jump to navigation

શબ્દ, સંગીત અને સૂર-સ્વર નો સમાગમ – चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ…. April 23, 2019

Posted by jagadishchristian in ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
add a comment

જુલાઈ ૧૮, ૨૦૧૦ ના દિવસે “સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર” નામે એક લેખ અહીં પ્રકાશિત કરેલો. અમદાવાદ ખાતે ૨૦૧૦ ના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન રથીનનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એપ્રિલ ૧૮, ૨૦૧૯ ના મુંંબઈ સમાચાર ના લાડકી મેેેગેજીનમાં હૈયાનેે દરબાર નામની કોલમમાંં શ્રી. નંદિની ત્રિવેદીએ આ શબ્દ, સ્વરાંકન અને સૂર-સ્વરનો મહિમા રજૂ કર્યો છે. 

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી એ વિડિયો પણ નીચે છે જે જોવાનું, સાંભળવાનું રખે ચૂકતા…… (જલસો ના સૌજન્ય થકી…)

જો વાંચવામાં તકલીફ પડે તો અહીં ક્લિક કરી PDF ફોર્મેટમાં વાંચી શકાશો….

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહી
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાંં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે

મુંબઈ સમાચાર – લાડકી – હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

ચૈત્રી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય અથવા નિ:સ્તબ્ધ ચાંદની રાતે સ્મરણોએ મન પર કબજો લઇ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ગઝલ સાંભળવી એ મારે માટે જાતને મળવાનો અવસર છે. આંસુની સાથે બધાં દુઃખો વહાવી દઈને સાવ હળવા અને નિર્ભાર થઈ જવાનો પ્રયાસ એટલે ગઝલ. યોગાનુયોગે આજે પૂનમ છે. તપ્ત તન-મન પર ચાંદની સુંવાળો લેપ કરશે. પરંતુ, વિરહી નાયિકાનું મન તો યાદોમાં ખોવાયેલું છે. એના વ્યાકુળ હ્રદયમાંથી શબ્દો સરી પડે છે…

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી…

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! આવો પ્રયોગ અન્ય ભાષામાં થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. ગઝલ એ બહુ નાજુક કાવ્યપ્રકાર છે. એની વ્યાખ્યા ભલે પરમેશ્વર અથવા તો પ્રિયતમા સાથેની વાતચીત હોય પરંતુ, ખરેખર તો જાત સાથેનો જ સંવાદ હોય છે.‌ ગઝલ સાંભળતી વખતે આપણે જ આપણી જાતને એમાં ઓગાળી દેતાં હોઈએ છીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાની પ્રથમ હરોળની ગાયિકા હિમાલી વ્યાસ-નાયકના કંઠે ભગવતીકુમાર શર્મા લિખિત આ અદભુત ગઝલ સાંભળી ત્યારથી મન પર હાવી થઈ ગઈ છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે. ભગવતીભાઇએ ગઝલમાં અવનવા પ્રયોગો કર્યા છે. એમણે ક્યારેક આખે આખો શેર અંગ્રેજીમાં આપ્યો છે જેમકે આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ કમ્પ્યુટરાઈઝ્ડ વર્લ્ડ.‌ હિન્દી-વ્રજ અને ઉર્દૂનો પ્રયોગ કરીને એમણે લખ્યું છે;

જબ સે ગયે હૈ છોડ કે સાજન બિદેસવા, કજરી સૂની સૂની, સુમસામ નેજવાં…!
દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો ;
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
ભગવતીભાઈની ગઝલો પરંપરા, સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે.

ગઝલના શેરોમાં પ્રેમ, પ્રેમમાં એકરાર-ઇનકાર, પ્રણય મુગ્ધતા, નિષ્ફળતા, પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે. ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી. એમાં લાઘવ, ઊંડી દાર્શનિકતા જોઈએ, મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ. ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ. હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનીયત. ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે.‌

આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન. ખૂબ જ મીઠી અને હ્રદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે.‌ અમેરિકામાં ‘ચલો ગુજરાત’ દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું પરંતુ, એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી. વ્યવસાયે બાયોટેક કન્સલ્ટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક, ઉપાસક જ નહીં, પ્રસારક પણ છે. અમેરિકામાં રહીને ગરબા, સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે. સંગીતની વિધિવત્ તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદ્રશ નમૂનો છે આ ગઝલ. ઉ. ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે. પછી તો રાગ બાગેશ્રી-રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે. પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય.

“આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે?” રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે.

“મા-બાપે થિયેટર, મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું. હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી પરંતુ, જરૂર કહી શકું કે મારી ‘સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન’ બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે. ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા-મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમસંગીતનો માહોલ હતો.‌ આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઇ, પરેશ ભટ્ટ, શ્યામલ-સૌમિલ મુનશી, નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું.‌ મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇએનટીના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે. કવિતા હું એવી પસંદ કરૂં જેમાં દ્રશ્ય હોય, તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય. સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ, મૂડ, તાલ પોતાની રીતે શોધી લે છે. હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે. ચાંદ સે લિપટી…ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં. મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી.‌ ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો.‌ આ ગઝલ સૌપ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યારબાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.‌ સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું. ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જમેન્ટમાંથી મને ઘણી પ્રેરણા મળે છે.”

હિમાલી વ્યાસ-નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે.

ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યૂઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં ૧૫ વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે.‌ ૧૨થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ ‘કાચિંડો’માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી… નામનું સરસ ડ્યુએટ ગાયું છે. આ ગઝલ વિશે હિમાલી કહે છે, “૨૦૧૫માં ‘ગ્લોરિયસ‌ ગુજરાત’માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી. શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારીબાપુના ‘ગઝલ સપ્તાહ’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી. રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે.‌ વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર, હૈ ઝમીં બંજર… એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે.‌ દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે. કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં. ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના‌ યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે.” વાહ, આફરીન આફરીન!

આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.‌ પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે મુંબઈ સમાચારના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે.‌ “લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો. એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા. 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર-શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા.‌ આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે, એ વખતે હું ખૂબ નાની હતી પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું. આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું.‌ એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે, બેશક, એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય.‌ ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી.‌ એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય.‌ ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ-રાઈટ કરવાની મહેનત હું કરું. બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો પરંતુ એ હંમેશા કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં. લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં!”

આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા, પુરસ્કૃત નવલકથાઓ ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા. ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે. આજની ગઝલ જોકે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે.‌‌ પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે.‌ એમની આ ગઝલનો શેર સાંભળો ;

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે
તળેટીથીયે શિખરે પહોંચવું છે
કોઈ રીતે સમીપે પહોંચવું છે
‘હું’-’તું’-‘તે’ ના અભેદે પહોંચવું છે…!

તેમની આ પઝલગઝલ, અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે.‌

આમ, એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત-ગઝલ રચાયાં છે અને ગવાયાં છે! આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે. બસ, એમણે આપણું જ ગુજરાતી-ગર્વીલુ સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે.

*****

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી

કવિ : ભગવતીકુમાર શર્મા
સંગીતકાર : રથિન મહેતા
ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

“સૂરસફર” ની યાદગાર સફળતા બાદ “સૃજના” યોજે છે “શબ્દસંગત” – શ્રી. કૃષ્ણ દવે સાથે ગીત-ગઝલની મસ્તીભરી સાંજ November 20, 2014

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ.
Tags: , , , , , , ,
add a comment

We would like to bring a superb end to our shows for the year 2014 by presenting a unique “Shabd Sangat” with our own Mr. Krushna Dave.​

Cordially we invite you to attend a special evening “Shabda Sangat” with a well known Poet Mr. Krushna Dave from Gujarat, India along with our home grown creative Poets. Please try to bring all Family members, Friends and support this event at your best. Details are given in this flyer, if you need to have more details please feel free to ask any of these contact number.

Hope to receive wonderful support from all of you.

