jump to navigation

કવિવર ઉમાશંકર જોષી નું પ્રભાવક ગીત: લૂ, જરી તું…. July 21, 2019

Posted by jagadishchristian in Uncategorized.
Tags: , , , , , , , , , ,
add a comment

આજે કવિવર શ્રી. ઉમાશંકર જોષી ની આજે ૧૦૮ મી જન્મજયંતી છે અને બે દિવસથી અહીં ગરમીનો પારો સો ની સપાટીને પાર કરી ગયો છે ત્યારે તેમનું એક કાવ્ય યાદ આવ્યું. મે મહિના ની સોળમી તારીખે મુંબઈ સમાચાર માં શ્રી. નંદિની ત્રિવેદી ની કોલમ “હૈયાને દરબાર” માં આ કાવ્ય વિષે વાંચેલું જે રજૂ કરું છું. આ લેખમાં ઉલ્લેખ કરાયેલો જુલાઈ ૨૦૧૦ નો પરબનો અંક પણ સામેલ કરું છું. અને સાથે સાથે આ ગીત નો વિડીયો પણ સામે છે. શ્રી. અમર ભટ્ટ નું સ્વરાંકન અને હિમાલી વ્યાસ નાયક ના સ્વરમાં સાંભળો.    

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે. એક આયખામાં આટલું વ્યાપક ફલક! એમની સાથેના અમારાં સંસ્મરણો વિશેની એક અંગત વાત યાદ આવે છે. ઉમાશંકર જોશી, મારા પિતા જયન્ત પંડ્યા, લાભશંકર ઠાકર જેવા અનેક સાહિત્યકારો-લેખકોના ગુરુ.‌ સાહિત્યકારોની આખી એક પેઢી તૈયાર થઈ છે એમનાં હાથ નીચે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ભણાવવાની શૈલી એટલી બધી રસપ્રદ કે એકેય વિદ્યાર્થી એમનો ક્લાસ બંક તો ન જ કરે પણ એમના પ્રભાવમાં વિસ્ફારિત આંખે એમને નિતાંત ચાહે અને સાંભળે.‌ એ પ્રભાવમાં જ મારું નામ ઉમાશંકર જોશીની દીકરી નંદિનીના નામ ઉપરથી મારા પિતાજીએ પાડ્યું હતું.

દાહોદમાં એક વાર જ્ઞાનસત્ર યોજાયું હતું. આયોજન જયન્ત પંડ્યા (મારા પિતાજી)એ કર્યું હતું. વડોદરાથી ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, અન્ય સાહિત્યકારો સાથે મારાં માતા-પિતા અને બે વર્ષની હું, ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તાવથી મારૂં શરીર ધીકતું હતું પણ તાવની લવારીમાંય ઈશાવાસ્યમ…ના શ્લોક મારે મોંઢેથી સરી રહ્યા હતા.‌ ઉમાશંકર જોશી આશ્ચર્યથી એ સાંભળી રહ્યા હતા. છેવટે એટલું જ બોલ્યા કે આટલી નાની વયે આવા સંસ્કાર કેટલાં બાળકોને મળતા હશે?

આ મહાકવિ સાથે એ રીતે મારો પ્રથમ પરિચય બે વર્ષની કુમળી વયે થયો હતો અને‌ સમયાંતરે પાંગરતો રહ્યો. છેલ્લે તો, ૧૯૯૦ની આસપાસ અમારી દીકરી ઈશાને રમાડવા સુરતનાં અમારા વાઈસ ચાન્સેલર્સ બંગલે આવ્યા હતા એ સ્મરણ કઈ રીતે ભૂલાય? આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં સંબંધો ફેસબુક અને વૉટ્સઍપ સુધી જ સીમિત થઈ ગયા છે ત્યારે આટલા મોટા કવિની સંબંધો સાચવવાની રીત ખરેખર આગવી હતી.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા…સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ.‌ ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું… જેટલું એ પ્રચલિત નથી પરંતુ, ચૂકાય એવું પણ નથી.‌ એમાંય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચોય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારેય થયો ન હતો. ૪૫ ડીગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શીથીલ થઇ જાય. દેશભરમાં આ હીટવૅવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારેય કવિની કલમ‌ અટકતી નથી.‌ કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી.‌ કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય…! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે. પરંતુ, વાત છે અહીં ‌વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

Click on the image to read

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, “લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંતઃકરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યુટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે‌ ;

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…”

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે.‌ એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, “બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ, બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પનાય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.”

વ્યવસાયે એડવોકેટ પરંતુ, સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, “ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષ 2011માં ’પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉ.જો.નું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ‘ધીમે ધીમે‘ કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ’લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં ‘કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ’ધીમે ધીમે’ તાર સપ્તકના ષડજથી સ્વરસંગતિ કરે છે. ‘વા‘ અને ‘ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ’ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.”

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. “ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.”

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબધ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે. પરંતુ, ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગૅરંટી.

*****

લૂ, જરી તું ધીરે ધીરે વા,

કે મારો મોગરો વિલાય!

કોકિલા, તું ધીમે ધીમે ગા,

કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…

ધખતો એ ધોમ, ધીકે ધરણીની કાયાઃ

ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા,

પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં…

કવિ : ઉમાશંકર જોશી

સંગીતકાર : અમર ભટ્ટ

ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક