jump to navigation

પાંચ હાઈકુ November 27, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: , , , , ,
6 comments

(૧)
તૂટે સપના
પથરા પર પાણી
આંખ ખોલી જો!

(૨)
તમારી યાદ
જીંદગી બરબાદ
તમે આબાદ!

(૩)
પાંખ પસારું
ગગન છે સાંકળું
શું કરું હું શું?

(૪)
ખાલી બોતલ
તૂટી ગયો ગલાસ
તૃષા અધૂરી!

(૫)
ઢળતી સાંજ
ઊંચું લોહી દબાણ
કશે સવાર?

– જગદીશ ક્રિશ્ચિયન

અરુ અને સંજુ November 20, 2009

Posted by jagadishchristian in મારી વાર્તા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
6 comments

આજે ફરી એક વાર્તા લઈને આવ્યો છું. પોતાનો દેશ છોડી અમેરિકા આવી પોતાની સંસ્કૃતી અને સામાજિક મૂલ્યો સાચવવાની અને નવી સંસ્કૃતિ કે વિચારધારા સ્વીકારવાની કશ્મકશને સાર્થક કરવી એ બહુ અઘરી પરીક્ષા છે. ભાષા એ સૌથી પહેલા હાથવગી થતી હોય છે. અને એટલે અંગ્રેજી ભાષાનો વધારે ઉપયોગ કર્યો છે પણ સામાજિક સંકુચિતતા સંસ્કૃતિનો ચહેરો પહેરી પ્રેમ અને લાગણીની કત્લ કરે છે અને તોય ગુનો નથી બનતી એ અસહ્ય વાસ્તવિકતા છે, જેને રજૂ કરવાનો પ્રયાસ છે. ટેકો અને ટીકા આવકાર્ય છે. 

અરુ અને સંજુ! 

 

જાન્યુઆરીના અંતની એક સમી સાંજે (ખરેખર તો રાત કહેવાય) હું બીક્યુઈ પર થઈને જેએફકે એરપોર્ટ તરફ ડ્રાઈવ કરી રહ્યો હતો. આમ તો ઘરેથી વહેલો જ નીકળ્યો હતો, કારણ કે ફોરકાસ્ટ હતું કે સ્નો પડવાનો છે. આ કેનાલ સ્ટ્રીટ, વરસના ગમે તે દિવસે આવો, બસ ભરચક! પસાર કરતાં ચાળીસ મિનિટ થઈ. કારનાં વાઈપર સ્નો ફ્લરીઝને સાફ કરી રહ્યાં હતાં, પણ રસ્તો એકદમ સ્લગીશ હતો! ૧૦૧૦ વીન પર દર વીસ મિનિટે આખું વર્લ્ડ સાંભળી થાક્યો! બસ એક વાત નક્કી થઈ ગઈ કે ભલે ફ્લાઈટ ચૂકી જવાય કે ફ્લાઈટ કૅન્સલ થાય, મારી આજની સાંજ કહો તો સાંજ અને રાત કહો તો રાત, બહુ લાંબી અને પેઈનફૂલ હશે. સીડી કેસ ફેંદતાં પૂર્વીએ આપેલી સીડી મળી. તેના દુ:ખને વાચા આપતાં ગીતોની બે સીડીમાંની એક. છેલ્લા દોઢ મહિનાથી મેં તેને મળવાનું બંધ કર્યું છે પણ આ સીડી દ્વારા રોજ સાંભળતો રહ્યો છું.

 

છોડ ગયે બાલમ.. મુજે હાઈ અકેલા છોડ ગયે.

 

 

ઘરમાં હું એકલો ભાઈ અને નાની બે બહેનો, હવે નાની પણ શાની! મમ્મી અને પપ્પાના હિસાબે તો એકાદ વર્ષમાં પરણાવવા જેવી થઈ જશે. ખુશ્બુ મારાથી પાંચ વર્ષે નાની જૂનમાં ફાર્મસિસ્ટ થઈ જશે, અને ખુશી સીપીએની ફાઈનલ એક્ઝામની તૈયારીમાં પડી છે. કેટલી મહેનત કરી બન્નેએ પોતાનું ભવિષ્ય મજબૂત બનાવી દીધું. હું પણ કેટલી મહેનત કરીને આઈટી એન્જિનિઅર બન્યો છું. મમ્મી પપ્પા બન્નેની કુરબાની, દુરંદેશી અને મહેનતનું આ પરિણામ છે. આ દેશમાં ત્રણ બાળકોને કૉલેજની મસ મોટી ફીઓ ભરી ભરીને ભણાવવા એ નાની સૂની વાત નથી. મને તો હંમેશા તેમના અચીવમેન્ટનું ગૌરવ થાય છે. પપ્પા ઇન્ડિયા માં રોજ બેંકમાંથી આવી અમારા અભ્યાસ (હોમવર્ક) ની પૂછપરછ કરતા અને હેલ્પ કરતા. સાંજે જમ્યા પછી ઘરનાં બધાંને સાથે બેસાડી ને અખંડ આનંદકે જનકલ્યાણ માંથી રોજ નવી નવી વાર્તાઓ વાંચી સંભળાવે. અને સૂતાં પહેલાં પ્રાર્થના. મમ્મી સવારે પાંચ વાગે બધાં બાળકોને ઉઠાડે, બ્રશ કરાવે અને ગરમા ગરમ દૂધ કે ચાની સાથે ગરમા ગરમ થેપલાં કે મેથીનાં ભજિયા કે એકદમ સોફ્ટ હાંડવો. પણ આ બધું અડધાથી પોણા કલાકમાં પતાવી ફરજિયાત વાંચવા બેસવાનું. પછી પપ્પા ઊઠીને પરવારી પેપર વાંચતા જાય અને અમારું ધ્યાન રાખતા જાય. બીજી બાજુ મમ્મી બધાંના માટે નહાવાનું ગરમ પાણી તૈયાર કરે અને વારા પછી નહાવાનો કાર્યક્રમ અને જોત જોતાંમાં બધાં માટેની લંચની થાળી તૈયાર. અને પછી સ્કૂલનો બેલ.. ટન.. ટન..

 

 

અરે ભાઈ હૉર્ન મારવાથી ટ્રાફિક થોડો મુવ થશે. સ્નો હવે થોડો હૅવી પડવા લાગ્યો છે ને ટ્રાફિક ઘણો સ્લો મુવીંગ છે. અને આ ગીતના શબ્દો મને હચમચાવી રહ્યા છે.

ચલ દિયા દિલ મેરા તોડકે, તું અકેલા મુજે છોડકે!

 યાદ રખના મગર બેવફા, તુજકો ભુલેગા ના દિલ મેરા!

હું જાણું છું કેટલો મોટો અન્યાય કર્યો છે મેં તને. પૂર્વી છેલ્લા ચાર વર્ષથી મારી સાથે સંકળાયેલી છે. બહુજ રૂપાળી તો ન કહેવાય પણ આકર્ષિત ખરી. એક વખત નજર પડે એના પર અને જો નજરથી નજર મળી તો બસ ઘાયલ! ઍવરેજ હાઈટ અને એને અનુરૂપ વજન. અને પેલી આંખો… હું તો હંમેશા એમાં ખોવાઈ જ જાઉં છું. ઘણી બુદ્ધિશાળી અને ચાલાક! આ હું એકલો નથી કહેતો, એને મળેલાં સર્ટિફિકેટ, એવોર્ડસ ઝૂમી ઝૂમીને બોલે છે. એના વાક્ચાતુર્યથી તો ભલભલાં મોહિત થઈ જાય. પણ એની સૌથી મોટી ખાસિયત એ નમ્રતા. આટલાં વરસોથી અહીં હોવા છતાં તમે મળો તો એમ જ લાગે કે હમણાં જ ગુજરાતના કોઈ ગામડેથી આવી છે. હું તો મારી જાતને બહુજ ભાગ્યશાળી સમજુ છું કે પૂર્વી મારા જીવનમાં આવી. હું કહીશ તો તમે માનશો નહીં પણ પ્રેમના એકરારની પહેલ તેણેજ કરેલી! અને હું એ પણ જાણું છું કે તે મને પોતાની જાત કરતાં પણ વધારે ચાહે છે.

 

 

ગૌરીવ્રતનો એ પ્રસંગ આજે પણ મને બરાબર યાદ છે. મમ્મીએ ઇન્ડિયા ની જેમ અહીં પણ બધાજ વાર-તહેવાર પાળવા-ઊજવવાની પ્રણાલિકા અકબંધ જાળવી રાખેલ છે. ઘરના કોઈ પણ અપવાદ નહીં. ખુશ્બુ અને ખુશી બન્ને જણે ગૌરીવ્રત રાખેલું, ત્યારે મેં પૂર્વીને પૂછેલું;

કેમ તેં વ્રત નથી પાળ્યું?’

હું શાને પાળું?’

જો સાંભળ, પ્રશ્નનો જવાબ પ્રશ્ન ન હોઈ શકે!

કેમ ના હોય? તમારા પ્રશ્નનો જવાબ તમારા પ્રશ્નમાં કે પ્રપ્રશ્નમાં હોય તો?

‘What do you mean?’

આઈ મીન કે લોજિકલી તમારા પ્રશ્નનો જવાબ હા કે ના હોવો જોઈએ, ખરુંને? તો મારા પ્રશ્નમાં જવાબ તો આવી ગયોને કે નાવ્રત નથી પાળ્યું.

રાઇટ, તો પછી બીજો પ્રશ્ન, કેમ નથી પાળ્યું?’

ફરી મારો પ્રશ્નાર્થી જવાબ એનો એજ છે, હું શાને પાળું?’

કેમ તને ઇચ્છા નથી કે તને મનગમતો પતિ મળે?’

અને એની આંખોમાં થોડી શરમાહટ, અમર આનંદની ચમક તથા મોં પરના એ માર્મિક હાસ્યથી હું તો એકદમ ક્ષોભિત થઈ ગયો. મારી ક્ષોભને કળ વળે તે પહેલા તે બોલી ઊઠી; ‘તમે મળી તો ગયા છો! હું તો રાહ જોઉં છું એ દિવસ જ્યારે હું કરવાચોથનું વ્રત પાળીશ અને તમે ચાંદો બની મને દૂધ પિવડાવી મારું વ્રત છોડાવશો, ખરું ને?’ હું એકદમ ગળગળો થઈ ગયો.

 

 

મેં એક ધમાકો સાંભળ્યો, અને મને પેલી કહેવત યાદ આવી ગઈ કે દુકાળમાં અધિક માસ”. મારાથી બે ગાડી આગળ એક નાની ગાડી ટ્રક સાથે અથડાઈ હતી. અને મારી ગાડીમાં ચાલતી સીડીમાંથી એક નવું ગીત ચાલું થયું મેરે નસીબમેં હૈ દોષ, તેરા પ્યાર નહીં.

 

 

આખરે એરપોર્ટ પહોંચી તો ગયો. મારો મિત્ર અજય જે લોન્ગ આઈલેન્ડમાં રહે છે તે મારી ગાડી લઈ જવાનો હોવાથી રાહ જોતો ઊભો હતો. ફટાફટ બેગો ઉતારીને અજયને ગાડી આપી રવાના કર્યો. ફ્લાઈટ તો મારી બે કલાક ડીલેય હતી તે તો મારા ટ્રાફિકના ચક્કરમાં જ ખર્ચાય ગયા હોવાથી ચેક-ઇનની લાંબી લાઇનમાં જઈને જરૂરી વિધિ પતાવી, સિક્યુરિટી ચેક પતાવી મેન્સરૂમમાં જઈ થોડો ફ્રૅશ થઈ આવ્યો. પછી ચાની ચુસ્કી લેતો બોર્ડીગ એનાઉન્સમેન્ટની રાહ જોતો હું એક ખૂણાની ચેર પર બેઠો હતો.

 

 

અરે અરુ! ઈન્ડિયાની સવારી એકલા એકલા?’

હું એકદમ ચમક્યો. મને કોણે બોલાવ્યો અહીં? બાય ધ વે મારું નામ અરણ્ય, નજીકના લોકો અરુ કહી બોલાવે.

અરે સંજુભાઈ તમે? હાઉ આર યુ? હાઉ ઈઝ ધ ફેમિલી?’

એવરિથિંગ ઇઝ ફાઇન. યુ ટેલ મી, લોન્ગ ટાઈમ નો સી? વૉટ્સ ગોઈન્ગ ઑન?’

નથીંગ મચ, યુ નો!

 

આગળ કાંઈ વાત થાય તે પહેલાં ફ્લાઈટ બોર્ડિંગનું એનાઉન્સમેન્ટ થયું. હું અને સંજુભાઈ લાઈનમાં ઊભા થઈ ગયા. અમેરિકા ખાતે સંજુભાઈ અને એમનાં ફાધર-મધર અમારા પહેલા સગા. અમે આ દેશમાં આવ્યા ત્યારથી એ અમારા પડોશી, માર્ગદર્શક અને શુભચિંતક. સોશિયલ સિક્યુરિટીથી માંડીને સ્કૂલ, કૉલેજ, સિટિઝનશીપ, બર્થડે બધાંજ કામ કે પ્રસંગ તેમના માર્ગદર્શન અને હાજરીથી જ થયેલાં. અને મારા માટે તો એ જરૂર પડ્યે મોટાભાઈ અને જરૂર પડ્યે મિત્ર. મારી જેમ એ પણ એમનાં માબાપના એકલા દીકરા. એક જ બેન હતી તેને પોતાની પસંદ સાથેજ લગ્ન કરવા હતા. સંજુભાઈએ કેટલી હિંમતપૂર્વક અને શાંતિથી બધાને સમજાવી, પટાવીને પોતાના માબાપ અને સગાં વહાલાંઓને રાજી કર્યાં હતાં. એ બન્નેની જોડી એટલી સરસ છે અને એટલા પ્રેમભાવથી રહે છે કે કોઈને પણ ઈર્ષા આવે. જોકે આજે બધા સંજુભાઈના પ્રયત્નોની કદર કરે છે. તેમની બેનના સાસરિયાં તેમની બેનના વખાણ કરતાં થાકતાં નથી. અને જીજાજી તો સંજુભાઈના ઘરે ને મારે ઘરે, ખાટલેથી પાટલે અને………

 

 

હું વિન્ડો પાસેની મારી સીટ ઉપર બેઠો. થોડી વારમાં સંજુભાઈએ મને એમની બાજુની સીટ પર બેસાડવાનું ગોઠવી દીધું.

અરુ, વાય ડોન્ટયુ કમ ટુ વિઝિટ અસ?’

સંજુભાઈ, યુ નો… તમે પણ છેલ્લા ત્રણ વર્ષમાં કેટલી વખત આવ્યા છો? ચાલો અમને નહીં પણ અંકલ- આંટીને તો…… ઓહ આઈ એમ સો સોરી, પ્લીઝ ફરગીવ મી.

 

સંજુભાઈની આંખોમાં એ લાચારી અને ચહેરા પરની ઉદાસી જોઈને હું મારી આંખનાં બેઝમેન્ટમાંથી ધસી રહેલાં આંસુઓને માંડમાંડ દબાવી શક્યો. જ્યારે એમણે બેનના લગ્ન કરાવેલા ત્યારે તેમણે મનથી નક્કી કરેલું કે પોતે મા-બાપની પસંદગીની ઇન્ડિયાની છોકરી સાથેજ લગ્ન કરશે. ભાભીના આવ્યા પછી બે-ચાર મહિના ઠીક ચાલ્યું અને પછી તેમણે રોજબરોજ કકળાટ ઊભા કરવા માંડ્યા. શરૂઆતમાં દેશ બદલાયો, હવામાન બદલાયું, ઘરની યાદ વગેરે કારણો વાપરી પરિસ્થિતિને સાચવવાના ખૂબ પ્રયત્ન કર્યા. પણ પછી આખરી ઉપાય તરીકે અને મા-બાપ અને પત્ની બન્નેને સાથે રાખી શકવાની અશક્યતાઓ જોઈ એમણે પત્ની સાથે જુદા રહેવાનું નક્કી કર્યું. મારા હિસાબે એ તેમની જીંદગીનો સૌથી કપરો નિર્ણય હશે.

 

 

ડોન્ટ વરી અબાઉટ ઇટ. લુક, ધેટ ઈજ અ ફેફ્ટ ઓફ લાઈફ, વન હેસ ટુ ફેસ ઈટ, એક્સેપ્ટ ઈટ એન્ડ મુવ ઓન. આઈ હેવ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ એન્ડ આઈ વિલ સ્ટીલ કંટિન્યુ ટ્રાઈંગ.

આઈ નો. યુ આર એ ફાઇટર. એન્ડ ટ્રુથ ઈઝ ઓન યોર સાઈડ. એનિવેઝ, તમે આમ અચાનક?’

મારા ફાધર-ઈન-લૉ ને હાર્ટએટેક આવ્યો છે. મારી વાઈફ તો પરમ દિવસે ગઈ ને હું થોડું કામ પતાવી આજે જાઉં છું. અને તારી કંપની મળી રહેશે એટલે જ આ ફ્લાઈટ લીધી.

ઇઝ હી ઓકે?’

ઓહ યા, હી હેઝ ગોન થ્રુ એ સર્જરી એન્ડ નાવ હી ઈઝ આઉટ ઓફ ડેન્જર. સો, ફાઈનલી યુ અગ્રીડ!

આઈ હેવ નો ચોઈસ! યુ નો, પપ્પા-મમ્મીએ કેટલું સેક્રીફાઈસ કર્યું છે અમારા માટે. પપ્પા આવ્યા ત્યારથી રોજ બાર કલાક સ્ટોર પર કુટાય છે. ખેર હવે તો પોતાનો સ્ટોર છે પણ તોય…

એ તો સમજ્યા, પણ એના માટે ઇન્ડિયા  જવાની શી જરૂર છે? વ્હોટ અબાઉટ પૂર્વી? યુ ગાયસ આર મેડ ફોર ઈચ અધર!

સંજુભાઈ તમે તો જાણો છો મારાથી બે નાની બેન હજુ કુંવારી છે. એમના ભાવિને કોઈ તકલીફ પડે એવું કરવું તો શું, વિચારી પણ ન શકું. મમ્મી-પપ્પા બંનેને મેં નાણી જોયાં છે અને તેઓ કોઈ હિસાબે રાજી નહીં થાય. ખુશ્બુ અને ખુશીનાં લગ્નની એમની ચિંતા જોઈને તો મારી બધીજ હિંમત ભાગી પડી છે.

અરે પણ એનોય ઉપાય છે. પહેલાં એ બંનેના લગ્ન કરાવી દો. એમનું સારું ઠેકાણું પડી જાય પછી તું અને પૂર્વી!

મેં એ પણ પ્રયત્ન કરી જોયો, યુ નો ધ આર્ગુમેન્ટ? લોકો કહેશે કે આટલો મોટો ભાઈ એમનો એમ બેસી રહ્યો છે, શું હશે વગેરે વગેરે…..

આમ વાતો કરતાં કરતાં અમે મુંબઈ પહોંચી ગયા. મારે અમદાવાદની ફ્લાઈટ લેવાની હતી ને સંજુભાઈને વડોદરાની.

ઓકે અરુ, ઈફ યુ હેવ ટાઈમ પ્લીઝ વિઝિટ અસ. એન્ડ આઈ હેવ ટુ ટેલ યુ ધીસ વ્હોટ વન્સ સેઈડ બાય સમ ફિલોસોફર ધેટ “If you want to live happily, marry the girl who loves you, not to whom you love.” થીંક અબાઉટ ઇટ. ટેક કેર.

 

મારું એમડી પ્લેયર ઓન કરી મનમાં દ્વિધા અનુભવતો હું ચાલ્યો. અને નવું ગીત ચાલું થયું.

 

 

કભી કિસીકો મુક્કમલ જહાં નહીં મીલતા, 

 કહીં જમીં તો કહીં આસમાં નહીં મીલતા.      

 

જગદીશ ક્રિશ્ચિયન ફેબ્રુઆરી ૨૨, ૨૦૦૪

આ વાર્તા લખી હતી ત્યારે આઈપૉડ હતા નહીં અને ન્યુવર્ક એરપોર્ટનો ઉપયોગ ઓછો થતો હતો. અને અરુ અને પૂર્વીનું શું થવું જોઈએ કે શું થયું હશે એ તમારે વિચારવાનું છે. અને સંજુભાઈના વૈવાહિક અને કૌટુંબિક જીવનમાં ફરક પડે છે કે કેમ એ પણ તમારે વિચારવાનું છે.

તો અપો ટેકો કે ટીકા.  

ભારતીય ડાન્સ અને આઈસ સ્કેટીંગ November 18, 2009

Posted by jagadishchristian in અવનવું, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , ,
add a comment

ઑક્ટોબર ૨૨-૨૫ દરમ્યાન રશિયાના મોસ્કો શહેરમાં ૨૦૦૯ રોઝટેલકોમ કપ ટુર્નામેન્ટ યોજાઈ હતી. એમાં ફિગર સ્કેટીંગની હરીફાઈ થઈ હતી. આવી અલગ અલગ ટુર્નામેન્ટના પરિણામના આધાર પર ૨૦૧૦ ઑલિમ્પીક માટેના ઉમેદવાર દરેક દેશ નક્કી કરતા હોય છે. આ ટુર્નામેન્ટ દરમ્યાન યુએસએની આઈસ સ્કેટીંગ ટીમ (મૅરિલ ડેવીસ અને ચાર્લી વ્હાઈટ) પહેલા નંબર પર આવી હતી. તેમણે ભારતીય ફોક ડાન્સનો ઉપયોગ કર્યો હતો. તો જુઓ એ ડાન્સ: 

વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

પાણી વગરની નદી November 13, 2009

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.
Tags: , , , , , ,
9 comments

મારી વાર્તા સિટિઝનશીપને આપ બધાનો સારો આવકાર મળ્યો એના માટે આભાર. આજે એક અછાંદસ રચના લઈને આવ્યો છું. આશા છે કે તમને ગમશે. આપના ટેકા અને ટીકા આવકાર્ય છે.

પાણી વગરની નદી…fishing2

સુક્કિ ભટ્ટ રેતીથી ભરેલી
નદી કિનારે,
હાથમાં માછલી પકડવાનો
કાંટો લઈ બેઠો છું હું.

કોઈ હસીને ગયું,
કોઈ ખસીને ગયું,
કોઈએ મૂરખ કહ્યો,
કોઈએ ગાંડો કહ્યો!

મને કોઈએ પૂછ્યું નહીં!

પછ્યું હોત તો કહેતો,
કે કાલે બન્ને કિનારે
છલ્લોછલ ભરેલી
નદીમાં ઉદકફુદકતી
સેંકડો માછલીઓ વચ્ચે
સવારથી સાંજ સુધી, ઉમંગભેર
કાંટો નાખ્યાં છતાં
કાંઈ ન મળ્યું!

આજે પાણી નથી!
આજે માછલી નથી!
માછલી પકડવાનો કાંટો છે,
ને હું છું!

– જગદીશ ક્રિશ્ચિયન એપ્રિલ ૦૪, ૨૦૦૪

સિટિઝનશીપ November 7, 2009

Posted by jagadishchristian in મારી વાર્તા.
Tags: , , , , , , ,
17 comments

આજે એક વાર્તા લઈને આવ્યો છું. અમેરિકન જીવન શૈલી અને નીતિ નિયમો પર આધારિત છે. આશા છે કે બધાંને ગમશે. અભિપ્રાય આપશો તો આનંદ થશે. ટીકા સુધારો કરવામાં અને ટેકો જુસ્સો વધારવામાં કામ લાગશે.

સિટિઝનશિપ

પ્રતિક અને સરોજ વહેલી સવારે ઊઠી તૈયાર થઈને ન્યુવર્કમાં આવેલી ઇમિગ્રેશનની ઓફિસે પહોંચ્યા. આજે સરોજનો સિટિઝનશિપનો ઇન્ટરવ્યૂ હતો. હૉલની અંદર બંને જણ સરોજના વારાની રાહ જોઈ બેઠાં હતાં. પ્રતિક ચાની ચુસ્કી લેતાં લેતાં ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. સરોજ થોડી ટેન્શનમાં લાગતી હતી. અંદર ઇન્ટરવ્યૂરૂમમાંથી થોડી થોડી વારે કોઈ હસતા તો કોઈ નિરાશ ચહેરા નીકળી રહ્યા હતા. સરોજનું નામ બોલાયું એટલે એ ઊભી થઈને ગઈ અને જતાં એણે પ્રતિક તરફ નજર નાંખી તો પ્રતિકે આંખના ઇશારે કહ્યું ચિંતા ન કર અને શુભકામના.

થોડી વાર પછી અંદરથી એક ઓફિસરે આવીને પૂછ્યું  “સરોજ સાથે કોઈ આવ્યું છે?” પ્રતિક ઝડપથી ઊભો થઈને એની પાસે ગયો તો એણે એને અંદર રૂમમાં આવવા માટે કહ્યું. ઓફિસરે કહ્યું “તમારી પત્નીને સિટિઝનશિપ આપી શકાય એમ નથી એ કહેતાં જ તમારી પત્ની બેહોશ થઈ ગઈ છે.” પ્રતિકે ઝડપથી સરોજને ઢંઢોળી અને બેગમાંથી પાણી કાઢી પિવડાવ્યું. એ થોડી સ્વસ્થ થઈ એટલે ઓફિસરે પ્રતિકને કહ્યું  “સરોજને બહાર બેસાડી પાછો રૂમમાં આવ.” પ્રતિક સરોજને થોડું સાંત્વન આપી બહાર બેસાડી અંદર રૂમમાં ગયો. પ્રતિકને બેસવાનો ઇશારો કરી ઓફિસરે કહ્યું  “સરોજે ક્રાઇમને લગતા બધા પ્રશ્નોના જવાબ રૂપે ના લખ્યું છે. પણ ક્રિમિનલ બેકગ્રાઉન્ડ ચેક કર્યું તો એમાં એમની ગિરફતારી થયાની માહિતી મળી. મેં સરોજને પૂછ્યું તો પહેલાં એણે સાફ ઇન્કાર કર્યો અને પછી રડવા લાગી. અને જ્યારે જણાવ્યું કે તને સિટિઝનશિપ આપી શકાય એમ નથી ત્યારે તે એકદમ બેહોશ થઈ ગઈ. આ મારે તમને જણાવવું પડે એટલે જણાવું છું.” પ્રતિક એકદમ આશ્ચર્યચકિત થઈ આ સાંભળી રહ્યો. થોડી વારે એણે પોતાને સ્વસ્થ કરી ઑફિસરને કહ્યું “મને આવી કોઈ જાણકારી નથી અને મારા માનવામાં પણ નથી આવતું.” ઓફિસરે કહ્યું “તે તમે તમારી પત્ની સાથે ચર્ચા કરી લેજો અને આ નિર્ણયની લેખિત જાણકારી પત્ર દ્વારા કરવામાં આવશે. હવે તમે જઈ શકો છો.”

૧૯૯૫ માં બેંગલોરથી કમ્પ્યૂટર સાયન્સની ડિગ્રી મળતાંજ પ્રતિક સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો માસ્ટર કરી એક કંપનીમાં H1B વિઝા હેઠળ જૉબ મેળવી લીધી. શરૂઆતની થોડી તકલીફ વેઠી સેટ થઈ ગયો. અને બે વર્ષ પછી એને ગ્રીનકાર્ડ પણ મળી ગયું. લગ્ન કરવા માટે મા-બાપ તો ઘણા સમયથી પાછળ પડ્યા હતા. એટલે ગ્રીનકાર્ડ મળતાંજ એ ઇન્ડિયા પહોંચી ગયો. એક મોટા લિસ્ટમાંથી એણે સાત કન્યાઓ પસંદ કરી. અને મહિના પછી વાજતે-ગાજતે સરોજ સાથે લગ્ન થઈ ગયાં. સરોજ નાના ગામમાં ઉછરેલી પણ નજીકના શહેરમાં અપડાઉન કરીને બી.એ. સુધી ભણેલી હતી. નાક-નકશે સુંદર, ઘર કામમાં કુશળ પણ થોડી શરમાળ અને ઓછાબોલી હતી. તકલીફ બસ એકજ હતી કે તે અંગ્રેજી લખવા-બોલવા-વાંચવા અને સમજવામાં નબળી હતી.

લગ્ન પછી અમેરિકા આવતાં સરોજને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં. ત્રણ વર્ષ દરમ્યાન પ્રતિકે મહેનત અને કરકસરથી પૈસા બચાવી એક હાઉસ પણ લઈ લીધું. સરોજ આવી એટલે પ્રતિક રોજ સાંજે ગાડીમાં લઈ બહાર નીકળી જતો. સાથે સાથે રસ્તાની જાણકારી આપતો, ડ્રાઈવિંગના નિયમો સમજાવતો, શૉપિંગ મૉલ, ઇન્ડિયન માર્કેટ, સિનેમાહૉલ વગરે જગ્યા બતાવતો. થોડા મહિના પછી સરોજ પણ ગાડી ચલાવતી થઈ ગઈ. અને જોત જોતાંમાં સરોજ સગર્ભા થઈ એટલે પ્રતિકે એના મમ્મી-પપ્પાને આવવા માટે વિનંતી સાથે જરૂરિયાત પણ સમજાવી. તેઓ આવ્યાં એટલે સરોજને પણ સારું લાગ્યું કારણ પ્રતિક જૉબ પર જાય પછી ઘરમાં બહુ એકલતા લાગતી હતી. સરોજે એક બાળકીને જન્મ આપ્યો – શિલ્પા. મમ્મી-પપ્પા દસેક મહિના થયા એટલે પાછાં જવાની ઉતાવળ કરવા લાગ્યાં અને સાથે સરોજ તથા શિલ્પાને પણ લઈ જવાની જીદ પકડી બેઠાં. પ્રતિકના પક્ષમાં કોઈ ન હોવાથી એનો પરાજય થયો અને એ લોકો ઇન્ડિયા જવા રવાના થયાં. બે મહિના પછી સરોજ અને શિલ્પા પાછાં આવ્યાં. ઘરમાં આનંદ હતો. શિલ્પા હવે ડેકેર સેન્ટર જતી થઈ તો સરોજ પણ સમય પસાર થાય એ બહાને બ્યુટીસલૉનમાં પાર્ટટાઇમ જૉબ કરવા લાગી. અને એમ કરતાં સરોજને આ દેશમાં આવ્યે પાંચ વર્ષ થયાં. પાંચ વર્ષના વસવાટ પછી સિટિઝનશિપ માટે એપ્લાય કરી શકાય એટલે પ્રતિકે ફોર્મ ભરી સરોજની સહી કરાવી મોકલી દીધું. અને શ્રી. જોસેફ પરમારની સિટિઝનશિપ માટેની પ્રશ્નાવલી બુક લાવી આપી જે વાંચીને સરોજ બરાબર તૈયાર થઈ ગઈ.

ઑફિસમાંથી નીકળી સરોજ પાસે પહોંચતાં સુધીમાં કેટલાય વિચારો પ્રતિકને ઘેરી વળ્યા. પ્રતિકે ઘણી મહેનત પછી પોતાના વિચાર-લાગણી અને ગુસ્સા પર કાબુ મેળવી શક્યો. તેણે સરોજને પૂછ્યું “તું ઠીક તો છે ને? ચાલ હવે ઘરે જઈએ.” પ્રતિકની આંખમાં કેટલાય પ્રશ્નો જવાબ શોધી રહ્યા હતા તો સરોજની આંખો પણ લાચારી અને ક્ષોભથી ઢળેલી હતી. ઘરે પહોંચ્યાં ત્યાં સુધી બંને જણે કોઈ વાત ન કરી. પ્રતિકે ઘરે પહોંચતાં જ કહ્યું “હું ઑફિસે જાઉં છું.” સરોજને ખબર હતી કે આજે પ્રતિકે રજા લીધેલી છે છતાં કંઈ ના બોલી. પ્રતિકને થોડું એકાંત જોઈતું હતું એટલે એ નજીકના પાર્કમાં જઈને બેઠો. દિમાગમાં જાત જાતના ને ભાત ભાતના વિચારો આવતા હતા. સરોજ કઈ ગેરકાનૂની પ્રવૃતિ કરતી હશે, કયા ગુના માટે એની ધરપકડ થઈ હશે, મારાથી છુપાવાનું કારણ શું હશે, હું માનું છું એવી શરમાળ અને ભાવનાશીલ નથી કે શું વગેરે વગેરે. સરોજ સાથે વાતની શરૂઆત કેવી રીતે કરવી એમ વિચાર કરતાં કરતાં સાંજ થઈ ગઈ. એણે મન મક્કમ કર્યું અને ઘર તરફ નીકળ્યો.

ઘરે પહોંચ્યો તો ઘરમાં સ્મશાનવત શાંતિ હતી. શિલ્પા કાર્ટૂન નેટવર્ક પર એનું કાર્ટૂન જોવામાં મશગૂલ હતી. એને થોડું વહાલ કરી આજુબાજુ નજર ફેરવી પણ સરોજ દેખાઈ નહીં. એ બેડરૂમમાં કપડાં બદલવા ગયો તો સરોજ બેડમાં આડી પડેલી હતી. જેવી લાઈટ ચાલુ કરી કે એ એકદમ ઊભી થઈ અને પ્રતિકને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. “મને માફ કરી દો, મારા લીધે તમને કેટલું દુ:ખ પહોંચ્યું.” પ્રતિકે એને શાંત પાડી અને કહ્યું “શાંતિ રાખ અને રડવાનું બંધ કર, શિલ્પા જોશે તો એ પણ રડશે અને એના બાલસહજ પ્રશ્નોના જવાબ આપવું અઘરું હશે.”

રોજના નિયમ પ્રમાણે પ્રતિક અને શિલ્પા ડાઈનિંગ ટેબલ પર ડિનર માટે ગોઠવાઈ ગયા. સરોજે રસોઈના બાઉલ ટેબલ પર મૂક્યા અને બે પ્લેટ મૂકી. પ્રતિકને ખબર હતી સરોજ તબિયતનું બહાનું કરી ખાવાની ના કહેશે છતાં એણે આગ્રહ કરી એને બે કોળિયા ખાવા મજબૂર કરી. થોડું ટેલિવિઝન જોઈ શિલ્પાને એના રૂમમાં સુવડાવી પ્રતિક અને સરોજ પોતાના બેડરૂમમાં આવ્યા. પ્રતિકે હિંમત કરી વાતની શરૂઆત કરી “સરોજ સ્વીટહાર્ટ તું મને માંડીને વાત કર કે કેમ ક્યારે શું થયું હતું.” સરોજ ફરી રડવા લાગી. પ્રતિકે એને સમજાવતાં કહ્યું “જો તું આમેજ રડ્યા કરીશ તો વાત નહીં કરી શકે અને વાત જાણ્યા વગર એનો ઉપાય કેવી રીતે કરી શકીશું?” સરોજે પ્રયત્નપૂર્વક પોતાની લાગણી પર કાબુ મેળવી શરૂ કર્યું “એ દિવસ તો હું જિદંગીભર નહીં ભૂલું. લગભગ ત્રણેક વર્ષ પહેલાં એક દિવસ હું Macy’s શોપિંગ માટે ગઈ હતી અને બે ડ્રેસ લીધા, બે રૂમાલ એવું થોડું લઈને શોપીંગ કાર્ટમાં મૂકી મેકઅપનો થોડો સામાન જોવા લાગી. મેં બે-ચાર નેઈલ પોલિશ, લિપસ્ટિક અને એક પરફ્યુમ પસંદ કરી મારા હાથમાં કઈ કાર્ટમાં મૂકવા ગઈ અને મારા સેલફોનની રીંગ વાગી. પર્સમાંથી ફોન કાઢતી વખતે અજાણતાં હાથમાંની બધી વસ્તુ પર્સમાં મૂકાઈ ગઈ. તમારોજ ફોન હતો અને તમે તમારા મિત્રદંપતીને જમવા બોલાવવાની જાણ કરી. મેં તરતજ તમને હા પાડી અને જલદી જલદી કાઉન્ટર પર પહોંચી પૈસા ચૂકવી આગળ નીકળી કે જલ્દી ઘરે જઈ રસોઈની તૈયારી કરી શકું.

પણ જેવી હું પૈસા આપી આગળ વધી તો તરતજ એક સિક્યુરિટી વાળાએ મને રોકી. એણે મારી રિસીપ્ટ જોઈ, કાર્ટમાંનો સામાન તપાસ્યો અને પૂછ્યું કે બીજું કશું ગમ્યું કે લીધું છે તો મેં ના પડી.” પ્રતિકને ખ્યાલ આવી ગયો કે આ શોપલીફ્ટીંગનો મામલો હતો. સરોજ એની કહાણી આગળ વધારતાં બોલી “એણે મને એક તરફ ઊભી કરી અને બીજા બે-ત્રણ સિક્યુરિટી વાળાને બોલાવી મને ઘેરીને ઉભા થઈ ગયા. હું તો એકદમ ગભરાઈ ગઈ. મને સમજણ ન પડી કે આ મારી સાથે શું થઈ રહ્યું છે. સ્ટોરના મેનેજરે આવીને ફરી તપાસ કરી અને થોડી વારમાં બે પોલીસ ઑફિસર આવ્યા અને મારી પર પ્રશ્નોની ઝડી વરસાવી અને મારું પર્સ તપાસ્યું અને એમાંથી અજાણતાં મૂકાયેલી પેલી બધી વસ્તુ નીકળી. પોલીસે પૂછ્યું કે આ તેં લઈને પર્સમાં મૂક્યું છે? મેં કહ્યું હા પણ … અને આગળ બોલું ત્યાં સુધીમાં મારા હાથ પાછળ કરી હાથકડી પહેરાવી દીધી. પોલીસની કારમાં પોલીસ સ્ટેશન લઈ ગયા. મારા પિક્ચર લીધા અને ચોરીનો આરોપ લગાવી દીધો. હું કાંઈ બોલું તો કહેતા  You have the right to remain silent. Anything you say can and will be used against you in a court of law. You have the right to an attorney….”

