jump to navigation

થોડો વગડાનો શ્વાસ – કવિ શ્રી. જયંત પાઠક – સ્વર સંગીત નયનેશ જાની February 28, 2010

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , ,
8 comments

સ્વર્ગસ્થ કવિ શ્રી. જયંત પાઠક.
(જન્મ-ઓક્ટોબર ૧૦, ૧૯૨૦ ગોઠ (રાજગઢ); અવસાન-સપ્ટેમ્બર ૦૯, ૨૦૦૩ સુરત)

પ્રસિદ્ધ કવિ, સંસ્મરણલેખક, નિબંધકાર, અનુવાદક અને સંપાદક. તેમણે પ્રાથમિક શિક્ષણ રાજગઢ, માધ્યમિક કાલોલ અને ઉચ્ચ શિક્ષણ સુરત અને વડોદરામાં લીધેલું. બી.એ. ૧૯૪૩માં, એમ.એ. ૧૯૪૫માં, પીએચ.ડી. ૧૯૬૦માં. દાહોદ-હાલોલની માધ્યમિક શાળાઓમાં કામ કર્યા પછી, થોડો સમય પત્રકારત્વમાં અને પછી સુરતની એમ.ટી.બી. કોલેજમાં નિવૃત્તિપર્યત અધ્યાપન. ૧૯૬૮માં નર્મદ અને ૧૯૭૬નો રણજિતરામ સુવર્ણચંદ્રક, ૧૯૮૦માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, તથા નરસિંહ મહેતા ઍવૉર્ડ તેમને મળેલા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘મર્મર’, ‘સંકેત’, ‘વિસ્મય’, ‘અંતરીક્ષ’, ‘અનુનય’, ‘મૃગયા’, ‘શૂળી ઉપર સેજ’, ‘બે અક્ષર આનન્દના’ તથા ‘દ્રુતવિલંબિત’નો સમાવેશ થાય છે. ‘ક્ષણોમાં જીવું છું’ (૧૯૯૭) તેમની ૧૯૯૭ સુધીની સમગ્ર કવિતાનો સંગ્રહ છે. તેમની આત્મસંસ્મરણાત્મક કથા ‘વનાંચલ’, ‘તરુરાગ’ તથા ‘મનોમેળ તે મૈત્રી’ના નિબંધો તેમના પ્રકૃતિપ્રેમ વતનપ્રેમ તથા નરવા જીવનરાગનાં દ્યોતક છે. ‘આધુનિક કવિતાપ્રવાહ’, ‘આલોક’, ‘ભાવતિત્રી’, ‘વસન્તધર્મીનું વિદ્યામધુ’ વગેરે તેમની સ્વસ્થ વિવેચનરીતિના દ્યોતક ગ્રંથો છે. તેમણે ચેખૉવની શ્રેષ્ઠ નવલિકાઓનો તથા ‘ધીરે વહે છે દોન’નો અન્ય સાથે અનુવાદ પણ કર્યો છે. પ્રકૃતિ અને પ્રયણ આદિના, વતનપરસ્તી તથા અધ્યાત્મપ્રીતીનાં તેમનાં કાવ્યોમાં એક પ્રશિષ્ટ રુચિના, સૌષ્ઠવરાગી ને સૌન્દર્યનિષ્ઠ સર્જકનાં દર્શન આપણને થાય છે.

પ્રાપ્તિસ્થાનઃ ગૂર્જર કાવ્યવૈભવ. સંપાદક – શ્રી. ચિમનલાલ ત્રિવેદી અને શ્રી. ચંદ્રકાન્ત શેઠ. પ્રકાશક-ગૂર્જર પ્રકાશન ફેબ્રુઆરી ૦૪, ૨૦૦૪. 

એમના પ્રકૃતિ પ્રેમનો શ્વાસ માણીએ – સ્વર સંગીત નયનેશ જાની, કલોલ. (કાવ્યસંગીત સમારોહ – ૨૦૦૬ અમદાવાદ)

થોડો વગડાનો શ્વાસ

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,

પ્હાડોનાં હાડ મારા પિંડમાં ને   
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારાં ફરકે છે ઘાસમાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં.

સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ;
અર્ધું તે અંગ મારું પીળાં પતંગિયાં ને
અર્ધું તે તમરાનું કુળ;
થોડો અંધારે, થોડો ઉજાસમાં,
થોડો ધરતીમાં, થોડો આકાશામાં,
થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં .

“કવિલોક”ના જુલાઈ-ઑગસ્ટ ૨૦૦૨ના અંકમાં શ્રી. તૃષિત પારેખના લેખ ‘જયન્ત પાઠકની કવિતામાં અભિવ્યક્તિવૈશિષ્ટ્ય’ ના થોડા અંશો. 

