jump to navigation

પાળી શકે! December 31, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
16 comments

નવું વર્ષ શરૂ થાય એટલે આપણે બધા નવી નવી પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ. મોટા ભાગના થોડા દિવસ અમલ કરી પાછાં રોજિંદાં પ્રવાહમાં વીસરી જતા હોઈએ છીએ. તો એના અનુસંધાનમાં એક નવી ગઝલ રજૂ કરું છું. આશા છે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય આપી અભિભૂત કરશો. સૌ મિત્રોને નવા વર્ષની શુભકામના. આભાર. 

પાળી શકે!

આપી શકે તો આપ તું એવી કસમ પાળી શકે!
ચીલા નવા ના પાડ જો જૂની રસમ પાળી શકે!

અવરોધ તો લાખો હશે આખાય આ પ્રવાસમાં
પ્રયાસ એવા રાખ જે તારા કદમ પાળી શકે!

જે ચાહશો તે પામશો માનો નહીં બનશે જ એ
આધાર એનો જો સદા સઘળા નિયમ પાળી શકે!

શોધી શકે તો શોધ તું આખી જ આ દુનિયા ફરી
કોઈ મળે જે સો ટકા ખુદના ધરમ પાળી શકે!

જો પામવો હો પ્રેમ તો તૈયાર રહેજે સર્વદા
જેવા મળે તેવા બધા હસતાં ઝખમ પાળી શકે!

”જગદીશ” તારા સૌ રદીફ ને કાફિયા ચમકી જશે
જો ધ્યાન રાખી છંદ બંધારણ ગઝલ પાળી શકે!

– જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૨, ૨૦૦૯
છંદ વિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

નાતાલની ઉજવણી – ડિસેમ્બર ૨૫, ૨૦૦૯ ઈઝલીન, ન્યુ જર્સી December 27, 2009

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
5 comments

અમારા કુટુંબ તરફથી નાતાલની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિસેમ્બરની ૨૫ મીએ ઈઝલીનના એક હૉલમાં સાંજે ચારથી રાતના બાર સુધી ચાલેલા આ કાર્યક્રમ દરમિયાન ગવાયેલા ગીતો અને ડાન્સના વીડિયો જોવા માટે રાજ મેકવાનાના બ્લોગની મુલાકાત લો અને અથવા યુટ્યુબ પર ગરવા ગુજરાતી ટીવીની મુલાકાત લો.

ડિસેમ્બરની ૨૫મીએ દુનિયા ઊજવે તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બર્થ ડે !!! December 23, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
8 comments

Glitter Graphics

Christmas Glitter

ડિસેમ્બરની ૨૫મીએ દુનિયા ઊજવે તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો બર્થ ડે !!!

સુતા પહેલાં પત્નીને રીમાઈન્ડર
“બર્થ કંટ્રોલ પીલ લીધી કે નહીં?”
ને ચામડાં ચૂંથ્યા પછીનાં નસકોરાંનાં અવાજ અને
એલાર્મના વણનોંતર્યા અવાજની વચ્ચેની તીણી ચીસો.

ઍબોર્સન ક્લિનિક ની અંદર છુપાતા અને,
પ્રસૂતિની પીડા ઘોળીને પી જતા ચહેરાઓ થકી,
આકાર વગરના રૂંધાતા શ્વાસના ધબકારાનો વિલાપ.

રોજ રોજ પ્રાર્થના અને વાયગ્રાનો વિરોધ – અનુરોધ પછીનો ખાલીપો,
સરોગેટ મધર ના પ્રયોગો… ડિવોર્સના ધાંધિયા…
સોનોગ્રામથી કરાતી કન્યાની કત્લ !!!

અપૂરતાં પોષણથી સુકાતા ચહેરા, ટૂંકાતી જીંદગી,
પૉપ્યુલેશન ની ઊંચાઈના રૅકોર્ડથી શરમાતો એવરેસ્ટ !!!
દહેજની ડેફિસીઅન્સી થી ઘૂંટાતા શ્વાસો…

વધતી લાઇફ એક્સ્પેટન્સી સાથે ઊજવીશું ‘ન્યુ યર’
અને પછી… ઊજવતા રહીશું….

રામ નવમી
મહાવીર જયંતી
ઈદ-એ-મિલાદ
જન્માષ્ટમી
ગુરુ નાનક જયંતી
ક્રિસ્ટ્મસ
અને ન્યુ યર !!!

તારણહારની આ રાહ ક્યારે અટકશે?