Srujana Shabda sanget Flyer

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 28, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગઝલ, સંગીત.
Tags: , , ,
add a comment

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

 

FinalNayanPancholi

 

તારીખ: શનિવાર, ઑગસ્ટ ૧૬, ૨૦૧૪

 

સમય: સાંજના ૮ વાગે

 

સ્થળ: ટીવી એશિયા ઓડિટોરિયમ
૭૬ નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સી

 

પ્રવેશ ફી: ફક્ત ડોલર – $8.00

 

તો જરૂર આવો અને આપના મિત્ર સગાં સંબંધીઓને પણ જણાવજો અને લેતા આવજો.

આદમથી ઓબામા સુધી! February 17, 2014

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags:
2 comments

Image

આદમથી ઓબમા સુધી!

 

ફળ ખાવું ના ખાવું મૂંઝવણ આદમથી ઓબામા સુધી!
વિચલિત થઈ ખાધા નું ભારણ આદમથી ઓબામા સુધી


રાજા હો કે ઘરનો રામો સૌ છે સરખા જોગી ભોગી
જીવનમાં આવે છે અડચણ આદમથી ઓબામા સુધી


આમ જુઓ તો નમણું નાજુક દિલ તો પાગલ છાનું માનું
ખોવાતું વીના કોઈ કારણ આદમથી ઓબામા સુધી


શૂળી પર લટકાવી ખીલા ઠોકે છે સૌ રોજ ઈસુને
તો પણ કરતો આવ્યો તારણ આદમથી ઓબામા સુધી


માંહી પડ્યા તે મ્હાસુખ માણે દેખણહારા દાઝે જોને
સદીઓથી સરખું બંધારણ આદમથી ઓબામા સુધી


અપરાધી કે આતંકવાદી દસ મારો દસ થાય ઊભા
સારા નરસાની અથડામણ આદમથી ઓબામા સુધી


ચાહો સૌને ખુદની માફક ‘જગદીશે’ તો કહ્યું સહુને
ધરતા કાને કોણ શિખામણ આદમથી ઓબામા સુધી?

જગદીશ ક્રિશ્ચિયન  ડિસેમ્બર ૨૦૧૩

છંદવિધાન – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા

AdamthiObamasudhi

રિસાયા! July 18, 2013

Posted by jagadishchristian in ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
8 comments

પ્રિય મિત્રો,

આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. આશા છે આપને ગમશે. આપની ટકોર અને ટિપ્પણી આવકાર્ય છે.

Risaya

શકાય છે! June 17, 2013

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
11 comments

મિત્રો,

ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..

Shakaaychhe

માર્ગ મળશે હે હ્રદય – જનાબ ગની દહીંવાલા – શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાય December 5, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , ,
6 comments

ઘણા સમયથી જનાબ ગની દહીંવલાની એક ગઝલ જેનું સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના શહેનશાહ શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું છે, અને એ ગઝલ એમણે ગાઈ છે પણ ખરી, એને આપ મિત્રો સાથે માણું. આજે એ દિવસ આવી ગયો લાગે છે. ઇન્ટરનેટ પર તપાસી લીધું કે કોઈએ આ ગઝલ ક્યાંય રજૂ કરી છે કે નહીં. અને ક્યાંય આ ગઝલ મળી નહીં સિવાય કે એકાદ શેરનો ક્યાંક ઉલ્લેખ થયો હોય. શબ્દો ગઝલ સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલચૂક હોય તો અવશ્ય જણાવજો.

૨૦૦૧ ની સાલમાં શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયના અનમોલ આલબમમાં આ ગઝલ છે. જેની ઑડિયો રજૂ કરું છું. આજ ગઝલ એમણે ૭૫ (ઑગસ્ટ ૧૫ ૨૦૦૯ ના દિવસે) વર્ષની ઉંમરે સપ્ટેમ્બરની ૧૨ ૨૦૦૯ના દિવસે એક ખાનગી બેઠકમાં ગાયેલી, જેમાં હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડેલું તો એની વિડિયો પણ આ સાથે રજૂ કરું છું.

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો બેઉ ગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને 
જૂજવા મૃગજળ જતાં તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– જનાબ ગની દહીંવાલા

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
43 comments

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે. 

