સ્વરકારો, ગાયકો અને સાહિત્યકારો એમાં પોતાની કળા પીરસે છે. ત્રણ દિવસ ચાલતા આ મહોત્સવ રૂબરૂ માણવાનું સૌભાગ્ય હજુ સુધી મળ્યું નથી પણ એની સીડી આવવાની આતૂરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. ફેબ્રુઆરી ૨૦૦૮ માં થયેલા કાર્યક્રમની સીડી હમણાં થોડા મહિના પહેલા મળી. આ વખતે પહેલા નહીં આવેલા રૂમકુમાર રાઠોડ-સોનાલી રાઠોડ હતા અને થોડા નવા અવાજ સાંભળવા મળ્યા. નવા અવાજમાં એક પ્રતિભાશાળી અવાજ મને ઘણો ગમી ગયો, શ્રી. ઓસમાન મીર. એમણે ત્રણ ગીત રજૂ કરેલાં અને ત્રણે ગીત લાજવાબ ગાયા છે. એમના વિષે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો તો આજે એમની એક વિડીયો YOU TUBE પર મળી ગઈ. જે અહીં રજૂ કરું છું. મને ખાતરી છે કે તમને ગમશે. આ ગુજરાતી ગઝલ શ્રી. કિરીટ ગોસ્વામી ની છે.

ફકત દિલની સફાઈ માગે છે

પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.

આંખને ઓળખાણ છે કાફી

લાગણી ક્યાં ખરાઈ માગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં

કોણ પીડા પરાઈ માગે છે.

એક ઝાંખીજ એમની ઝંખે

દિલ બીજું ન કાંઈ માગે છે.

–          કિરીટ ગોસ્વામી

હવે આ વિડીયો તો જોઈ લીધી પણ આજ ગીત સીડીમાં સાંભળ્યું હતું તે તમને સંભળાવવાનો મોહ છોડી શકતો નથી. તો સાંભળો…….

બાપુનું ‘હાં રે અમે ગ્યા’તા…..’ September 17, 2009

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , ,
4 comments

અત્યારે નવરાત્રનું વાતાવરણ જોર પકડી રહ્યું છે ત્યારે કવિ શ્રી. રમેશ પારેખનું એક અનોખું કાવ્ય અહીં રજૂ કરું છું. પ્રખ્યાત સ્વરકાર અને ગાયક શ્રી. અમર ભટ્ટની ચાર સીડીના સંચય “સ્વરાભિષેક” માં તેમણે જણાવ્યું છે કે “આપણી ભાષા એક ધોધમાર કવિને પામીને ધન્ય થઈ ગઈ, કવિ શ્રી. રમેશ પારેખ. અનેકવિધ વિષયો પર એમણે ગીત લખ્યાં છે. એ ૯૯ વર્ષના રાજપૂતનું ઊર્મિગીત લખે, મદારીનું પ્રણયગીત લખે, એ વૃક્ષ સંવનનાર્થીનું ગીત લખે. આ કવિએ મીંરાની મનોદશામાં પહોંચીને “મીંરા સામે પાર” કાવ્યસંગ્રહ આપ્યો. ૬ અક્ષરનું નામ, તો ફાંસી પહેલાંની ઇચ્છા એવાં કાવ્યો આપ્યાં”

તો આવા ધોધમાર કવિનું આ કાવ્ય કાઠિયાવાડી બોલીમાં લખેલું છે એટલે વાંચવામાં કદાચ જોઈએ તેટલી મઝા ન પણ આવે. જો કોઈ કઠિયાવાડીના અવાજમાં સાંભળીએ તો મઝાજ અલગ મળે. અને વળી જો કવિ શ્રી. રમેશ પારેખના પોતાના અવાજમાં સાંભળીએ તો તો ભયો ભયો! તો સાંભળો.

નવભારત કૉમ્યુનિકેશન દ્વારા કવિ શ્રી. રમેશ પારેખની કવિતાની બહાર પડેલી સીડી “અવસર અવાજનો…”  માંથી આ કવિતા લીધી છે.

બાપુનું હાં રે અમે ગ્યાતા…..

નવરાતરી આવી છ્.

બાપૂ કહે: ભગલા,

રામગર બાવો તો આરડે છ્.

ગરબી તો અમે ગવરાવતા.

ઈ ય એવી કે

જોગણીયું વાદાકોદ કરે :

હું રમું ને તું નહીં; હું રમું ને તું નહીં.

ભગલે ઈ વાતનો ઢંઢેરો પીટ્યો

એટલે જુવાનિયાઉએ હઠ લીધી:

બાપુ ગરબી ગવરાવે તો હા, નીકર ના.

આવા માતાજીના કામમાં

બાપુથી ના નો પડાણી: ક્યે:

‘ભલે ત્યારે, ગવરાવશું,

એક એકનું માથું ભાંગ એવે ગરબી.’

હડૂડૂડૂ કરતા સૌ થ્યાં ભેળાં.

રોશનિયું-બોશનિયું થઈ ગઈ છ્

હૈયેહૈયું દળાય છ્.