– જગદીશ ક્રિશ્ચિયન  ડિસેમ્બર ૨૦૦૩

પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાના ગીતો December 20, 2009

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત.
Tags: , , , , , ,
4 comments

મારી આગળની પોસ્ટના અનુસંધાનમાં થોડા મિત્રોએ ક્રિસ્ટ્મસ કૅરોલનો સમાવેશ કર્યો હોત તો સારું એવો અભિપ્રાય આપ્યો. તો આનંદ સાથે અહીં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાંના ગીતો મૂક્યાં છે. કૅપ્ટન શ્રી. નરેન્દ્રભાઈએ સપને ફિલ્મના એક શાનદાર ગીતની યાદ કરાવી હતી તે પણ અહીં મૂક્યું છે. અને જીંગલ બેલ પંજાબી સ્ટાઈલમાં પણ મૂક્યું છે. આશા છે કે તમને ગમશે. આ બધા વિડીયો YOUTYBE વેબસાઈટ પરથી લીધા છે.

મારી કવિતા! December 18, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , ,
11 comments

મારી કવિતા!

મને,
રસ્તામાંથી એક કવિતા મળી!
રખડતી, રઝળતી,
પગમાં અથડાતી, કૂટાતી,
કવિતા.
તેના શબ્દોને વાચા હતી.
એણે મારા કાનમાં કહ્યું,
‘તને કવિતા કરતાં આવડે છે?’
શું બોલું હું?
ના.
‘તો ઉપાડી લે મને’
અને?
‘લખી નાખ છેડે તારું નામ!’
આંખોએ કવિતા ઉકેલી
“સાભાર પરત” અને……
ગુસ્સાથી,
ડિસેમ્બરની ઠંડીમાંય
પરસેવાથી ભીંજાઈ ગયો.
અંધારી રાત્રે તારો પ્રકાશ્યો
પૂર્વમાં પૂંછડીઓ,
લોકો હર્ષઘેલાં,
સોનું, બોળ, લોબાનનું બજાર,
ગરમ હતું.
મારી નિદ્રાદેવી,
ગરબે ઘૂમવા નાઠી.
હુંય ગયો ‘શું છે ભાઈ?’
કોઈ બોલ્યું,
‘તારણહાર ઈસુ જન્મ્યા છે “જગદીશ”!’
-જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૧૯૭૬
(૧૨/૧૫/૧૯૭૬ ના “દીપક” માસિક માં છપાઈ હતી. બે વર્ષ પહેલાં મારો ભાઈ ઇન્ડિયાથી લેતો આવેલો)

હોય છે! December 11, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
16 comments

Source: jazbaat-e-tehzeebblogspotcom

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે!
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે!
આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધાર્યું જ હોય છે!
આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભાર્યું જ હોય છે!
રેલના પૈડા ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે!
તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે!
જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન આખું શણગાર્યું જ હોય છે!
-જગદીશ ક્રિશ્ચિયન  નવેમ્બર ૨૦ ૨૦૦૯

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

મારો નાથ કોણ? December 4, 2009

Posted by jagadishchristian in મારી વાર્તા, વિચાર-મંથન.
Tags: , , , ,
5 comments

તમારા બધાના સહકાર માટે આભાર. આજે એક નવી વાર્તા લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે અને તમારા અભિપ્રાય આપશો.

મારો નાથ કોણ?

ડો. આધાર આજે પોતાનો જન્મદિવસ હોવાથી ઘરે રહ્યો હતો. આજના દિવસનું એના જીવનમાં એક અનોખું મહત્વ છે. આજનો દિવસ આધાર આનંદ અને વિષાદની મિશ્ર લાગણી લઈને ઊજવતો રહ્યો છે. વિષાદ એટલા માટે કે ૩૩ વર્ષ પહેલાં આજના દિવસે એને જન્મ દેનારી માતાએ એને ત્યજી દીધો હતો. પણ આનંદ એટલા માટે કે એની માતાએ એને જીવિત હાલતમાં એક અનાથાશ્રમના આંગણામાં મૂકી દીઘો. આજ પર્યંત એણે કેટલાય એવા કિસ્સા સાંભળ્યા છે કે કુંવારી મા બનેલ પોતાની બાકીની જિદંગી સાચવવા મરજીથી કે કુટુંબના દબાણવશ નવજાતનો ભોગ લેતી હોય છે કે લેવા દેતી હોય છે. અનાથાશ્રમમાં રહેવાથી સહન કરવી પડતી મુશ્કેલીઓ, શોષણ અને વહાલપની ઊણપ વચ્ચે આધાર પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો. એ ઘણોજ માયાળુ, મહેનતુ અને કોઈ પણ કામ કરવા તૈયાર રહેતો હોવાથી સંચાલકો અને કર્મચારીઓનો એ માનિતો હતો. આધાર નાનપણથી ભણવામાં બહુ હોશિયાર હતો. ક્લાસમાં હંમેશા પહેલા નંબરે પાસ થતો. દરેક ઇતર પ્રવૃતિઓમાં પણ એ અગ્રસ્થાને રહેતો. બોર્ડની પરીક્ષામાં એ સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો હતો. અનાથાશ્રમમાં રહેતો કોઈ છોકરો સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે પાસ થાય એવો કદાચ આ પહેલો પ્રસંગ હતો. આધારના નામ સાથે અનાથાશ્રમનું નામ પણ વર્તમાનપત્રોમાં ચમકી ગયું. જેનાથી અનાથાશ્રમને ઘણો આર્થિક લાભ પણ મળ્યો. પ્રથમ નંબરે આવવાથી મેડિકલ કૉલેજમાં પ્રવેશ એ માત્ર સ્વપ્ન ન રહેતાં હકીકત બની ગઈ.