જયન્તભાઈનું ‘થોડો વગડાનો શ્વાસ’ એ ગીત ખૂબ પ્રચલિત થયું અને ગવાયું પણ છે. એમાં કવિની ચેતના વગડા સાથે સંપૂર્ણ સાયુજ્ય પામી છે. ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિમાંનો ‘થોડો’ શબ્દ કવિની નમ્રતાને સૂચવે છે. કોઈ વિશિષ્ટ ઘટનાને અનુનયપૂર્વક સૂચવવાની કવિની એ લાક્ષણિક રીત હશે. વન સાથેની તદ્રૂપતા આકારિત થવા લાગે છે-
પ્હાડોના હાડ મારા પિંડમાં ને
નાડીમાં નાનેરી નદીઓનાં નીર;
છાતીમાં બુલબુલનો માળો ને
આંગળીમાં આદિવાસીનું તીણું તીર;
રોમ મારા ફરકે છે ઘાસમાં…
આ ગીત સંદર્ભે કવિએ એક વાર પોતાની સર્જનપ્રક્રિયાની વાત કરતાં કહેલું આ ગીત કેવી રીતે આવ્યું? ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ એ પંક્તિ આવી ગઈ. પણ પછી કાવ્ય આગળ ચલાવવું કેવી રીતે? શરીરના હાડ ઉપરથી પહાડ, પહાડ મજબૂત એટલે ‘પહાડોના હાડ’ બંધ બેસી ગયું. પછી એ રીતે શરીરની નાડી સાથે નદીના જળપ્રવાહની વાત સંકળાઈ. છાતીની બખોલને બુલબુલનો માળો કહેવાનું મન થયું. આંગળી ઉપરથી આદિવાસીનું તીણું તીર યાદ આવ્યું. આ રીતે કાવ્યમાં શબ્દો સ્ફુરતા ગયા. બધું ગોઠવાતું ગયું. આ રીતે કાવ્ય સર્જાયાની વાત કવિએ કરી. આ ગીતની રચનાપ્રક્રિયાની વાત કરીએ તો તેમાં ઉપમેય અને ઉપમાન બંનેનું સમરેખ સાહચર્ય જોવા મળે છે. ગીત જ્યારે અમુક ભાવવળાંક પાસે આવે છે ત્યારે ઉપમેય-ઉપમાનની સંગતિ તૂટે છે:
સૂરજનો રંગ મારાં પાંદડાં પીએ ને
પીએ માટીની ગંધ મારાં મૂળ.
’મારાં પાંદડાં’, ‘મારાં મૂળ’નો અનુભવ દ્વૈતોને દૂર કરી અભેદના રસાયણમાં ઠરે છે.

‘વેરાન’ કાવ્યમાં બાર વરસને અંતે પોતાના ગમનું અવલોકન કરી કવિ ઊંડી વ્યથા અનુભવે છે. ગામનું નામ જ બદલાઈ જાય છે. આંગણામાં ઊભેલો વગડો ઊગમણી દિશામાં ટેકરીઓની સોડે લપાઈ ગયો છે. તેની સાથે કલરવમાળા, સૂરજિયો અંધાર, ધૂંગામાં સૂતાં’તાં એ શિયાળવાં, રાનબિલાડાના ડોળામાં ફરતા તેજ કુંડાળાં, ચટાપટાવાળા સાપલિસોટા, – એ બધો વૈભવ પણ અદ્ર્શ્ય થાય છે. એટલામાં કઠિયારાની કુહાડીના ટચકા કવિને સંભળાય છે. વૃક્ષ કડડ કરતું પડે છે. કપાઈને જમીનદોસ્ત થતા વૃક્ષની સાથે કવિનું સ્વ પણ ઊખડી પડે છે. વગડો વેરાન થવાની સાથે કવિચેતના પણ શૂન્ય બની જાય છે. જો કે ધીમે ધીમે વન વતન અને આદિમતાનો આવેગ કવિતામાં ઓસરવા લાગે છે. હવે આવા ઉદગારો સાંપડે છે
હું અને વગડો
હવે ક્યારેક ક્યાંક
સામસામા મળી જઈએ છીએ ત્યારે
ચિરપરિચિતોની જેમ ભેટી પડીએ છીએ;
અપરિચિતોની જેમ અતડા રહીએ છીએ-

મોસમ પ્રેમની – કવિ શ્રી. તુષાર શુક્લ February 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , , ,
13 comments

