jump to navigation

મારો જન્મ દિવસ – મા, મારી! August 30, 2011

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , ,
28 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

પ્રિય મિત્રો,

વિસ્મય પામ્યા! લગભગ સાત મહિનાના અંતરાલ પછી આજે ગુજરાતી બ્લોગની દુનિયામાં પાછો પ્રવેશ કરતાં ઉલ્લાસ સાથે થોડો ક્ષોભ અને વ્યાકુળતા પણ છે. પણ અપેક્ષા છે કે ફરી પાછો પહેલાં જેવોજ આવકાર મળશે. આજે મારો જન્મ દિવસ છે. જન્મની વાત સાથે મા અચૂક જોડાયેલી છે. મા (સ્ત્રી) વગર જન્મ તો શક્ય જ નથી. પ્રભુ પરમેશ્વર માટે પણ એ અશક્ય છે. પરમપિતાએ પવિત્ર મારિયાના કૂખે પ્રભુ ઈસુનો જન્મ કરાવ્યો, તો ભગવાન કૃષ્ણ પણ દેવકીના ખોળે જન્મ્યા. તો પ્રભુ પુરુષોત્તમ રામ પણ કૌશલ્યાની ઉદરે જન્મ્યા. અને આપણો સંબંધ મા સાથે આપણા જન્મ પૂર્વે જ્યારે ગર્ભ ધારણ થાય ત્યારથી બંધાય જાય છે. આ દુનિયામાં આપણું આગમન એકમાત્ર માના આધારે અને સહારે થાય છે. સ્ત્રી માટે કહેવાય છે કે તે પોતાના દેખાવ માટે ઘણી સચેત હોય છે. જો ગાલ પર એકાદ નાનો ખીલ (પિમ્પલ) થયો હોય તો નવરાત્રિના ગરબામાં પણ જવાનું ટાળે. અને સગર્ભા થયા પછી નવ નવ માસ સુધી બેડોળ બનેલ શરીર લઈને એ જ સ્ત્રી બધે ફરે છે. અને પ્રસવ વખતની પીડા જોઈને ચોક્કસપણે કહી શકાય કે આ કામ પુરુષ કરી જ ના શકે. હવે આ વાત એટલે કહી શકું છું કે મારા પુત્રના જન્મ પૂર્વે જ્યારે હોસ્પિટલમાં ગયા તો એક વ્યક્તિને જોડે જવાની રજા આપી તો મેં મારી મમ્મીને જવા વિનંતી કરી તો ત્યાંના કર્મચારીએ કહ્યું ફક્ત પતિ સાથે જઈ શકે છે બીજું કોઈ નહીં. એટલે ફરજિયાત મારે જવું પડ્યું અને એ પ્રસવની પીડાનો સાક્ષાત્કાર થયો.

આજના મારા જન્મ દિવસમાં પહેલી વખત મારી મમ્મીની ગેરહાજરી છે. ૧૯૯૫માં સ્ટ્રોકના હુમલામાં મારી મમ્મીનું જમણું અંગ લકવા મારી ગયું. જાન્યુઆરીની ૨૧ તારીખે એને બીજો સ્ટોકનો હુમલો આવ્યો અને બ્રેઈન હેમોરેજ થઈ ગયું. ડોક્ટરોએ જવાબ આપી દીધો પણ અમારી વિનંતી પછી થોડી સારવાર ચાલુ કરી. એક મહિનો કોમામાં રહ્યા પછી ધીરે ધીરે ભાન આવવા માંડ્યું અને આંખ-હાથથી વાત અને વહાલ કરવાનું શરૂ કર્યું. પ્રભુનો ચમત્કાર વધાવી અમે તો આનંદી ગયા. પણ આ આનંદ મે મહિનાની ૩૧ તારીખે સવારે સાડા છ વાગે પ્રભુમાં પોઢી ગયો.

આજે આ બ્લોગમાં પુનરાગમન ટાણે મારી જન્મદાતા મમ્મીને યાદ કરી થોડા શબ્દો અને લાગણીના તાણાવાણા વણવાનો એક નમ્ર પ્રયત્ન કર્યો છે જે મારી વ્યક્તિગત અભિવ્યક્તિ છે. જાત સાથે થોડા ડિબેટ (ચર્ચા) પછી આપની સમક્ષ રજૂ કરું છું. આશા છે કે તમને ગમશે. એક વાતનો એકરાર કરું કે બ્લોગ પર લખવાનું બંધ થયું હતું પણ વારંવાર મુલાકાત લેતો હતો પણ અભિપ્રાય આપવાથી અલિપ્ત રહ્યો હતો એના માટે ક્ષમા યાચું છું.

મા, મારી!

પતિને અવગણી
બચ્ચીથી બચકારી
છાતીથી ચાંપી
રાખ્યો, ખબર નથી!

ઘરનો મોટો બની
નાનાને જોયા પછી
પ્રશ્ન કે શું એ સાચી?
છે, પણ ખબર નથી

બાપાએ ધમકાવ્યો
ના એણે બચાવ્યો
પછીથી પંપાળ્યો
કાં, આજેય ખબર નથી!

પ્રાર્થના અને પ્રભુ
ઓળખ કરાવી, ભજુ
રસોઈ બનાવું શીખું
કારણ ખબર નથી!

પ્રભુ છે કહ્યું સાચવશે
તો તારી શું જરૂર હશે?
આધાર તો તારોજ હશે
શાને? ખબર નથી!

પ્રભુને તો જોયો નથી
તું જ હતી બસ તું હતી
તારી મમતા તારી હતી
પ્રભુને શું ખબર નથી?

જો તને ખબર હોય તો હવે એને સાચવવાની જવાબદારી તારી છે!
અમે અમારી જવાબદારી પૂરી કરી ચૂક્યા છે. પ્રભુ જવાબદારી તારી છે.

જગદીશ ક્રિશ્ચિયન – ઓગસ્ટ ૨૦૧૧

દીવો રે પ્રગટાવો… October 31, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
16 comments

image from myorkutglitter.com

હમણાં દશેરા (વિજ્યાદશમી) ઊજવાઈ ગઈ અને થોડા દિવસ પછી દિવાળી ઊજવાશે. દર મહિને ઇઝલીનમાં આવેલા ગુજરાત-દર્પણના કાર્યાલય માં સાહિત્ય-સભાનું આયોજન થાય છે. ૧૬ ઑક્ટોબરના રોજની સાહિત્ય-સભામાં દિવાળી વિષય પર ગદ્ય કે પદ્ય રચના રજૂ કરવી એવું નક્કી કર્યું હતું ત્યારે મેં નીચેનું કાવ્ય રજૂ કર્યું હતું. આશા છે કે તમને ગમશે. આ દુનિયામાંથી આતંક અને વેરભાવથી ફેલાયેલો અંધકાર દૂર થાય અને શાંતિનો પ્રકાશ પ્રજ્વળે એવી પ્રભુને પ્રાર્થના.

દીવો રે પ્રગટાવો…

પાપી રાવણ હણાયો
વિજય રામને વર્યો
સીતાનો છુટકારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રાજાનો તાજ ધર્યો
સિંહાસન વિરાજ્યો
પૂરો વનવાસ વારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

સૂણી ધોબીની વાતો
સતી સીતાને જાકારો
કેવો ભરથાર સહારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો

રામરાજ્યનો નારો
બધે હિંસાનો ધખારો
લાખો રાવણ વધારો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો 

અંધારું દૂર કરો
આતમ શુદ્ધ કરો
જગે પ્રકાશ ફેલાવો
દીવો રે પ્રગટાવો… દીવો રે પ્રગટાવો
– જગદીશ ક્રિશ્ચિયન ઑક્ટોબર ૨૦૧૦

આવું તારી કને! October 3, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
12 comments

Image from web

આવું તારી કને!

પારદર્શી પહેરણમાંથી
ગંજી પર પડેલા
તારા હાથના થાપા
શોધું છું!
મળતા નથી.
તારી જેમ એ પણ
અદૃશ્ય?
યાદ છે,
અવકાશ છે,
કૅન્વાસ છે,
છબી નથી બનતી!
ધૂંધળું કેમ દેખાય છે?
ચશ્મા ફરી ફરી સાફ કર્યા!
બારીમાંથી ચકલી આવી ફરર…
ઉપર જોયું તો ગાલ ભીના થયા.
આંખ સાફ કરી,
રૂમાલના ખૂણે નામ શોધ્યું,
તારા હાથે
ભરત ભરેલું, 
મળ્યું નહીં!
ચાલ હું જ આવું છું,
તારી કને.
– જગદીશ ક્રિશ્ચિયન – સપ્ટેમ્બર ૨૦૧૦

હમણાં ઓગસ્ટની ૨૯ તારીખે એક કાર્યક્રમમાં હાજર રહેલો ત્યાં અનાથ બાળકો માટે દાન માટે એક ઘોષણા કરવામાં આવી. આ બાળકોની માતાનું અવસાન થયું અને બીજાજ દિવસે એમના પતિનું પણ અવસાન થયું. ત્યારથી પતિ-પત્નીના પ્રેમ અને એમાંથી એકની વિદાય અને પછીનો ખાલિપો આ બધા વિચાર મનમાં ઘોળાતા હતા. તો એ વિષય પર લખવાનો વિચાર આવ્યો.  ત્યાં જ સપ્ટેમ્બરની પહેલી તારીખે મારા કાકાની દીકરીનો ૪૫ વરસનો દીકરો જે પોતે પણ બે દીકરાનો બાપ એ ભારે હ્રદયરોગના હુમલાનો ભોગ બન્યો અને બચી ન શક્યો. આ આઘાતની કળ વળી ત્યાં જ સપ્ટેમ્બરની ૨૯ તારીખે મારી પત્નીની નાની બહેનના ૨૪ વરસના એકના એક દીકરાએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું.  વિચારો બદલાતા રહ્યા પણ વિષય પકડીને ઉપર પ્રમાણેની આ કવિતા લખાઈ ગઈ.

પુનર્જન્મ August 30, 2010

Posted by jagadishchristian in અવનવું, કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
24 comments

મમ્મીએ ઉચકેલો ૧ વર્ષનો જગદીશ-ખંભાત રેલ્વે સ્ટેશન ૧૯૫૬

હમણાં જુલાઈમાં અમેરિકામાં ૨૫ વર્ષ પૂરાં થયાની (એક જીવન-મુકામ) વાત કરી હતી અને મારા અનુભવો અને અમેરિકાની જીવનશૈલી વિષે એક ગઝલ લખી હતી. ઘણાં મિત્રો અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા એ બધાંનો ખૂબ ખૂબ આભાર. આજે એક બીજા જીવન-મુકામની વાત કરવી છે. આજે ઓગસ્ટની ૩૦ તારીખ એટલે મારો જન્મદિવસ. હવે કેટલાં થયાં એની ગણતરી કરવા ન બેસતા. હું જ કહી દઉં, ૫૫ થયાં. ઈશ્વરની કૃપાથી શરીર તંદુરસ્ત છે અને સભાનતાપૂર્વક પ્રયત્ન પણ કરું છું કે તંદુરસ્ત રહું. શ્વેત થતા માથાના વાળ અને મૂછો કેમિકલના કમાલ થકી શ્યામ રાખી યુવાન દેખાવાનો ડોળ હજુ જાળવી રાખ્યો છે. આછાં થતા વાળને કારણે પડેલી ટાલને ઢાંકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કરતો રહું છું. ઇન્ડિયામાં હોત તો નિવૃત્ત થવાનો સમય થયો ગણાય પણ અહીં અમેરિકામાં તો ૬૮ વર્ષે નિવૃત્ત થવાનો નિયમ છે. અને છેલ્લા થોડા વર્ષોથી વયમર્યાદા ધીરે ધીરે વધારતા જાય છે એટલે કામ કરવાનું (વૈતરું કરવાનું) હજુ ચાલુ જ રહેશે (જીવનકાળ કે આયુષ્ય વધી રહ્યું છે ને?). વાનપ્રસ્થાશ્રમ તરફનું પ્રયાણ હવે કાલ્પનિક લાગે છે. જીવન જે દશામાં અને દિશામાં લઈ જાય એ તરફ પ્રમાણિકતાથી પ્રયાણ કરવું એજ હિતાવહ છે. આ પડાવ પર પહોંચ્યા પછી પાછળની કેટલીય એવી પરિસ્થિતિને કંઈક જુદી રીતે સંભાળી હોત તો સારું એવું લાગે, પણ ભૂતકાળને થોડો બદલી શકાય છે? જન્મદિવસ આવે એટલે પાછલાં વર્ષો અચૂક યાદ આવે અને એ બહુ જલદી વીતી ગયાનો અફસોસ થાય. અને ખાસ કરીને બચપણનો સમય તો બધાંને સાંભરે. ૫૫ વર્ષ પહેલાં બાળકનો જન્મ થાય અને અત્યારે બાળકનો જન્મ થાય તે બંને પરિસ્થિતિ વચ્ચે કેટલાય ફેરફાર થયા છે. કેટલાક સારા તો કેટલાક વણ-જોઇતા અને અજુગતા પણ છે. જો આજે આપણો પુનર્જન્મ થાય તો કેવી પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આજે જન્મતા બાળકો શું નથી મેળવી શકતા એ રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે તમને ગમશે.    

પુનર્જન્મ!

આજ મારો પુનર્જન્મ થ્યો
આજ આનંદ ઘરમાં ભયો

ના સુયાણી, પડોશણ નથી
દાકતર ના સહારે થયો

ના કશો શોર, ઘોંઘાટ ના
નાદ થાળી તણો ના થયો

મા નથી પાસ પડખે હજી
દૂધ પીવા સમય છે થયો

બાટલીમાં અમૂલ પેય પણ
ધાવવાની અધૂરપ ધયો

કેશ લાંબા, હશે ચોટલો
કાપ આ જોઈ હબકી ગયો

મા તણી ગોદ મળશે હતું
પારણે ગોઠવાઈ ગયો

બાપની ગોદ ભીંજાય પણ
સામનો ડાયપરથી થયો

ખોદતાં ભોંયને નખ વતી
મારબલ ફર્શ લસરી ગયો

ભીંતને ખોતરી ચાટવા
ના મળે ચૂનો, એ કાં ગયો

બાપ ઑફિસ જતા છે ખબર
મા ગઈ, તો અચંબી ગયો

આ સજા સમય “જગદીશ” છે
આજ મારો પુનર્જન્મ થ્યો

– જગદીશ ક્રિશ્ચિયન ઓગસ્ટ ૨૦૧૦
છંદ વિધાન: ગાલગા ગાલગા ગાલગા

પુનર્જન્મ પર શ્રી. સૂફી પરમારની સુંદર ગઝલ

 

મારા સાળાએ હમણાં જ મોકલેલ બર્થડે કાર્ડ-૨૦૧૦ નો જગદીશ

નિંદા! June 28, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
21 comments

Image from web

નિંદા!

ઊભો રહ્યો વર્ષોથી સાચવતો બહેરો, મૂંગો, અબોલ!
હસતા મુખે!
ના ફરિયાદ!
તાપ-તડકો વરસાદ વેઠ્યાં!
હિમ ઠરી ઠામ!
આંબો કાપ્યો, આસોપાલવ ને મહુડોય
ખોદી નાંખ્યાં ખેતર!
મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે…
ટેનામેન્ટના વાતાનુકૂલિત ખંડમાં!
સલ્ફેટિયાં હાઇબ્રીડ ઘઉં ચોખા અને બીજું બધુંય!
પચાવવા ચવનપ્રાશ!
હાર્ટબર્ન માટે ઝેન્ટેક!
મારા હ્રદયમાં તું…
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ! 
પ્લાસ્ટિકીયા તોરણ અને બ્લેક લેબલ!
દ્વાર પર દરવાન આતંકવાદની રાહ જોતો!
પણ ઊભો છે બીતો અધખુલ્લી આંખે
લઠ્ઠાથી લદાયેલો!
સ્ટોકમાર્કેટમાં ગેસ પાતાળથી આકાશ પર
ને બધા તારા ધૂંધળા!
દૂધનો પાઉડર અને મેન્ગો પલ્પ…
બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
ચંગીઝખાન, હિટલર, ઓસામા?
રીસાયકલ યાર્ડમાં પડેલો છું
હજુય!
હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!
– જગદીશ ક્રિશ્ચિયન – જૂન ૨૦૧૦

ચાડિયા વિષે થોડી પંક્તિઓ (શેર)

ખેતર વચ્ચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !
– લાલજી કાનપરિયા

ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,
છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.
– દત્તાત્રય ભટ્ટ

પંખીઓ આવી ખભા પર બેઠા,
ચાડિયો આજ અચંબામાં છે.
– ભાવેશ ભટ્ટ

ચાડિયાના કારણે એક ખેડૂતને જેલ જવું પડેલું. વાંચવા માટે ક્લિક અહીં કરો. 

ન શોધ! June 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
21 comments

Picture from web

ન શોધ!


આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ  

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ

“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ 
– જગદીશ ક્રિશ્ચિયન – મે ૨૦૧૦
છંદ વિધાન – ગાગાલગા ગાગાલગા (લ)

પથ્થર! May 16, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , ,
19 comments

Image from web

પથ્થર!

શેર માટી ની ખોટ ગામેગામ પૂજ્યા પથ્થર
ખીણ-ખડકો નાળાં-નદી પગથાર રોળ્યા પથ્થર

દોરધાગા તાવીજ મંદિર અર્જ મંતર જંતર
ટોપલાઓ શ્રીફળ તણા કેટલાય ફોડ્યા પથ્થર

સંત હઝરત મોઈનુદીનહસન સુફી અજમેરી 
ફૂલચાદર મન્નત ભરી પયગામ ઓઢ્યા પથ્થર

મુંબઈની લાંબી મજલ માઉન્ટ મેરી દેવળ
માથું ઢાળી બે પગ થકી ઘૂંટણિએ ટેક્યા પથ્થર

પાછલા અંધારા દિવસ, ના દીકરો દીવો બને
સાંભળો મમતાનો કરુણ ચિત્કાર પાક્યા પથ્થર

મોત પાછળનો આ જુઓ “જગદીશ” આડંબર તો
ફૂલમાળા તખતી કબર આરસ મઢાવ્યા પથ્થર

– જગદીશ ક્રિશ્ચિયન મે ૨૦૧૦
છંદ વિધાન – ગાલગાગા ગાગાલગા ગાગાલગા ગાગાગા

ખાસ નોંધ: ગયા રવિવારે અમેરિકા અને બીજા ઘણા દેશમાં માતૃદિનની ઉજવણી થઈ. ઘણા બધાએ માતાના વખાણ કરતાં કાવ્ય, ગઝલ કે લેખ લખ્યા. આનંદ થયો. પણ અહીં અમેરિકામાં ઘણાં એવા મા-બાપ છે જેમને તેમના દીકરાઓ (છોકરાઓ) બહુ સારી રીતે રાખતા નથી. તો એવી માતાની પીડાને વાચા આપતી આ ગઝલ લખી છે. આશા છે કે તમને ગમશે. તમારા મૂલ્યવાન અભિપ્રાય, સલાહ-સૂચન, પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડશે. એક વાતનો અફસોસ છે કે સમયના અભાવે હું દરેક પ્રતિભાવ આપતા મિત્રોને વ્યક્તિગત ઈમેલથી આભાર વ્યક્ત નથી કરી શકતો. પણ બધા મિત્રો જે મારા બ્લોગની મુલાકાત લે છે એમનો અને ખાસ કરીને જે પ્રતિભાવ આપે છે એ બધાનો હું ઋણી છું.