કૉલેજકાળ દરમ્યાન એ પ્રગતિ  નામની સહાધ્યાયિના સંપર્કમાં આવ્યો. ધીરે ધીરે એમનો સંબંધ પ્રેમમાં પરિણ્યમો. પ્રગતિ ના પિતા ખ્યાતનામ ન્યુરોસર્જન અને કૉલેજના અતિથિ અધ્યાપક હતા. એમના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી આધાર પણ ન્યુરોસર્જન બનવાનું સ્વપ્ન જોવા લાગ્યો. એમ.બી.બી.એસ. પૂરું થયું એટલે એમનીજ આર્થિક સહાય અને પ્રગતિ ના દબાણવશ વધુ અભ્યાસ અર્થે એ અમેરિકા આવ્યો. અમેરિકાની જીવનશૈલી સાથે તાલ મેળવી એણે બરાબર ધ્યાન દઈ ન્યુરોસર્જનની પદવી હાંસલ કરી દીધી. અને આજે એ ન્યુરોસર્જન તરીકે વેસ્ટ ઑરેંજ, ન્યુ જર્સીમાં આવેલી સેંટ બાર્નાબાસ હોસ્પિટલમાં કામ કરી રહ્યો છે. પ્રગતિ  પણ પીડીયાટ્રીશ્યન તરીકે આજ હોસ્પિટલમાં કામ કરે છે. બંને એકબીજાને પરણી પોતાનું જીવન સુખમય પસાર કરી રહ્યા છે. એમના જીવનમાં આશિષના આગમન પછી પ્રસન્નતાનો સૂરજ વધુ ઝળહળી રહ્યો છે. પ્રગતિ  અને આધાર પોતાનાથી થતી બધી મદદ અનાથાશ્રમને કરતા રહ્યા છે. જ્યારે જ્યારે તેઓ ભારતની મુલાકાતે આવતા ત્યારે અચૂક પેલા અનાથાશ્રમની મુલાકાત લેતા. તેઓએ ‘આધાર’ નામની એક સંસ્થાનું નિર્માણ કર્યું જે પરણ્યા પહેલા ગર્ભવતી બનતી કુંવારી કન્યાઓ અને તેમના કુંટુંબને માર્ગદર્શન, હિંમત આપી બાળકનો જીવ બચાવવાનો અને અનાથ ન બને એવા પ્રયત્ન કરે છે. આધાર અને પ્રગતિ  આનંદ અને ગૌરવ અનુભવે છે કે એમના આ પ્રયત્નોને કારણે એ ઘણા બાળકોને અનાથાશ્રમને આશરે જતા રોકી શક્યા છે. ઘણા યુવા-યુવતીને તેમની જવાબદારી લેવા અને કેળવવા સમજાવી શક્યા છે. તો કુંટંબિજનોના વાંધા અને ચિંતાની નિખાલસ ચર્ચા કરી એમને રાજી કરી શક્યા છે. પ્રગતિ ના પિતાએ નિવૃત્તિ પછી આ પ્રવૃતિ હાથમાં લઈ સમાજને બહુ સુંદર સેવા પૂરી પાડી છે.     

આધાર વહેલો ઊઠી ચાનો કપ લઈ ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. એના ફોનની ઘંટડી રણકી. કૉલર આઈડીમાં જોયું હોસ્પિટલમાંથી ફોન હતો એટલે એણે ઝડપથી ઉપાડ્યો કારણ એને ખાતરી હતી કે કોઈ કટોકટી હશે. ફોન પર એને સાથી ડોક્ટરે જણાવ્યું કે એક અકસ્માતનો કેસ છે અને એક યુવાન છોકરીનું ઑપરેશન કરવું પડે એમ છે. આધારે પૂરી માહિતી મેળવી અને જરૂરી સૂચના આપી અને જણાવ્યું કે એ થોડા સમયમાં પહોંચે છે. ફોનની ઘંટડી સાંભળી પ્રગતિ  પણ આવી અને ફોન પર વાત પૂરી થઈ એટલે પૂછ્યું “જવું જરૂરી છે?”

“તું મારા કપડાં કાઢ, મારે જવું જ પડશે” કહેતો આધાર જલદી બાથરૂમ તરફ વળ્યો. તૈયાર થઈ એ હોસ્પિટલ જવા રવાના થયો. હોસ્પિટલ પહોંચી એણે પેશન્ટની ફાઈલ તપાસી અને એને સારવાર આપતા ડોક્ટર ને નર્સ સાથે ચર્ચા કરી એણે ઑપરેશનની તૈયારી માટે સૂચના આપી પોતાની ઓફીસમાં ગયો. એણે એક્સ રે અને સ્કેસ્ટકેનનો બારીકાઈથી અભ્યાસ કર્યો અને કેવી રીતે ઑપરેશન કરવું એનો તખ્તો તૈયાર કરી પોતાની ટીમને બોલાવી એમને સમજાવી દીધું. આધાર પોતાની ઓફીસમાંથી નીકળી ઑપરેશનરૂમ આગળ પહોંચ્યો તો એક બહેન રોતી હાલતમાં એને મળ્યા અને પોતાની એકની એક દીકરી ને બચાવવા આજીજી કરવા લાગ્યા. આધારે એમને સાંત્વન આપ્યું અને ચિંતા ન કરવા કહ્યું અને ઑપરેશન થિયેટરમાં ગયો. ચાર કલાક પછી અધાર બહાર આવી વેઈટીંગરૂમમાં ગયો તો પેલા બહેન પાસે પાંચ-સાત માણસો હતા. આધાર પેલા બહેન પાસે ગયો. એમની આંખમાં એક જ સવાલ જળઝરણાં થઈ વહી રહ્યો હતો. આધાર એમની પાસે બેઠો અને જણાવ્યું “ચિંતા કરવાની કોઈજ જરૂર નથી. તમારી દીકરી નું ઑપરેશન સફળ રહ્યું છે બ્રેઈનને કોઈ ડૅમેજ નથી થયું. મોં પરના ઘા પડ્યા છે એની નિશાની રહી જશે પણ પ્લાસ્ટિક-સર્જરીથી એ પણ સરખા થઈ જશે.” પછી એણે એમની સાથેના લોકોને જણાવ્યું કે એ બહેનને ધીરજ રાખવા સમજાવે અને થોડું કાંઈ ખવડાવે-પિવડાવે. અને એમને જણાવ્યું કે હવે થોડી વાર પછી એમની દીકરી ને રીકવરી રૂમમાં લઈ જશે અને ભાનમાં આવ્યા પછી આઈ.સી.યુ માં ટ્રાંસફર કરશે. એમ જણાવી એ પોતાની ઓફીસમાં ગયો અને થોડું જરૂરી પેપરવર્ક પતાવી એ ઘર તરફ રવાના થયો. બપોરના ચાર વાગી ગયા હતા એટલે એ ઘરે આવી શાવર લઈને આરામથી સોફા પર બેઠો અને પેલા લાચાર બહેન એને યાદ આવી ગયા. એ પણ ભારતીય હતા અને પોતાના બાળક પ્રત્યેની લાગણી અને ચિંતા જોઈને એને પોતાની માતાના વિચારો આવવા લાગ્યા. કેટલો ફરક હોય છે બે વ્યક્તિઓમાં!

સાંજે સાત વાગે તેઓ પોતાના મનપસંદ રૅસ્ટૉરન્ટમાં ડિનર માટે ગયાં. ડિનર પતાવી તેણે ગાડી હોસ્પિટલ તરફ લીધી. આશિષને પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટના નર્સિંગ સ્ટેશન પર મૂકી આધાર અને પ્રગતિ  આઈ.સી.યુ તરફ ગયા. Hi Asha, I am Dr. Adhar, how are you doing? એ છોકરીનું નામ દઈને આધારે એને બોલાવી. કણસતા અવાજે એ બોલી not that bad. આધારે એના મમ્મીને જણાવ્યું કે એને થોડું ચેક-અપ કરવું છે તો બહાર જઈ બેસે. પ્રગતિ  પણ એમની સાથે બહાર આવી. બહાર આવીને વાત કરતાં કરતાં પ્રગતિ એ પૂછ્યું “આ ઘટના બની કેવી રીતે?”

“મારું નામ આશ્રયી , હું અને મારા પતિ પોરસ લગભગ ૩૦ વર્ષથી અહીં ન્યુ જર્સીમાં રહીએ છીએ. અમારી એકની એક દીકરી આશા એકાઉન્ટન્ટ છે અને એની કંપની તરફથી ઑડિટ પતાવી લૉસ એંજેલસથી પાછી આવી રહી હતી. એની ફ્લાઇટ વાયા બોસ્ટન હતી. ત્યાં કોઈ ટેકનિકલ ખામીના લીધી એને ચાર કલાક રોકાવું પડ્યું અને એ વહેલી સવારે એક વાગે જે.એફ.કે પર પહોંચે એમ હતી. એના ડેડીએ જીદ કરી કે ટેક્ષી ન લઈશ હું તને લેવા આવું છું. બંને ઘર તરફ આવી રહ્યા હતા તો એક drunk woman driving in wrong direction came out of no where અને પોરસની કાર સાથે હેડઓન પછડાઈ. Thank God બંને બચી ગયા. પોરસ ગાડીમાંથી ફેંકાઈ બહાર પડ્યો પણ..” અને ડુસકાં લેતાં કહ્યું, “મારી આશા તો ગાડી સાથે હવામાં ઊછળીને અને એક ઝાડ સાથે અથડાઈ અને એની તરફની વિન્ડોના કાચ એના મોં અને માથામાં ઘૂસી ગયા.” પ્રગતિ એ એમને અટકાવતાં પૂછ્યું “તમારા પતિ કેમ છે?”

“એમને પગે ફ્રેક્ચર છે અને થોડી બીજી ઈજાઓ થઈ છે પણ એ ઓકે છે. આજ હોસ્પિટલમાં છે. હું તેમની પાસે જાઉં છું તો એ મને વઢે છે કે જા આપણી આશા પાસે જા.” એમની વાતચીત ત્યાંજ અટકી ગઈ કારણ આધાર એનું ચેકઅપ પતાવી આવી ગયો હતો. “તમને આન્ટી કહું તો વાંધો નથીને” કહી પ્રગતિ એ આધાર સાથે જવાની રજા માંગી. પાછા વળતી વખતે પ્રગતિ  બસ પેલા આન્ટીની જ વાતો કરતી રહી. કેટલા માયાળુ છે,  પોતાના પતિ અને પુત્રી માટે કેટલી લાગણી છે, ઈશ્વર આવા માણસોને શા માટે આવું દુ:ખ આપતો હશે વગેરે.. વગેરે. પ્રગતિ ને એ પણ ખ્યાલ ન રહ્યો કે આવી વાતો અને તે પણ આજના દિવસે કરીને પોતાના પતિને અજાણે કેટલું દુ:ખ આપી રહી હતી. આધાર પણ ચૂપ રહ્યો કારણ એને ખબર છે પ્રગતિ  કેટલી લાગણીશીલ છે.

બીજા દિવસે રાબેતા મુજબ આધાર અને પ્રગતિ  પોત પોતાના સમયપત્રક પ્રમાણે હોસ્પિટલ પહોંચી ગયા. આધાર એના રાઉન્ડ દરમ્યાન આશ્રયી અને આશાને મળ્યો. આશા થોડી ફ્રેશ લાગતી હતી. પ્રગતિ  પણ થોડો સમય કાઢી આશાના રૂમમાં આવી. “કેમ છે આશા? નમસ્તે આન્ટી.” આશ્રયી ની આંખમાં ચમક આવી ગઈ અને પ્રગતિ ને આવકારતાં બોલી “ બેટા, આવ.” આશાએ કહ્યું “ Hi, I am fine, thanks for coming. Mom has been talking about you.” થોડી આડી-અવળી વાતો કરી પ્રગતિ પોતાની ઓફિસમાં પાછી ફરી. આ રીતે પ્રગતિ  રોજ આશાને મળતી અને આશ્રયી સાથે ઘણી વાતો કરતી. ત્રણ અઠવાડિયા પછી આશાને ઘરે જવાની રજા આપવામાં આવી. પ્રગતિ  અને આશ્રયી ફોન દ્વારા નિયમિત મળતા રહેતા. અને આશાને જ્યારે જ્યારે હોસ્પીટલમાં ચેકઅપ માટે આવવાનું થતું ત્યારે રૂબરૂ મળવાનો મોકો તો એ ગુમાવતા જ નહી. એને કારણે પોરસ સાથે પણ સારી ઓળખાણ થઈ ગઈ. તેઓએ ઘણીવાર પ્રગતિ ને પોતાના ઘરે આવવા આમંત્રણ આપ્યું પણ તે જઈ ન શકી.