 “હું એટલી બધી ડરી ગઈ હતી અને મને કોઈ હોશકોશ રહ્યા નહોતાં. ઇન્ડિયામાં અમારે ઘરે તો શું પણ અમારી પોળમાં પણ ક્યારેય પોલીસ આવી નથી. પોલીસ સ્ટેશનથી નીકળી બસમાં સ્ટોર પર પહોંચી કાર લઈ ઘરે આવી. મારી હિમ્મત ન ચાલી તમને વાત કરવાની. થોડા દિવસ પછી કોર્ટમાં જવાની નોટિસ પ્રમાણે હું કોર્ટમાં ગઈ તો જજે પણ મારી કોઈ વાત ન સાંભળી did you take those items and put it in your purse, yes or no? How do you plea guilty or not guilty? અને રડતાં કકળતાં મેં કહ્યું yes.. yes.. yes…  મને એ વસ્તુની કિંમત અને ૨૫૦ ડોલરનો દંડ અને કોર્ટ ફી વગેરે ભરવાનો હુકમ આપ્યો. મેં પૈસા ભરી દીધા અને છુટકારોનો શ્વાસ લીધો કે હાશ આ પ્રકરણ પૂરું થયું. મને ખબર નહોતી આ બલા મારો પીછો છોડવાની નથી.” અને એ ફરી પ્રતિકને વળગીને રડવા લાગી. પ્રતિકને આખી વાત હવે સમજાઈ ગઈ. એણે થોડો રાહતનો શ્વાસ લઈને સરોજને શાંત કરી. અને પછી એણે કહ્યું “જો તેં મને ત્યારે વાત કરી હોત તો આપણે લૉયરની સલાહ લઈને આમાંથી છૂટી શક્યા હોત. આ દેશમાં આ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે કોઈ કાનુની સકંજામાં ના સપડાઈ જઈએ. પત્નીની મારપીટ, બાળકોની બેદરકારી કે મારપીટ, દ્રગનું સેવન, દારૂ કે દ્રગના સેવનની અસર નીચે કાર ચલાવવી વગેરે વગેરે. ચાલ જે થયું તે થયું અને હવે સિટિઝનશીપ મેળવવા શું કરવું એની ચિંતા કરીએ.

થોડા દિવસ પછી ઈમિગ્રેશન ઑફિસમાંથી પત્ર આવ્યો એટલે એ લઈને પ્રતિક એક લૉયરને મળ્યો. લૉયરની સલાહ પ્રમાણે પહેલાં તો પોલીસ સ્ટેશનમાંથી પોલીસ ફરિયાદની નકલ તથા કોર્ટમાં ભરેલા દંડની નકલ મેળવી. મંદિરના પૂજારી અને ગુજરાતી સમાજના પ્રમુખ પાસેથી ચાલચલગતનું પ્રમાણ મેળવ્યું. પ્રતિક એના બોસની ઓળખાણનો લાભ લઈ મેયર પાસેથી પણ પ્રમાણપત્ર લઈ આવ્યો. પ્રતિક-સરોજનું મેરેજ સર્ટિફિકેટ, શિલ્પાનું બર્થ સર્ટિફિકેટ આ બધા દસ્તાવેજ સાથે લૉયરે આખી પરિસ્થિતિ સમજાવતો પત્ર ઇમિગ્રેશન ઑફિસને મોકલી આપ્યો. બે મહિના પછી ઈન્ટરવ્યૂનો પત્ર મળ્યો. પ્રતિક અને સરોજ લૉયરની સાથે ન્યુવર્કની ઑફિસે પહોંચ્યા. સરોજનું નામ બોલાયું એટલે સરોજ અને લૉયર અંદર ગયાં અને થોડી વારે હસતા વદને બહાર આવ્યાં. પ્રતિકે એક હળવાશ અનુભવી મનોમન ઈશ્વરનો આભાર માની લીધો. સરોજ આજે પણ રડી પડી પણ આજનાં આંસુ હર્ષના હતાં. સરોજ અમેરિકન સિટિઝન થઈ ગઈ.

–   જગદીશ ક્રિશ્ચિયન સ્પ્ટેમ્બર, ૦૪ ૨૦૦૯

એટલે બસ! November 1, 2009

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , ,
15 comments

એટલે બસ!

જીવવાનો એહસાસ રહે અનામત એટલે બસ
હાર્દને દરદ સહવાસ મળે યથાવત એટલે બસ

દોષ મારો ના ગણો મજબૂર મારી લાગણીનો
પ્રેમ આપો ના ભલે રાખો અદાવત એટલે બસ

રોજ વાગોળી શકું એવી નથી યાદો છતાં પણ
ઠોકરો આપી અનોખી છે સલામત એટલે બસ

શોધવા બેઠા મને આકાશના તારાભવનમાં
હાજરી ટાણે બતાવેલી બગાવત એટલે બસ

ફાગણી આબોહવા ને મોસમ મઘમઘાટ છે પણ
ચીમળેલા પાનની તોરણ સજાવટ એટલે બસ

એ જ છે સોલ્લાક ને ગાયો મલ્હાર મધુર છે તો પણ
પાંદડા ના ફૂટવાનો આ તફાવત એટલે બસ

ગઝલની જારી રહે આવી લખાવટ એટલે બસ
સાંભળે ‘જગદીશ’ તું એવી ઇબાદત એટલે બસ

– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૮, ૨૦૦૯
છંદ વિધાન: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગલગાગા

સોલ્લાક વિષે: વિરહ નામના વૃક્ષની સૂકી ડાળીને કાપી માટીમાં રોપાવી કુમારપાલના ગવૈયા સોલ્લાકે શુદ્ધ મલ્હાર રાગ ગાયો. એટલે તે ડાળીને પાંદડાં આવ્યાં. તે ઉપરથી મહારાજાએ તેને બાર ગામ ઇનામમાં આપ્યાં. (આભાર – Gujaratilexicon.com)