ઘર ઘર રમીએ! May 2, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
29 comments

Image from web

ઘર ઘર રમીએ!

ચાલ પાછાં બાળપણના ઓટલે ઘર ઘર રમીએ
રાજરાણી ભોળપણના પોટલે ઘર ઘર રમીએ

ઓઢ ઢાંકી દે વદન ઘૂંઘટ થકી શરમાળ થા તું
આવ પેલી નાસમજના ટોડલે ઘર ઘર રમીએ

ચાલ છોડ ગુલાબગુછ ખુશબો રહિત ઠાલા તમાશા
રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ
– જગદીશ ક્રિશ્ચિયન – એપ્રિલ ૨૦૧૦
છંદ વિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ઘર ઘર રમીએ વિષય પર લેખ અને બીજી કવિતા માણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર સપ્ટેમ્બર ૦૫ ૨૦૦૮ – શ્રી. કાંતી ભટ્ટનો સરસ લેખ

ગુજરાત સમાચાર ઑક્ટોબર ૧૪ ૨૦૦૮

સપનાબેનની કવિતા

પ્રવિણાબેન કડકિયાની કવિતા 

આ કવિતા જ્યારે પ્રકાશિત કરી હતી ત્યારે પ્રવિણાબેનની અટક ખોટી જણાવી હતી એના માટે ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરું છું.

ઘનશ્યામભાઈ – શબ્દનું સરોવર – ઘર વિષેની ઘણી કવિતાનું સંપાદન

ડો. નીલેશ રાણાની કવિતા શ્રી. નયનેશ જાનીનું સ્વર નિયોજન અને સોલી તથા નિશા કાપડિયાના આવાજમાં મિજાજ આલ્બમનું આ ગીત સાંભળો રણકાર.કોમ પર.

હું નથી! March 20, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , , ,
26 comments

હું નથી!

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

હું ચાંદો નથી શાની ચાંદની
છૂપાતો નથી ખોવાતો નથી

ના ફૂલ પાંદડા પતઝડની ફિકર
ના મ્હેકું ભલે કરમાતો નથી

હું દરિયો નથી આંધી-ઓટ ના
ના હું ક્ષારતો, ઘૂઘવતો નથી

હું સરિતા નથી સાગરમાં ભળું
ના ડૂબાળતો, છલકાતો નથી

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

હું શમણું નથી ગાયબ જે થતું
ના લોભાવતો, તડપાવતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી
– જગદીશ ક્રિશ્ચિયન માર્ચ ૨૦૧૦

છંદ વિધાન: ગા ગાગાલગા ગા ગાગાલગા

ભસ્મ બુધવાર (Ash Wednesday) થી ઈસ્ટર સુધીના સમયગાળાને ખ્રિસ્તી લોકો તપઋતુ (Lenten Season) ગણે છે. આ સમય દરમ્યાન લોકો ઉપવાસ કરે છે, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી પાપ ન કરવાનો દૃઢ નિર્ણય કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે “જેમ તારી જાત પર પ્રેમ કરે છે એવો બધાને પ્રેમ કર”. પણ આવું કરનારા કેટલા છે એ મોટો પ્રશ્ન છે.

શું થશે? February 6, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , , ,
14 comments

શું થશે?

નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?

મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?

સદા નડે માર્ગ મધ્યે પ્હાણ તું!
તનેજ બસ ટોકવાથી શું થશે?

ભરાવવો હોજ તો છે દૂધથી!
સફેદ જળ ઢોળવાથી શું થશે?

નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?

કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?

નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?

– જગદીશ ક્રિશ્ચિયન નવેમ્બર ૧૫, ૨૦૦૯
છંદ વિધાન: લગાલગા ગાલગાગા ગાલગા