પણ એક મોકો મળ્યો જ્યારે આધારને એક કોન્ફરન્સ માટે ફ્લૉરિડા જવાનું થયું. શુક્રવારે તો આશિષની સ્કૂલ અને હોસ્પિટલની જોબના કારણે નીકળવું અશક્ય હોઈ એણે શનિવારે સવારે ૧૧ વાગે આવવાનું આશ્રયી આન્ટી સાથે નક્કી કરી દીધું. શનિવારે આશિષને લઈ પ્રગતિ આશ્રયી આન્ટીના ઘરે પહોંચી. આશ્રયી અને પોરસે એમનું બહુ ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું અને એમને ફેમિલિરૂમમાં લઈ આવ્યા. આશા પણ તેમની સાથે જોડાઈ અને બધાં વાતોએ વળગ્યાં. થોડી વારે આન્ટીનું ધ્યાન આશિષ તરફ ગયું અને લાગ્યું કે એ કંટાળી ગયો છે એટલે એમણે આશાને કહ્યું “આશિષને તારી રૂમમાં લઈ જા અને એને વીડિયો ગેમ રમાડ.” અને વાતોનો સિલસિલો એમજ ચાલતો રહ્યો. પોરસે ઘડિયાળમાં જોતાં કહ્યું “શ્રી, પ્રગતિ ને વાતોનાં વડાંથીજ પેટપૂજા કરવાની છે?” આશ્રયી ઝડપથી ઊભી થઈ અને જમવાની વ્યવસ્થા કરવા લાગી. જમવાનું પતાવી આશા અને આશિષ એમની ગેમ રમવા ગયા અને પ્રગતિ, આશ્રયી અને પોરસ સાથે ફેમિલિરૂમમાં પાછા વાતોએ વળગ્યા. આશ્રયી પુરાણી યાદોનો ખજાનો – પિક્ચર આલ્બમ લઈને આવી. જીવનના જુદા તબક્કા પ્રમાણે અલગ અલગ આલ્બમ ઘણી સરસ રીતે બનાવેલા હતા. દરેક પિક્ચરની નીચે તારીખ અને ટૂંકી માહિતી લખેલી હતી. આશાના જન્મથી માંડી તેના જીવનના બધા પ્રસંગોને વણી લેતા આકર્ષક આલ્બમ જોઈ પ્રગતિ  બહુ પ્રભાવિત થઈ ગઈ. આશ્રયી એ કહ્યું “પોરસને ઘણો શોખ છે, આર્કિટેક્ટ મહાશય પોતાની કળાનું સરસ પ્રદર્શન કરે છે.” પછી વારો આવ્યો આશ્રયી અને પોરસના જીવન પ્રસંગોના આલ્બમનો. પ્રગતિ એ તેમના લગ્નનું આલ્બમ ઉપાડ્યું અને રસપૂર્વક જોઈ નાંખ્યું. પોરસ બોલ્યો “અરે શ્રી, આપણું પેલું આલ્બમ લઈ આવતો.” આશ્રયી લઈ આવી અને પ્રગતિ ને આપતા બોલ્યા “બેટા, અમારા અંગત વ્યક્તિઓ સિવાય અમે આ આલ્બમ કોઈને પણ બતાવતા નથી. કોણ જાણે કેમ તમને લોકોને મળ્યા ત્યારથી એક પોતીકાપણાનો અહેસાસ થાય છે.” પ્રગતિ એ આભાર વ્યક્ત કરી આલ્બમ લીધું. આલ્બમમાં બંનેના બાળપણથી માંડી જુવાનીના પિક્ચર હતા. પ્રગતિ એ હસતાં હસતાં કહ્યું “તો આ તો પ્રેમકહાણીનો પૂર્વ અધ્યાય છે ખરૂંને?” અને બધા ખડખડાટ હસી પડ્યા. જોતાં જોતાં પ્રગતિ  છેલ્લા પાન પર પહોંચી તો પિક્ચરની જગ્યાએ એક પ્લાસ્ટિક પાઉચની અંદર એક નાનો નેકલેસ હતો. એ જોઈને પ્રગતિ  એકદમ ચમકી ગઈ. પિક્ચરની નીચે લખ્યું હતું “ભૂલની સજા – LOST TREASURE”. એ બસ અવાચક બની શુન્યમનસ્કે પેલા નેકલેસને તાકી રહી. એના દિમાગમાં કેટલાય સવાલો સળવળી ઊઠ્યા. આવોજ નેકલેસ આધાર પાસે પણ છે જે તેના ગળામાં હતો જ્યારે તેને અનાથાશ્રમના દરવાજે છોડ્યો હતો. એને થયું કે આશ્રયી જ આધારને જન્મ દઈ ત્યજી દેનારી માતા છે. તેને ત્યાંથી નાસી જવાની ઇચ્છા થઈ અને આશ્રયી માટેનો આદર અને પ્રેમ નફરતમાં બદલાઈ ગયો. પ્રગતિ  પોતાના ગુસ્સાને દબાવતાં બોલી “મને લાગે છે કે મારે જવું જોઈએ!” પોરસ બોલ્યો “કેમ અચાનક? શું થયું? અમારાથી કાંઈ ખોટું થયું છે?” પ્રગતિ  કેવી રીતે કહે કે તમે મારા પતિને કેટલો મોટો અન્યાય કર્યો છે. “મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે.” કહી પ્રગતિ એ આશિષને બૂમ પાડી બોલાવ્યો અને ઝડપથી નીકળી ગઈ.