જુવાનિયા અમથાઅમથા

ડાંદિયા ઉલાળે છ્

સૌના પગમાં હરખ આંટો વાઢી ગ્યો છ્

વ્રેમાંડ લગી ઉતાવળ્યું આંબી ગૈ છ્

ઓહોહોહો, બાપ આજ તો ઘણી ગરબી ગવારે છ!

બાપુ મૂછ ઝાટકી

ખોંખારો ખાઈ ઉપાડે છ્ ગરબી:

‘હાં રે મને ગ્યા’તાં…’

ને શિવો ગોર ઓટલેથી બરાડ્યો:

‘એલા અહૂરું ઘંટી કોણ ફેરવે છ્?’

કીકિયારામાં કોઈને સંભળાણું નહીં.

ભગલો ક્યે:

‘કોઈ સાંભળતું નથી, બાપુ,

સાવઝ જેવો અસલી અવાજ કાઢોને!’

‘લે ત્યારે,’ – એમ બોલી

બાપુએ મ્યાનમાંથી તલવાર્ય કાઢતા હોયએમ

ગળામાંથી આંતરડાતોડ હાંક કાઢી

‘હાં રે અમે ગ્યા’તા…’

– ને સરરર કરતું કાં’ક ફાટ્યું.

એકબે ધાવણાં બી ગ્યાં.

બાયું ભેરાંટી રહી.

જુવાનિયા ડાંડિયા ફેંકીને દોડ્યા : ‘શું થિયું, શું થિયું?’

ભગલો ક્યે:

‘થાય શું? ઈ તો બાપુએ ગરબી ગવરાવી.’

ભગલામે ફોડ પાડ્યો ને બાપુને પોરસાવ્યા:

‘થાવા દ્યો બાપ, થાવા દ્યો.’

બાપુએ છાતી ફૂલાવી પોઝીશન લીધી.

એક હાથ લાંબો કર્યો.

બીજા હાથને કાન પર મૂક્યો.

પછી હોઠ હલ્યા.

જડબાં ઊઘડ્યાં.

છાતી ઊંચીનીચી થઈ.

આંખ્યું તગતગી.

મૂછો થથરી.

પરસેવા હાલ્યા.

ત્યારે ઊંદરડી મૂતરે એટલોક અવાજ નીસર્યો:

‘હાં રે અમે ગ્યા’તા…’

ભગલો બોલ્યો:

‘અરેરે, તમારો અવાજ તો

સાવ બેસી ગ્યો, બાપુ…’

બાપુ મૂછે તાવા દઈને બોલ્યા:

‘બેસે જ ને?

એક હાંકે દુશ્મનની છાતીયું

બેસાડી દઈએ તો અવાજ તે શી વિસાતમાં?’

– રમેશ પારેખ

ન્યુ જર્સીમાં ત્રણ કાર્યક્રમ – સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ September 7, 2009

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
add a comment

બનારસ ઘરાનાના વિદુષી સવિતા દેવીનો સંગીત જલસો.

સવિતા દેવી સ્વર્ગસ્થ સિધ્ધેશ્વરી દેવી અને સુપ્રસિધ્ધ તબલાવાદક પંડિત કિશન મહારાજના પુત્રી છે. તેમની સાથે હાર્મોનિયમ પર ગુરુજી સુરેન્દ્ર કથુલા, તબલા પર સંજય સક્સેના અને ગાયકીમાં માલિની માંબિયર સાથ આપશે. સુપ્રસિધ્ધ કથક ન્રુત્યાંગના પદ્મા ખન્ના ભાવભંગિની પ્રસ્તુત કરશે.

savitaDEVI_web

કસુંબલ ડાયરો ભાનુભાઈ વોરા અને તૃપ્તી છાયા

kasumbal dayaro

સિદ્ધાર્થ રાંદેરિયા દિર્ગદર્શિત-અભિનિત નાટક ગમ્મત કરીલો ગુજ્જુભાઈ

gammat karilo gujjubhai

કવિતાનો આનંદ – એવા રે મળેલા મનના મેળ September 5, 2009

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
add a comment

સપ્ટેમ્બર ૧૨, ૨૦૦૯ ના દિવસે ભારતીય વિદ્યાભવન, ચોપાટી મુંબઈ ના કાનજી ખેતશી સભાગૃહ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. શ્રી. સુરેશ દલાલ દ્વારા દિવ્ય ભાસ્કરમાં રવિવારે પ્રગટ થતા કાવ્યાસ્વાદ હયાતીના હસ્તાક્ષરનો સંચય કવિતાનો આનંદપુસ્તકનું વિમોચન કરવામાં આવશે. ગીત-સંગીતથી મઢેલા આ કાર્યક્રમમાં હું તો નથી જઈ શકવાનો પણ તમને બધાંને આની જાણ કરું છું. નીચે કાર્યક્રમની વિગતવાર માહિતી છે.  

આ કાર્યક્રમની માહિતી આપવા બદલ શ્રી. જસવંત મોદીનો આભાર.

Inv_kavita_anand1

કવિતાનો આનંદ પુસ્તકનું વિમોચન

એવા રે મળેલા મનના મેળ

એવા રે મળેલા મનના મેળ

%d bloggers like this: