jump to navigation

ગુજરાત દર્પણ સાહિત્ય સભા – શ્રી. ચંદ્રકાંત દેસાઈ ના બે પુસ્તકોનું વિમોચન – સપ્ટેમ્બર ૧૬ ૨૦૧૨ September 18, 2012

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , ,
9 comments

રવિવાર સપ્ટેમ્બરની ૧૬ તારીખે ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અનુક્રમે માસિક સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય સભાના સૌ પરિવારજનો આ સભામાં પોતાની મૌલિક અને તરો-તાજી રચના (ગદ્ય કે પદ્ય) રજૂ કરે છે. આ સભાના આયોજક અને ગુજરાત દર્પણના તંત્રી શ્રી સુભાષ શાહ અને આ સભાના સંચાલક શ્રી. કૌશિક અમીન દરેક સભા દરમ્યાન જાણીતા ગુજરાતી સાહિત્યકારોને પણ આમંત્રણ આપતા હોય છે.

 

આજની સભામાં ગુજરાતથી પધારેલા બે વિખ્યાત સાહિત્યકારો આવ્યા હતા. કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ અને રણમાં ખીલ્યું ગુલાબ અને ડોક્ટરની ડાયરી કોલમના સર્જક તથા ઢગલાબંધ પુસ્તકોના લેખક અને કર્મે ગાયનેકોલોજીસ્ટ એવા ડો. શરદ ઠાકર.

 

સંચાલક શ્રી. કૌશિક અમીને સૌનું સ્વાગત કરતા આજની સભાનો દોર શરૂ કર્યો. અને સાહિત્ય સભાના પરિવારજનોને ક્રમવાર પોતાનો ટૂંકો પરિચય આપી પોતાની રચના રજૂ કરવામાં આમંત્રણ આપ્યું. આજની રજૂ કરવાની રચાનાનો વિષય હતો પાનખર. એક પછી એક સ્થાનિક રચનાકારોએ પોતાની કૃતિ રજૂ કરી. મેં પણ મારી એક અછાંદસ રચના રજૂ કરી. સમય-મર્યાદાને કારણે ઘણા સભ્યોએ પોતાની રચના રજૂ કરવાનું ટાળ્યું જેને બધાનો આવકાર મળ્યો. પરિવારના એક સદસ્ય જાણીતા નિર્માતા-નિર્દેશક અને નાટકકાર શ્રી. શૈલેશ ત્રિવેદીએ કોઈ રચના રજૂ ના કરી પણ તાજેતરમાં જ યોજાઈ ગયેલ ચાલો ગુજરાત ના ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલ મલ્ટી-મીડિયા શોની ટૂંકમાં માહિતી આપી જેના નિર્માણ અને રજૂઆતમાં એમનો બહુમૂલ્ય ફાળો હતો. આ કાર્યક્રમ માટે બાળક ગાંધીના પાત્ર માટે અહીં જ જન્મેલા અને ક્યારેય કોઈ નાટકમાં ભાગ ન લીધેલા કુશની પસંદગી થઈ અને પાંચ હજારની મેદની સામે એણે સુંદર અભિનય કરી બધાંનાં દિલ જીતી લીધાં હતાં. શ્રી. શૈલેશભાઈએ એની ઓળખાણ આપી તો બધાંએ એને તાળીઓથી વધાવી લીધો. કુશ એ ગુજરાત દર્પણના માલિક અને તંત્રી શ્રી. સુભાષ શાહના પુત્ર અને દર્પણના મેનેજીંગ તંત્રી શ્રી. કલ્પેશ શાહનો પુત્ર છે.

 

હવે સમય આવ્યો આજના મુખ્ય મહેમાનોને સાંભળવાનો. સંચાલક શ્રી. કૌશિક અમીને ડો. શરદ ઠાકરનો ટૂંકો પરિચય આપી એમને પોતાનું વક્તવ્ય આપવા આમંત્રણ આપી વિનંતી કરી કે તેઓ પોતાના પુસ્તક સિંહપુરૂષ વિષે વિસ્તૃત વાત કરે. ભારતની આઝાદીની લડાઈનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તે એકતરફી છે અથવા અધૂરો છે એવી એમણે રજૂઆત કરી. સિક્કાની બીજી તરફની વાતો એમણે આ પોતાના પુસ્તક સિંહપુરૂષમાં રજૂ કરી છે. એમના વક્તવ્ય પછીની પશ્રોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો. કેટલાક પ્રશ્નો એમને અકળાવી ગયા હોય એવું લાગ્યું. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગને પોતાની દ્રષ્ટિથી જોઈને સમજવી એ આપણો અધિકાર છે પણ બીજાની દ્રષ્ટિકોણનો પણ અભ્યાસ કરવો જોઈએ અને જરૂર પડ્યે આપણી પોતાની સમજને પરખવી જોઈએ. આઝાદી કે સ્વતંત્રતા મેળવવા માટે બધા પ્રયોગો થતા હોય છે એને યોગ્ય-અયોગ્યની ચારણીથી ગાળીએ તો અહિંસા એ અતિ ઉત્તમ પ્રયોગ છે.

 

બીજા અતિથિ  પોતાનું વક્તવ્ય આપે એ પહેલાં જાણીતા સાહિત્યકાર અને આ સાહિત્ય સભાના અગ્રણી શ્રી. ચંદ્રકાંત દેસાઈના બે પુસ્તકનું વિમોચન કરવાની જાહેરાત થઈ. આજના અતિથિ  વિશેષ શ્રી. ધીરુભાઈ પરીખ અને ડો. શરદ ઠાકર ના હસ્તે સાગરનાં મોતી (મુક્તક સંગ્રહ) અને નથી એક જ માનવી (કાવ્યસંગ્રહ) નું તાળીઓના ગળગળાટ વચ્ચે વિમોચન કરવામાં આવ્યું.

 

હવે સમય હતો બહુમુખી પ્રતિભાના માલિક અને ઉમદા વક્તા કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ ના ઉદબોધનનો. નીચેના વિડીયોમાં પુસ્તકનું વિવેચન અને એમનું થોડું વક્તવ્ય સાંભળી શકો છો.

 

 

અંતમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ એ પોતાના વિમોચિત પુસ્તકમાંથી થોડાં મુક્તકો અને કવિતાઓ રજૂ કરી. સાંજના નવ વાગે સંચાલક શ્રી. કૌશિક અમીને બધાંનો આભાર માની ભોજન માણવા બધાને આમંત્રણ આપ્યું.

 

આજના આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતી બ્લોગ દ્વારા બનેલા મિત્ર અને પાલનપુરના ગઝલકાર શ્રી. મનહર મોદી (મન પાલનપુરી) ને મળવાનો મોકો મળ્યો તો બહુ જ આનંદ થયો. તેઓ હજુ બે મહિના અહીં જ છે તો ફરી મુલાકાત કરવાના વાયદા સાથે છુટા પડ્યા.

This slideshow requires JavaScript.