પ્રગતિ ના ગયા પછી આશ્રયી અને પોરસ ચર્ચા કરવા લાગ્યા કે તેણે આવો વ્યવહાર કેમ કર્યો. અને એક વાત પર બંનેનું ધ્યાન ગયું કે આલ્બમના છેલ્લા પાનાને જોતાં જ એના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા હતા. એમણે વિચાર્યું કે પ્રગતિ એ “ભૂલની સજા – LOST TREASURE” વાંચીને કોઈ ગેરસમજ થઈ લાગે છે. તેમણે નક્કી  કર્યું કે બીજા દિવસે જઈને તેઓ ચોખવટ કરશે. રવિવારે તેઓ આગળથી જણાવ્યા વગર પ્રગતિ ના ઘરે પહોંચી ગયા. બેલ માર્યો તો આધારે આવીને દરવાજો ખોલ્યો. “આવો, આવો આમ અચાનક? Is everything ok?” તેઓ અંદર આવ્યા, એમને બેસાડી આધારે બૂમ પાડી “પ્રગતિ  જો તો કોણ આવ્યું છે!” પ્રગતિ  બહાર આવી અને એ લોકોને જોઈ સ્તબ્ધ થઈ ગઈ. કશું કહ્યા વગર એ કિચનમાં જઈ પાણી લઈને આવી. આધાર છોભીલો પડી ગયો પણ વાતને સંભાળતા બોલ્યો “રાત્રે આવ્યો ત્યારથી લાગે છે કે પ્રગતિ ની તબિયત ઠીક નથી.” પ્રગતિ એ પુછ્યું “ચા પીશોને?” આશ્રયીએ પ્રગતિ નો હાથ પકડ્યો અને કહ્યું “ચા પછી પીશું, તું અહીં મારી પાસે બેસ.” પ્રગતિ  ઇચ્છા ન હોવા છતાં બેઠી. આશ્રયી બોલી “ભૂલની સજા – LOST TREASURE વાંચીને તને કોઈ ગેરસમજ થઈ હોય એમ લાગે છે. મહેરબાની કરી અમારી વાત સાંભળ. અમને તારો આ વ્યવહાર બહુ ખૂંચે છે.” આધારને કાંઈ સમજાયું નહીં કે આ શું થઈ રહ્યું છે. આશ્રયી પોતાની વાત આગળ વધારતાં બોલી “હું અને પોરસ નાનપણથી એકબીજાના પ્રેમમાં હતાં. અમારા ઘરવાળાં પણ એમાં રાજી હતાં. પોરસનાં ફોઈ અમેરિકા રહેતાં હતાં અને એમણે પોરસના મા-બાપ માટે ઈમિગ્રેશન માટે ઍપ્લાય કરેલું હતું. એમને વિઝા મળ્યા એટલે તેઓ પણ અમેરિકા ગયા અને તેમના બાળકો પોરસ અને એની બેન માટે એપ્લાય કર્યું. પોરસનો પણ વિઝાકૉલ આવ્યો અને એણે પણ અમેરિકા જવાની તૈયારી કરવા માંડી. મેં પોરસને કહ્યું કે લગ્ન કરીને જા. પણ એ જો લગ્ન કરે તો એને જવામાં વિલંબ થાય એમ હતું, કારણ લગ્ન કરેલાની કેટેગરી બદલાય જાય. એના જવાના દિવસો નજીક આવવા લાગ્યા ત્યારે હું ૨૪ કલાક એની સાથે જ રહેવા લાગી. એ ૨૨નો હતો અને હું ૧૯ની. અમે અમારું સાનભાન ભૂલી એક દિવસ ન કરવાનું કરી બેઠાં” આશ્રયી ને ગળે ડૂમો ભરાયો તો આધારે એમને પાણી આપ્યું. વાતને આગળ વધારતાં પોરસ બોલ્યો “હું તો અમેરિકા આવી ગયો અને આર્થિક બોજાના કારણે તરત પાછા આવવું શક્ય નહોતું. પ્રગતિ  ગર્ભવતી બની અને કોઈને જાણ ન કરી અને જ્યારે બધાંને