jump to navigation

‘શ્વેતા’ ગુજરાતી લઘુ-નવલ – શ્રી. પ્રવીણ શાસ્ત્રી, ન્યુ જર્સી September 18, 2011

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
9 comments

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રી સાથે ગુજરાત દર્પણ માસિકના તંત્રી શ્રી. સુભાષ શાહ

‘શ્વેતા’


એક સમૃધ્ધ અને સંસ્કારી કુટ્મ્બની સુશિક્ષિત પુત્રવધૂ. ?
શું એ કુંવારકા છે?…… સધવા કે વિધવા છે?……. એ પ્રણયપ્યાસી શ્વેતા કોનો પ્રેમ પામશે?
પરાણે પરણવેલા પતિ અક્ષયનો? … …..…ડાર્ક, ટોલ અને હેન્ડસમ કેપ્ટન મલ્હોત્રાનો?….. ઓન્કોલોજિસ્ટ ડોકટર રાજુનો?….. આકર્ષક યુવાન નિકુળનો કે પછી એસ.આર.એસ સર્જન ડોક્ટર ડોક્ટર આદિત્યનો?
એસ.આર.એસ સર્જરી એટલે શું?
પોતાના પુરુષાર્થ અને બુધ્ધિબળથી સંપત્તિવાન બનેલા સુંદરલાલ શેઠને
અક્ષય અને આદિત્ય સાથે શું સંબંધ?
દેશ વિદેશના વિશાળ ફલક પર અજ્ઞાત દિશામાં વળાંકો લેતી ઘટનાત્મક અને આઘૂનિક નવલકથા એક સોપ ઓપેરા છે.
પુરી વાંચ્યા પછી જ એ વાચકોના હાથમાંથી નીચે મુકાશે એની ખાત્રી છે.
વસાવો…વાંચો… અને મિત્રોને વંચાવો
વાર્તાકાર પ્રવીણ શાસ્ત્રીની વહેતી વારતા “શ્વેતા”.
અથવા
સુખી, સમૃદ્ધ પરિવારમાં આનંદમય ભાવિનાં સ્વપ્ન આખમાં આંજી પ્રવેશેલી નવવધૂના અરમાનો પર થતો કુઠારાઘાત, છકેલા અને વંઠેલા પતિ સામે અકલ્પ્ય મનોબળથી ઝઝમતી નવવધૂ અને સંસ્કારરત પરિવારનું સાંપડ્તું સમર્થન વાચકને નિરાશા વચ્ચે પણ આશ્વસ્ત રાખે છે. વાત વહેતી રહે છે અનેક વળાંકો સાથે, છિન્નભિન્ન જીવન ગોઠવાતું લાગે ત્યાં તો નાયિકાના મનોરથ પર પ્રસંગચક્ર ફરી એકવાર ફરી વળે. વિધિનું વૈચિત્ર્ય નિકુળને જાતિપરિવર્તનને માર્ગે વાળે અને વળી પાછી નાયિકા માટે નવી દિશા ઊઘડતી દેખાય.
આ સુખાંત પણ નવા આશ્ચર્યથી વધુ સુખદ બને અને વ્યક્તિ, પરિવાર તથા સમાજને આવરી લેતા આયોજનો સાથે વિરામ લે.

-ડૉ. હરિકૃષ્ણ જોષી. ભૂતપૂર્વ આચાર્ય (વી.ટી. ચોક્સી સાર્વજનિક કોલેજ ઓફ એજ્યુકેશન, સુરત)

