jump to navigation

જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪. સાઠ દિન કે સાઠ વરસ – શરૂઆત કે…… August 29, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags:
2 comments

મિત્રો, 

કાલે મારો ૫૯ મો જન્મ દિવસ છે. એક મુકામ તરફનું પ્રયાણ છે. આમ તો મજાનો માદ હોય પણ હવે સાઠે પહોંચવાની ચિંતા પણ હોય એ સ્વાભાવિક છે એવું મારું માનવું છે. આજે જ એક ગઝલ ના.. ના.. હઝલ નો અયોગ બન્યો તો લખાઈ ગઈ. આશા છે આપને ગમશે.

my595th

 

 

સાઠમાં પ્રવેશ!

ઉજવાય છે આજે જુઓ મારો જનમ દિન તાનમાં!

દાખલ થયો છું આજથી મારા વરસ આ સાઠમાં!

 

સાઠે એતો નાઠી એવી કહેવત ઘણી ચર્ચાય છે,

કોને ખબર મારી હશે બુદ્ધિ યથાવત સાથમાં!

 

છે પાનખર બેઠી મથાડે આમ તો વરસો થયાં,

બદલાણ કેરી રાહ હું જોયા કરું છું ખામખાં!

 

સોડા અને આચર-કુચર ખાતો નથી દસકો થયો,

પડતો નથી તો પણ તફાવત એજ મારી ફાંદમાં!

 

ધોળાં થયાં છે વાળ સૌ માથે અને બીજે બધે,

પખવાડિયે કાળો કલર કરતો રહું છું વાળમાં!

 

“જગદીશ” તારા આયખાની છે ઉપજ તો એટલી,

ભેગી કરી સંભાળથી યાદો બધી લે બાથમાં!

 

જગદીશ ક્રિશ્ચિયન – જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪.

છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

આદમથી ઓબામા સુધી! February 17, 2014

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags:
2 comments

Image

આદમથી ઓબમા સુધી!

 

ફળ ખાવું ના ખાવું મૂંઝવણ આદમથી ઓબામા સુધી!
વિચલિત થઈ ખાધા નું ભારણ આદમથી ઓબામા સુધી


રાજા હો કે ઘરનો રામો સૌ છે સરખા જોગી ભોગી
જીવનમાં આવે છે અડચણ આદમથી ઓબામા સુધી


આમ જુઓ તો નમણું નાજુક દિલ તો પાગલ છાનું માનું
ખોવાતું વીના કોઈ કારણ આદમથી ઓબામા સુધી


શૂળી પર લટકાવી ખીલા ઠોકે છે સૌ રોજ ઈસુને
તો પણ કરતો આવ્યો તારણ આદમથી ઓબામા સુધી


માંહી પડ્યા તે મ્હાસુખ માણે દેખણહારા દાઝે જોને
સદીઓથી સરખું બંધારણ આદમથી ઓબામા સુધી


અપરાધી કે આતંકવાદી દસ મારો દસ થાય ઊભા
સારા નરસાની અથડામણ આદમથી ઓબામા સુધી


ચાહો સૌને ખુદની માફક ‘જગદીશે’ તો કહ્યું સહુને
ધરતા કાને કોણ શિખામણ આદમથી ઓબામા સુધી?

જગદીશ ક્રિશ્ચિયન  ડિસેમ્બર ૨૦૧૩

છંદવિધાન – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

AdamthiObamasudhi

નવા વરસની નવી રીત, જૂની વાત! January 1, 2014

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: ,
4 comments

મિત્રો સૌને નવા વરસની સલામ. નવું વર્ષ નવી ઉષ્મા અને નવી દિશા લઈને આવે એવી અભ્યર્થના!

happynewyear2014

નવા વરસની નવી રીત, જૂની વાત!

વરસ નવું છે!

વર્તન નવું છે?

જુની એ શીશીમાં

જોબન નવું છે?

!

આંખો જૂની છે

વાતો પુરાણી

લાગે છે તાજી

વલણ નવું છે?

!

આખે જ આખો

બદલાઈ ગયો છું!

હતું એજ છે કે

નાટક નવું છે?

!

કરતો રહ્યો છું

પ્રતીક્ષા તમારી

વરસોથી આમ જ

એમાં કશું નવું છે?

!

જગદીશ ક્રિશ્રિયન – જાન્યુઆરી 01, 2013

રિસાયા! July 18, 2013

Posted by jagadishchristian in ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
8 comments

પ્રિય મિત્રો,

આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. આશા છે આપને ગમશે. આપની ટકોર અને ટિપ્પણી આવકાર્ય છે.

Risaya

શકાય છે! June 17, 2013

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
11 comments

મિત્રો,

ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..

Shakaaychhe

પરી! May 1, 2012

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
10 comments

Image from web.

પ્રિય મિત્રો

ઘણા વખત પછી આજે એક નવી કવિતા લઈને આવ્યો છું. કવિતા જાણે કે મારાથી રિસાઈ જ ગઈ હોય એમ લાગે છે. એને પાછી મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે. આશા છે કે ગમશે. 

 

પરી!

 

ઓ નદીની રેત લીંપેલી
જળપરી!
ક્યાં છે તું?
એજ આકાશ છે,
એજ કિનારો છે,
મળતાં હતાં જ્યાં રોજ!
આજે
અદૃશ્ય બની છે તુ?
કે
મારી દ્ગષ્ટિને અંધત્વ?
તારી મહેક શ્વસી શકાય છે!
તારી ચહેક સુણી શકાય છે!
તારા અસ્તિત્વની
લાક્ષણિક સંવેદનાનો
અહેસાસ અનુભવી શકાય છે!
સ્પર્શ્યા વગર પણ
તારી સુંવાળપ
કળી શકાય છે!
તારા તા થૈ કરતાં પગલાંનો પગરવ
પારખી શકાય છે!
તારા ઉચ્છવાસનો ગરમાવો
મારી પીઠ પર વરતી શકાય છે!
તો પછી!
તું છે કે મારી કલ્પના છે તું?
તું છે કે મારી સ્વપ્ન-પરી છે તું?
તું છે તો આવ અને 
મારી વિહ્વવળતાનો અંત લાવ!
નહીં તો મારો સ્વપ્નભંગ કરી
મને જગાવ!
આવ! આવ! આવ!

 

જગદીશ ક્રિશ્રિયન – મે ૦૧, ૨૦૧૨

મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
28 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
43 comments

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે. 

  

 

દીવો રે પ્રગટાવો… October 31, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
16 comments

image from myorkutglitter.com

હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.

દીવો રે પ્રગટાવો…

પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો 

અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦

આવું તારી કને! October 3, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
12 comments

Image from web

આવું તારી કને!

પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું, 
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦

હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો.  ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું.  વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.