જાણ થઈ ત્યારે ગર્ભપાત માટે બહું મોડું થઈ ગયું હતું. એના મા-બાપે દબાણ કરી એ વાત મારાથી છુપાવી. પ્રગતિ એ એક પુત્રને જન્મ આપ્યો પણ મા-બાપ અને કુટુંબીઓના દબાણવશ એને પુત્રનો ત્યાગ કરવો પડ્યો.” આધારે એમને અટકાવતાં પુછ્યું “આ બધી વાત તમે અમને કેમ જણાવો છો? પ્રગતિ તેં મારા વિષે કાંઈ વાત કરી હતી કે શું?” પોરસે એને આશ્વાસન આપતા સ્વરે કહ્યું “ના બેટા આમાં તમારી વાત નથી પણ અમારી વાત છે, અને પ્રગતિ ની ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. લગભગ બે વર્ષ પછી અમે ભારતા પાછા આવ્યા અને ધામધૂમથી લગ્ન કરી દીધા. શ્રીને આવતાં બીજાં બે વર્ષ લાગ્યાં. અમે ખુશીથી અમારું જીવન વિતાવી રહ્યાં હતાં. ચાર વર્ષ સુધી અમને સંતાન ન થતાં અમે ગાયનોકોલોજીસ્ટનો સંપર્ક કર્યો અને થોડી સારવાર બાદ આશા અમારા જીવનમાં આવી. પણ ડોસ્ટરે કહ્યું કે હવે શ્રી કદી મા નહીં બની શકે. મને મારી દીકરી બહુજ વહાલી છે પણ દીકરો ન હોવાનો અફસોસ જોઈને શ્રીએ મને પુત્રના જન્મની વાત કરી.” પ્રગતિ જે બધું ધ્યાનથી સાંભળી રહી હતી એ થોડા ગુસ્સાથી બોલી “તો પછી એને કેમ ન અપનાવ્યો?” આશ્રયી બોલી “અમે બધાજ પ્રયત્ન કર્યા પણ અમે એને શોધી ન શક્યા. મારા મામા કે જેઓ એને એક અનાથાશ્રમમાં મૂકી આવેલા એ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા. એમના સિવાય બીજા કોઈને ખબર નહોતી કે કયા અનાથાશ્રમમાં એ મૂકી આવેલા. અમે ઘણી જગ્યાએ તપાસ કરી પણ ઓળખાણ માટે અમારી પાસે કશું સાધન નહોતું. એના માટે પ્રાર્થના સિવાય બીજું કાંઈ કરી શકીએ એમ નથી. આલ્બમમાં જે નેકલેસ તેં જોયેલો એ એક નિશાની હતી એ પણ બધે બતાવી પણ કાંઈ ન વળ્યું. પોરસ એક દિવસ બે સરખા નેકલેસ લઈ આવેલો જે અમે બંનેએ અમારા ગળામાં પહેરી રાખેલ. બાળકના જન્મ પછી મેં મારો નેકલેસ એના ગળામાં પહેરાવ્યો હતો. અને પોરસનો નેકલેસ અમે એની યાદમાં આલ્બમમાં મૂક્યો છે” અને આલ્બમ કાઢી એ રડવા લાગી.

પ્રગતિ  ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી અને આશ્રયી ને પગે પડી બોલી “મને માફ કરી દો મમ્મી.” આધાર, પોરસ અને આશ્રયી એકદમ ચોંકી ગયા. પ્રગતિ  પોતાની લાગણી અને આંસુને કાબુમાં લેવાના પ્રયત્ન કરતાં કરતાં બોલી “એક મિનિટ, હું હમણાં જ આવું છું.” અને તે દાદરો ચડી પોતાના બેડરૂમમાંથી એક બોક્સ લઈ આવી અને ટેબલ પર બંને નેકલેસ એકબીજા સાથે ગોઠવી દીધા.

– જગદીશ ક્રિશ્ચિયન