આજે શનિવાર, સપ્ટેમ્બર ૧૭, ૨૦૧૧ ના દિવસે “ગુજરાત દર્પણ સાહિત્ય સભા” ના ઉપક્રમે શ્રી. પ્રવીણ શાસ્ત્રીની પ્રથમ લઘુ-નવલ ‘શ્વેતા’ ના વિમોચનનો કાર્યક્રમ એડિસનના ઓક ટ્રી રોડ પર આવેલા ‘ખુશ્બુ’ ભોજનાલયમાં યોજાયો હતો. ૧૫ સપ્ટેમ્બર, ૧૯૩૯ ના દિવસે સુરતમાં  જન્મેલા શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ૧૯૫૭ માં પહેલી નવલિકા ‘પાગલની પ્રેયસીઓ’ લખી જે ‘નવવિધાન’ સામયિકમાં છપાઈ હતી. ત્યાર બાદ ૧૯૬૮ માં લંડનમાં આવ્યા પછી એક એકાંકી ‘જુલીના ચક્કરમાં લંડન’ લખ્યું અને ભજવાયું પણ ખરું. અને ૧૯૭૦ માં અમેરિકા આવી સ્થાયી થયા અને ઘર-સંસારમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે વાંચવા-લખવાની ફુરસદ મળી જ નહીં. પણ એક વખત નિવૃત્ત થયા એટલે ૭૦ વરસની ઉમરે અંદર બેઠેલો વાર્તાકાર ફરી સળવળ્યો અને “ગુજરાત દર્પણ”ના તંત્રી શ્રી સુભાષ શાહ, “તિરંગા” ના તંત્રી શ્રી નીતિન ગુર્જર અને ગુજરાત દર્પણ સાહિત્ય પરિવારના બીજા ઘણાં સભ્યોના પ્રોત્સાહન થકી એમણે ફરી ટૂંકી વાર્તા લખવાનું શરૂ કર્યું. અને ટૂંકી વાર્તા લખતાં લખતાં એમના મનમાં એક નવલકથાનું બીજ રોપાયું અને એક વરસની અંદર એને શબ્દોના વાઘા પહેરાવી પ્રકાશિત પણ કરી દીધી. આ પુસ્તકની પ્રસ્તાવના એમના કોલેજકાળના મિત્ર અને હાસ્યલેખક શ્રી હરનિશ જાનીએ લખી છે.

આ કાર્યક્રમનું સંચાલન શ્રી કૌશિક અમીને સંભાળ્યું હતું. આજના આ કાર્યક્રમમાં “ગુજરાત દર્પણ” ના તંત્રી શ્રી સુભાષ શાહના હસ્તે પુસ્તકનું વિમોચન (લોકાર્પણ) કરવામાં આવ્યું હતું. તો માધવી દવે દ્વારા લેખકનો પરિચય આપી કથાબીજની સુંદર છણાવટ કરી હતી. તો ડો. નીલેશ રાણાએ શ્વેતાનું વૈદ્યકીય નિદાન કરાવ્યું હતું. ડો. અમૃત હજારીએ પોતાની આગવી શૈલીમાં વહેતી વાર્તાના વળાંકો પર પ્રકાશ પાથર્યો. “તિરંગા” ના તંત્રી નીતિન ગુર્જરે એમના માસિકમાં પ્રસિદ્ધ થયેલી વાર્તાઓની ટૂંકી ઓળખ સાથે ધારદાર પ્રતિભાવ આપ્યો. તો એમના કૉલેજકાળના મિત્ર ઉપેન વૈદ્ય અને હરનિશ જાની તરફથી લેખક સાથેના મૈત્રી સંબંધની વાતો જાણવા મળી. શ્વેતાના ચમકારા રજૂ કરી હંસાબેન જાનીએ આખી નવલકથા ધ્યાનપૂર્વક વાંચી છે એ પુરવાર તો કર્યું પણ હાજર રહેલાને વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા.

આખા કાર્યક્રમની સર્વોત્તમ પળ મને એ લાગી જ્યારે લેખકની અમેરિકામાં જન્મેલી પૌત્રી જીનાએ પોતાના દાદાની નવલકથાનો અંગ્રેજી ભાષામાં ટૂંક સાર રજૂ કર્યો. કાર્યક્રમના અંતમાં લેખકના જીવનસંગિની યોગિનીબેને હળવી રમૂજ સાથે આ નવલકથાના પ્રકરણોના ઉદ્ભવ દરમ્યાન એમના યોગદાનની વાત કરી હતી. અને એટલેજ આ પુસ્તક એમને અર્પણ કરાયેલ હોય એમ લાગે છે. આ કાર્યક્રમમાં પ્રવીણ પટેલ ‘શશી’, ચંદ્રકાંત દેસાઈ, ભાનુભાઈ ત્રિવેદી, મોહિત સુરા, શૈલેશ ત્રિવેદી અને જગદીશ ક્રિશ્ચિયન ઉપરાંત ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અન્ય સભ્યોની સાથે સાથે લેખકના પરિવારના સદસ્યો ઉપસ્થિત હતા. લેખકના પુત્ર કર્મેશ શાસ્ત્રીના આભારદર્શન બાદ શ્વેતાના લગ્નના સ્વાદિસ્ટ ભોજનનો લહાવો લઈ લેખક તરફથી સપ્રેમ મળેલી ભેટ એમની નવલકથાને બગલમાં દબાવી બધાંએ વિદાય લીધી.

લેખક શ્રી. પ્રવીણ શાસ્ત્રીને એમની આ પહેલી નવલકથા માટે ખૂબ ખૂબ અભિનંદન અને એમના લેખનનો લાભ આપણને મળતો રહે એવી અપેક્ષા.
નવલકથાની પ્રત મેળવવાનું પ્રાપ્તિ સ્થાન
ભારત – શ્રી. મહેશ ભટ્ટ – ૯૯૦-૯૪૦-૯૭૫૬ maheshg.bhatt@yahoo.com
અમેરિકા – યોગિની શાસ્ત્રી – ૭૩૨-૮૦૪-૮૦૪૫ shastripravinkant@yahoo.com
કિંમત – ભારતમાં રૂ. ૧૨૫ અમેરિકામાં $10.00.
મુદ્રક – ચિન્મય જોષી – શ્રી રંગ પ્રિન્ટર્સ સુરત – ૯૯૨-૫૫૧-૦૦૦૩ chinmayjoshi08@gmail.com

Y2K – 911 – નવા મિલેનિયમને મલિન કરતો ત્રાસવાદ. September 11, 2011

Posted by jagadishchristian in કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
2 comments

મારાં મમ્મી-પપ્પા, પત્ની અને પુત્ર - June 24, 1990 WTC in background

૧૯૯૮-૧૯૯૯ દરમ્યાન જ્યારે સહસ્ત્રાબ્દી (મિલેનિયમ) નો સમય નજીક આવતો હતો ત્યારે એક ભય અને ચિંતાનું વાતાવરણ ઊભું થયું હતું. યાદ છે ને તમને. અને ચિંતાનું કારણ હતું Y2K. આમ તો મુખ્ય ચિંતા કમ્પ્યુટરના પ્રોગ્રામીંગની હતી અને એને સંલગ્ન બધા આવિષ્કાર અને ઉપકરણની. બધા ચિંતિત હતા કે જ્યારે ૦૦ થશે ત્યારે આ બધા જ ઉપકરણો પોતાની ક્ષમતા ગુમાવી દેશે. અને આ બધાં જ ઉપકરણોનો ઉપયોગ આપણી રોજબરોજની જીંદગીમાં એટલો વણાઈ ગયેલ છે કે જો એ કામ કરતા બંધ થાય તો કેટલી તકલીફ ઊભી થઈ શકે એ તો કલ્પનાનો જ વિષય હતો. અને ૨૦૦૦ આવે તે પહેલાં દુનિયાના બધા જવાબદાર કાર્યકરોએ જરૂરી ફેરફાર કરી એ ભયને દૂર કર્યો. છતાં કેટલીય જગ્યાએ સમયાનુસાર ફેરફારના અભાવે થોડી મુશ્કેલીઓ થઈ પણ ખરી પણ એને પણ સુધારી લેવાઈ. આટલી મોટી આફતનો આપણે માનવજાત ભેગાં મળી એનો ઉપાય કરી શક્યા. કેટલા આનંદની વાત.
પણ આજ સમય દરમ્યાન શેતાની દિમાગ ધરાવતા મુઠ્ઠીભર લોકો દુનિયાને ત્રાસ આપવાનું ગોઠવી રહ્યા હતા. અને એમણે દિવસ નક્કી કર્યો સપ્ટેમ્બર ૧૧ ૨૦૦૧. જ્યારે આખી દુનિયા Y2K ના ભયમાંથી નીકળી આનંદોલ્લાસ કરી રહી હતી ત્યારે આ ટોળકી કાંઈક જુદું જ રાંધી રહી હતી. અને એમણે ત્રાસવાદી હુમલો કરીને સ્વતંત્રતા અને અમન-ચમન ને અસ્તવ્યસ્ત કરી નાંખી. આ ઘાના પ્રવિભાવ રૂપે જે પ્રતિક્રિયા અમેરિકા અને બીજા બધા દેશોએ આપી એનાથી આખા વિશ્વનું નાણાકીય તંત્ર ખોરવાઈ ગયું. બબ્બે યુદ્ધના ખર્ચ અને દેશની સુરક્ષા માટે વધારાનો ખર્ચ વગેરેના કારણે અમેરિકામાં મંદીના મોજાં ફરી વળ્યાં. AAA ક્રેડિટ ક્રમાંકથી પહેલી વખત નીચલા ક્રમાંકે જવું પડ્યું. દુનિયાના બીજા ઘણાં દેશોમાં પણ આ ત્રાસવાદી તત્વોએ નાના મોટા હુમલાઓ કરતા રહ્યા છે.
NEVER FORGET
સપ્ટેમ્બર ૧૧ ની યાદ થતાં આજે પણ હાથના રુવાડાં ઊભા થઈ જાય છે અને આંખમાં ભીનાશ અનુભવાય છે. એ ગોઝારા દિવસને યાદ કરતાં જનાબ ફરહત શેહનાઝની પ્રખ્યાત ગઝલનો મતલા યાદ આવે છે.

खुलेी जो आँख तो वो था ना वो जमाना था
दहेकतेी आग थेी तन्हाई थेी फसाना था

એ દિવસે ચાર વિમાન જે કેલિફોર્નિયા તરફ જવા રવાના થયા હતા પણ ન્યુ યોર્ક વોશિંગ્ટન ડીસી અને પેન્સિલવેનિયામાં ત્રાસવાદીઓએ આત્મઘાતી હુમલાઓમાં હોમી દીધા. એજ દિવસે સાંજે સાત વાગે ન્યુ યોર્કના યાન્કી સ્ટૅડિયમમાં રમાનારી ગેમની ચાર ટિકિટ મારી પાસે હતી જે વણ વપરાયેલ હજુ મારા સંગ્રહમાં છે. (જુઓ નીચે) અને આજે દસ વર્ષ પછી એજ સપ્ટેમ્બરની ૧૧ છે અને યાન્કી ન્યુ યોર્કથી દૂર કેલિફોર્નિયામાં આજની ગેમ રમશે. અને આજે ભારતીય ટીમ પણ ઈંગલેંડ સામે ચોથી વન ડે મેચ રમશે. અને બીજા દસ વર્ષ પછી નવા ટાવર ઊભા થઈ ગયા હશે અને આપણા બધાના સહયોગથી આ દુનિયાને ત્રાસવાદથી મુક્ત કરી શક્યા હોઈશું.

Four tickets for Yankees Game 09-11-2001

હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની September 6, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , ,
8 comments

પ્રિય મિત્રો,

સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.  

ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.

ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.        

શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.

Image from web.

Image from web.

હેજી એવાં કોરાં રે અષાઢ!

હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……

કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.