  

 

પુનર્જન્મ August 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
24 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.    

પુનર્જન્મ!

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો

ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો

ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો

મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો

બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો

કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો

મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો

બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો

ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો

ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો

બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો

આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો

– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા

પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ

 

મારા સાળાએ હમણાં જ મોકલેલ બર્થડે કાર્ડ-૨૦૧૦ નો જગદીશ

સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર July 18, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
6 comments

હાર્મોનિયમ પર રથીન મહેતા અને સાથે ઐશ્વર્યા મજમુદાર

મારી આગળની પોસ્ટ “આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં” ના સંદર્ભે ઘણા બધાં મિત્રોએ મુલાકાત લીધી એના માટે હું બધાંનો આભારી છું. બ્લોગ પર પ્રતિભાવ આપી અભિનંદન આપ્યા એ મિત્રો અને શુભેચ્છકોનો અને મને સીધી ઇમેલ કરી શુભેચ્છા આપનારા બધા મિત્રોનો પુરા દિલથી આભાર માનું છું. દરેકને વ્યક્તિગત જવાબ નથી આપી શક્યો એનો અફસોસ છે. ઘણાં વડીલોના આશીર્વાદ પણ મળ્યા એમને પ્રણામ.

સપ્ટેમ્બર ૧૯ ૨૦૦૯ ના દિવસે એક પોસ્ટ મૂકી હતી જેમાં મેં જણાવ્યું હતું કે છેલ્લા થોડા વરસથી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત સમાચાર અને સમન્વય ના સહયોગથી કાવ્યસંગીત સમારોહનું આયોજન કરવામાં આવે છે. ૨૦૦૮ ના કાર્યક્રમ દરમ્યાન એક નવો અવાજ સાંભળવા મળેલો અને ગમી ગયેલો તે શ્રી. ઓસમાન મીર. આ વરસના ફેબ્રુઆરીમાં કાર્યક્રમ થયો એમાં એક અલગ સમન્વય જોવા મળ્યો. પ્રખ્યાત ગઝલકાર શ્રી. આદિલ મન્સૂરીના ૬૦ મા જન્મદિવસની ઉજવણી અને તેમના પુસ્તક “મળે ન મળે” નું વિમોચન કરવા ૧૮ મે ૧૯૯૬ ના દિવસે એડિસન ન્યુ જર્સી ખાતે ગઝલ મહેફિલ ‘૯૬ નામના એક કાર્યક્રમનું આયોજન થયેલું. એ કાર્યક્રમ દરમ્યાન એક સ્થાનિક યુવાન કલાકારને સાંભળીને દિલ ખુશ થઈ ગયેલું – રથીન મહેતા. તેઓ સારા કંઠના માલિક તો છે જ અને એટલાં જ મધૂરાં સ્વરાંકન પણ કરે છે. ત્યાર પછી ઘણા કાર્યક્રમ દરમ્યાન તેમને સાંભળવાનો મોકો મળ્યો અને મન ભરીને માણ્યા છે. હમણાં “સ્વર્ણિમ ગુજરાત ઉત્સવ” દરમ્યાન રથીન સાથે મુલાકાત થઈ અને આ કાર્યક્રમમાં શ્રી. ઓસમાન મીર આવવાના હતા પણ આવી ન શક્યા એનો રંજ મેં બતાવ્યો. ત્યારે તેમણે જણાવ્યું કે આ વખતના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન તેમનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. મને પુષ્કળ આનંદ થયો. મારા ગમતા આ બે કલાકારનો સમન્વય સાંભળવો જ પડશે. તો તેમણે એક નાની ઝલક આપતી વીડીઓ ક્લિપ મોકલી આપી છે. તો માણો કવી શ્રી. ભગવતીકુમાર શર્માની ગઝલ જેનું સ્વરાંકન રથીન મહેતાનું છે અને સ્વર શ્રી. ઓસમાન મીર. આ ગઝલની એક ખાસિયત એ છે કે શેરનો પહેલો મિસરો હિન્દીમાં અને બીજો મિસરો ગુજરાતીમાં.

આ કાર્યક્રમનો અહેવાલ ગુજરાત સમાચારમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.