હજુ ગયા રવિવારે વેલેન્ટાઈન દિવસ બધાંએ ઊજવ્યો અને કેટલાય “આઈ લવ યુ” હવામાં ગુંજ્યા હશે. પણ આ પ્રેમની મોસમ એક દિવસ માટે મર્યાદિત નથી. આ મોસમ તો બારે માસ સદાબહાર હોય છે. પ્રેમ તો વાતો, ગીતો, અનુભવ, મિલન, વિરહ, વેદના, હસવું, રડવું, રડાવવું, મનાવવું એવી રોજરોજની જીવનની ઘટના સાથે જોડાયેલ છે. પ્રેમની કબૂલાત માટે આજકાલ “આઈ લવ યુ” વાક્ય બહુ હાથવગું હોય છે. એ વાક્યને સમજાવતું કવિ શ્રી. તુષાર શુક્લનું એક સુંદર ગીત આજે તમારી સાથે માણીને તમારા તરફનો મારો પ્રેમ વ્યક્ત કરું છું. ગીતનું સ્વરાંકન શ્રી. ગૌરાંગ વ્યાસનું છે અને કંઠ દીપ્તિ દેસાઈનો છે. (શબ્દો ગીત સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલ હોય તો જણાવશો).

આમ જુઓ તો સીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

આઈ હંમેશાં  કેપિટલ છે આઈ એટલે હું
પહેલાં આવે આઈ હંમેશાં સૌની છેલ્લે યુ
શાનમાં સમજી લીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

આઈ અને યુ ની વચ્ચે છે લવ નામનો સેતુ
એજ બેઉને જોડી રાખે એજ જીવનનો હેતુ
આ સૌ સમજી લીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ…

પડવાનો નહીં ઊડવાનો છે સંદેશો આ લવમાં
આંખો સાથે પાંખો ખૂલે પ્રેમ તણા અનુભવમાં
સમજી વિચારી કીધું છે આ
કહેનારાએ કહી દીધું છે આ
આઈ લવ યુ

સ્વર્ગસ્થ કવિ શ્રી. રાવજી પટેલ વિષે February 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
16 comments

હમણાં એક બ્લોગ પર કવિશ્રી સ્વ. રાવજી પટેલના સાહિત્ય પ્રદાનના વખાણ કરનારની આ કવિ વિષેની બિનજાણકારી એ મજાક અને ચર્ચાનો વિષય બન્યો હતો. કોઈપણ સાહિત્યકાર, કલાકાર કે પ્રખ્યાત વ્યક્તિના જન્મદિવસ કે મરણદિવસ કે તેમની હયાતીપણાની જાણકારી એ વિશિષ્ટ જ્ઞાન માગી લે છે. અને દરેક વ્યક્તિને એ જ્ઞાન હોય જ એ જરૂરી નથી. અને આ જ્ઞાન એ સામાન્ય જ્ઞાનની પરિભાષામાં આવતું નથી. અને જીવિત કે મૃત વ્યક્તિના વખાણ કરવા કે એમણે કરેલાં કાર્યના અભિનંદન આપવા એમાં ખોટું શું છે?

સામાન્ય જ્ઞાન એટલે કે common sense નું અર્થકરણ નીચે પ્રમાણે છે.

Common sense – Noun

Sound practical judgment that is independent of specialized knowledge, training, or the like, normal native intelligence.

આ પોસ્ટ મૂકવાનો આશય કોઈનું પણ અપમાન કરવાનો નથી. પણ મારી પાસે એક પુસ્તક છે એમાંથી સ્કેન કરીને એમના વિષે થોડી માહિતી અને એમનાં બે કાવ્યો એમના પોતાના હસ્તાક્ષરમાં અને એમની બે ગઝલ અહીં રજૂ કરું છું. તે પહેલાં એમનું અમર ગીત “મારી આંખે કંકુનાં” સાંભળો.

અહીં ક્લિક કરો શ્રી. રાવજી પટેલ વિષે શ્રી. રઘુવીર ચૌધરીના પોતાના અનુભવ “રાવજી એટલે રાવજી”

બે ગઝલ – કવિશ્રી. સ્વ. રાવજી પટેલ 

૧.
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
લ્યો ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે – થાકી ગયાં.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.

૨.
કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

શું થશે? February 6, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , , ,
14 comments

શું થશે?

નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?

મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?

સદા નડે માર્ગ મધ્યે પ્હાણ તું!
તનેજ બસ ટોકવાથી શું થશે?

ભરાવવો હોજ તો છે દૂધથી!
સફેદ જળ ઢોળવાથી શું થશે?

નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?

કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?

નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?

– જગદીશ ક્રિશ્ચિયન નવેમ્બર ૧૫, ૨૦૦૯
છંદ વિધાન: લગાલગા ગાલગાગા ગાલગા

%d bloggers like this: