jump to navigation

આભાર

લગભગ ત્રણેક મહિના પહેલા મારા ભાણિયાએ (રાજ મેકવાન – ગરવાગુજરાતી.કોમ જેને ગુજરાતી બ્લોગજગત ઓળખતું જ હશે) વર્ડપ્રેસ અને ગુજરાતી બ્લોગની ઓળખાણ કરાવેલી. ત્યારથી અવાર-નવાર ઘણા બધા બ્લોગની મુલાકાત લીધી છે પણ ક્યારેય કોઈ ટીપણ્ણી કરી નથી. કારણ એટલું જ કે બ્લોગીંગની અનોખી અને આગવી મઝા માણવા માટે મારો બ્લોગ હોવો જોઈએ એવું મારું માનવું છે. આમ તો મારી પોતાની વેબસાઇટ તો છે જગદીશ ક્રિશ્ચિયન.કોમ પણ બ્લોગ શરૂ કર્યા પછી થોડું જાણતા, સમઝતા અને વાપરતા થોડો સમય લાગ્યો. પણ પ્રયત્ન કરીને જાણ્યું અને સમઝીને બ્લોગ શરૂ કરી દીધો. જાહેરાત કરી અને ઘણા બધા બ્લોગરોએ મુલાકાત લઈને મોંઘો આવકાર આપ્યો. ખૂબ ખૂબ આભાર.

પોતાની ઇચ્છા, શોખ, કૌશલ્ય, ઈશ્વરની કૃપા, જરૂરિયાત, જીવનનિર્વાહ, કૌતુક કે પછી પોતાના અહં, ઘમંડ, બીજાની બરાબરી કરવી, બીજાને નીચા બતાવવા એવા વિવિધ કારણસર દરેક વ્યક્તિ પોતાની આગવી કુશળતા દુનિયા સમક્ષ રજૂ કરવા માટે યુગોથી ઉત્સુક રહી છે. અને યુગોથી એના માટે નવી નવી યુક્તિઓ અજમાવતો રહ્યો છે. દુન્યવી સામાન્ય લોકો તો શું ઈશ્વર અને એની આજુ-બાજુ વાળા પણ એમાં અપવાદ નથી. બાઈબલની વાત કરીએ તો જુના કરારના ઉત્પતીના ગ્રંથ પ્રમાણે ઈશ્વરે પાંચ દિવસમાં આકાશ, પૃથ્વી, નભમંડળ, પાણી, પ્રકાશ, ઝાડ-વનસ્પતિ અને પશુ-પંખી બનાવ્યા અને ઈશ્વરને એ બધું સારું લાગ્યું. અને છઠ્ઠા દિવસે ઈશ્વરે પોતાના પ્રતિમૂર્તિરૂપ માણસ બનાવ્યો અને એને દુનિયા પર હકૂમત કરવા મૂકી દીધો.

કળાના પ્રદર્શનથી-ઉપયોગથી ફાયદો થઈ શકે છે તો નુકશાન પણ થઈ શકે છે. પેલા એકલવ્યની વાત તો આપણે બધા જાણીએ છીએ. પોતાની કળાનો ઉપયોગ કરી કૂતરાનું મોં બાણથી સીવી દીધું પણ પોતાનો અંગૂઠો ગુરૂદક્ષિણા તરીકે આપી બહુ મોટી કિંમત ચૂકવવી પડી. દ્રોપદીએ સ્વયંવર યોજી કળાના પ્રદર્શન માટે આહવન કર્યું. અર્જુન કામયાબ થયો પણ પોતાની પત્ની પોતાના ભાઈઓ સાથે વહેંચવી પડી. રાવણે પોતાની શક્તિ-કળા (ઈશ્વરની દેન) નો ગેરઉપયોગ કરી સીતાનું અપહરણ કર્યું તો ભગવાન રામે પોતાની યુદ્ધકળાથી સીતાની મુક્તિ કરાવી. વાલિયા લૂંટારાની કળા વખોડાઈ પણ વાલ્મિકીની કળા વખણાઈ.

આપણે બધા બ્લોગરો આપણા વિચારો અને લેખન-કળાનું અહિં પ્રદર્શન કરીએ છીએ. ક્યારેક વખાણ થાય તો ક્યારેક ટીકા થાય. ક્યારેક ખોટે ખોટા વખાણ થાય, શરમના માર્યા થાય, પૂર્વગ્રહના લીધે વખાણપાત્ર હોવા છતાં કોઈ પણ પ્રતિભાવ ના પણ મળે. શાળાકાળથી કવિતા લખવાની પ્રવૃતિ (શોખ) છે. ૧૯૮૫ માં દેશ છોડ્યો ત્યારે ત્યાં સુધીમાં લખેલી કવિતા અને વાર્તા ત્યાંજ છોડીને આવેલો. અમેરિકામાં એની જરૂર શું અને કેટલી એમ વિચારેલું. જ્યારે સમજાયું ત્યારે ઘણું મોડું થઈ ગયું કારણ એ બધું પસ્તી બની વેચાઈ ગયું અને કોઈનાં ભજિયાનું પડીકું બન્યું હશે. ખેર એમાંની એક કવિતા અક્ષરસહ યાદ આવી છે, વાંચો….

કહાણી !

પાણી જાણી
ગાગર તાણી!
છે નહીં પાણી
કે ગાગર કાણી ?
બની અજાણી
ફરી તાણી !
એજ માણી !
ન વર્ષાથી ભરાણી,
ન પ્યાસ બુઝાણી !
એજ કહાણી !!
– જગદીશ ક્રિશ્ચિયન

આ કવિતા યાદ આવવાનું એક કારણ છે. કદાચ ૧૦-૧૧ ધોરણ કે કૉલેજના પહેલા વર્ષ દરમિયાન આ કવિતા મેં “કવિતા” મેગેઝિનમાં છપાવવા માટે મોકલી હતી. માનનીય શ્રી. સુરેશ દલાલ ત્યારે એ મેગેઝિનના તંત્રી હતા. એકાદ-બે મહિનાની અંદર સાભાર પરતનો પત્ર મળ્યો. દુ:ખ તો બહુ થયેલું પણ શ્રી. સુરેશ દલાલની સહી વાળા પત્રથી આશ્વાસન મળેલું. હવે આજની આ જાંળાની (વેબની) દુનિયામાં પોતેજ લેખક, પ્રકાશક, મુદ્રક અને તંત્રી. સાભાર પરતના એ પ્રસાદથી તો બચી ગયા. મારી પહેલી નોંધ (post) ની નોંધ લઈ આવકાર, પ્રતિભાવ, પ્રશંસા અને સલાહ-સૂચન માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને અપેક્ષા રાખું છું કે ભવિષ્યમાં પણ મળતા રહેશે.

મને નાનપણથી ગાવાનો શોખ છે. મારા સીવાય પણ થોડા ઘણા માને છે કે હું સારું ગાઈ શકું છું. આપણા દેશામાં હતો ત્યારે સ્ટેજ શો કરેલ અને નવરાતના ગરબા પણ ખૂબ ગવડાવ્યા. તથા જે વાજિંત્ર હાથ લાગ્યું એને વગાડવાનો પ્રયત્ન કરી એકાદ ગીતની થોડી પંક્તિ તો વગાડી નાખતો. પણ હાર્મોનિયમ પર હાથ થોડો સારો ચાલ્યો. તો આ કળાના પ્રદર્શનરૂપે નીચેનો વીડિયો નિહાળો. ૧૨ એપ્રિલ, ૨૦૦૯ ઈસ્ટરની સાંજે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનની ઉજવણી માટે અમારું આખું કુટુંબ મારા ભાઈ કેતનના ઘરે એકઠા મળેલા ત્યારે થોડા ગીતો ગાયેલા એમાંનું એક.

 
       આજ પ્રભુના માનમાં ગાઓ કોઈ નવું એક ગીત,
અનુપમ એવાં કાર્યો કર્યાં, નિજ પુણ્યપ્રતાપે મેળવી એણે જીત.

        ધરતીના સૌ લોક, પ્રભુનો જયનારો લલકારો,
        તમે ભજન ને કીર્તન એનાં કંઠ ભરી પુકારો.
        સિતાર કેરા તાર તારને રહો તમે ઝંકારી,
        એના સૂરે સૂરે પ્રભુનાં કીર્તન રહો લલકારી.
        શરણાઈના સૂર વહાવો, શંખનાદ ફૂંકારો,
        રાજરાજેશ્વર પ્રભુની આગે જયજયકાર પુકારો.
        ગર્જી ઊઠે સાત સમન્દર ને ત્યાં સંચરનારાં,
        ગાઈ ઊઠે આ ધરણી આખી ને એમાં વસનારાં.
        નદીઓ હાથથી તાલ પૂરે ને શિખરો ગાન પુકારે,
        ધરતી ઉપર શાસન કરવા જાતે પ્રભુ પધારે.
        દુનિયા પર ને દુનિયા કેરી સહુ પ્રજાને માથે,
            ન્યાય ને ધર્મ કેરું શાસન પ્રભુજી કરશે સાચે.

આશા છે કે આજની આ આભારસ્તુતી તમને ગમશે.

Comments»

1. Joseph Parmar - July 10, 2009

Congratulation! Very good begining, Creative ideas, is the + point.
With blessed regards!
Papa & Mom

2. Fr. Ashok Vaghela - July 29, 2009

Hello Jagdish,
good to see you all singing with joy
my best wishes and prayers for your lovely efforts to bridge the gap with your blog and website.
peace
fr.ashok

3. Dr P A Mevada - July 1, 2010

Dear jagdishbhai,
Your Gazal and poetic story of ‘Chadio” are excellent, liked them.

4. Dr.Praduman Khachar - October 31, 2010

Khub saras. Thanks

5. shabbirgreen - February 7, 2012

ગીત અને ઉજવણી ગમ્યા.

6. Sandy - February 13, 2012

Shalom!!
Beautiful ester Eve ,,With joy and Happiness!! Wonderful Gathering With the Family!! May GOD bless you All.


Leave a comment