jump to navigation

શકાય છે! June 17, 2013

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , ,
11 comments

મિત્રો,

ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..

Shakaaychhe

માર્ગ મળશે હે હ્રદય – જનાબ ગની દહીંવાલા – શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાય December 5, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , ,
6 comments

ઘણા સમયથી જનાબ ગની દહીંવલાની એક ગઝલ જેનું સ્વરાંકન ગુજરાતી સુગમ સંગીતના શહેનશાહ શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયે કરેલું છે, અને એ ગઝલ એમણે ગાઈ છે પણ ખરી, એને આપ મિત્રો સાથે માણું. આજે એ દિવસ આવી ગયો લાગે છે. ઇન્ટરનેટ પર તપાસી લીધું કે કોઈએ આ ગઝલ ક્યાંય રજૂ કરી છે કે નહીં. અને ક્યાંય આ ગઝલ મળી નહીં સિવાય કે એકાદ શેરનો ક્યાંક ઉલ્લેખ થયો હોય. શબ્દો ગઝલ સાંભળીને લખ્યા છે તો કોઈ ભૂલચૂક હોય તો અવશ્ય જણાવજો.

૨૦૦૧ ની સાલમાં શ્રી. પુરુષોત્તમ ઉપાધ્યાયના અનમોલ આલબમમાં આ ગઝલ છે. જેની ઑડિયો રજૂ કરું છું. આજ ગઝલ એમણે ૭૫ (ઑગસ્ટ ૧૫ ૨૦૦૯ ના દિવસે) વર્ષની ઉંમરે સપ્ટેમ્બરની ૧૨ ૨૦૦૯ના દિવસે એક ખાનગી બેઠકમાં ગાયેલી, જેમાં હાજર રહેવાનું સૌભાગ્ય મને સાંપડેલું તો એની વિડિયો પણ આ સાથે રજૂ કરું છું.

માર્ગ મળશે હે હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય રે ઝાકળની મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું શું થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ ઈશ્વર કને
આપણે થાશું સફળ તો બેઉ ગણનું શું થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે જીવવા દેજો મને 
જૂજવા મૃગજળ જતાં તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી નિર્દોષ તારા બાળપણનું શું થશે
– જનાબ ગની દહીંવાલા

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 9, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , ,
43 comments

Clera & Jagadish getting married on Novermber 09 1985

આજે નવેમ્બરની ૯ તારીખે અમારા લગ્ન જીવનના ૨૫ વરસ પૂરાં થયાં. છેલ્લાં ૨૫ વરસ હસતાં-રડતાં, રિસાતાં-મનાવતાં, ગુસ્સે થતાં-માફી માગતાં, એકબીજાને વેઠતાં-વેઠાવતાં વીતી ગયાં. ક્યારેક આ જંજાળમાં ક્યાં ફસાયા એવું લાગે પણ મોટા ભાગના સમયે એક અનેરા આનંદનો અનુભવ થયો છે. દાંપત્ય સંબંધ જાળવવા માટે એકબીજાની માન-મર્યાદા, બાંધ-છોડ અને સમાધાનની સમજણ એ ખૂબ જરૂરી છે. અપેક્ષાઓ અને ઉપેક્ષાઓ વચ્ચેનું સમતોલન જાળવવું એ અત્યંત આવશ્યક છે. અને જે આ પ્રમાણે જાળવી નથી શકતા એમના સંબંધમાં તિરાડ પડી જાય છે. અને આ તિરાડ બાળકોના જન્મ પશ્ચાત્ પણ યથાવત્ રહે છે અને પરિણામે છૂટા થતા હોય છે. પ્રેમ-લગ્ન નિષ્ફળ જતા હોય છે તો કેટલાય લગ્ન પછી પ્રેમ પ્રગટાવતા હોય છે. આજકાલ લગ્ન-વિચ્છેદના ઘણા કિસ્સા જોવા મળે છે. તો ઘણા ધાર્મિક કે કાયદેસર રીતે લગ્ન બંધનમાં જોડાયા સિવાય વૈવાહિક જીવનના લાભ લેતા હોય છે. તો ઘણા સમલિંગી સંબંધોને લગ્નનું સ્વરૂપ આપવાની લડાઈ લઈને બેઠાં છે. ઈશ્વરે આદમ અને હવા બનાવ્યા અને આ સંસારની શરૂઆત થઈ એવું કહેવાય છે. એ જ ઈશ્વરને આપણે બનાવતા થઈ ગયા છીએ. આ કથાવસ્તુને ધ્યાનમાં રાખી એક ગઝલ લખી છે. આશા છે તમને ગમશે. 

  

 

આજે અમેરિકામાં ૨૫ વરસ પૂરાં થયાં July 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
35 comments

Image from web

આજે જુલાઈની ૧૫ તારીખ એટલે મને અમેરિકા આવ્યાના ૨૫ વરસ પૂરાં થયાનો દિવસ. પોતાનો દેશ છોડી અમેરિકાને કર્મભૂમિ બનાવી અમેરિકન નાગરિકત્વ મેળવીને સ્થાયી થયાનો રંજ સાથે આનંદ છે. કેટલું ગુમાવ્યું તો કંઈ કેટલુંય મેળવ્યું. અલગ સમાજ વ્યવસ્થાને આધીન રહી ગળથૂથીની સંસ્કૃતિ અને સંસ્કાર જાળવી સમતોલન કેળવવાના કપરાં પ્રયત્નો. ભાષા અને ઉચ્ચારણને આત્મસાત્ કરવાની તનતોડ કોશિશ અને આત્મસંતોષ મેળવ્યા પછી અહીં જન્મેલા પુત્ર-પુત્રીઓની ઉચ્ચારણ શુધ્ધીની ટકોર. પણ એજ અહીં જન્મેલા બાળકોને ગુજરાતી બોલતા રાખ્યાનું ગૌરવ. ઇટાલિયન બેકરીના ચીકણા વાસણ ધોવાથી માંડી ન્યૂઝસ્ટેન્ડ પર નોકરી અને કારખાનાની કપરી કામગીરી પછી કન્ટ્રોલરની ખુરશી સુધીનો પરિશ્રમ અને પરિણામ. વૈવાહિક જીવનના મૂળભૂત પ્રશ્નો ઉપરાંત અમેરિકન જીવનશૈલીથી ઉમેરો થતા પ્રશ્નોને વેઠી, સમજી અને ઉકેલવાની કસોટી. બાળકોના યોગ્ય ઉછેરના પડકાર. ભાઈબહેન પોતપોતાના પરિવાર સાથે રહેવા છતાં સંયુક્ત કુટુંબની ભાવના, પ્રેમ અને લાગણીની જાળવણી. નવા મિત્રો અને જુના સંબંધોનો સમન્વય. ભાડાના મકાનથી પોતાનું ઘર હોવાનો પરિતોષ. કેટલીક ટેવ-કુટેવમાંથી મુક્તિ મળી તો નવી ટેવ-કુટેવનો પગપેસારો. ટેલિવિઝન અને ઈન્ટરનેટના માધ્યમે એવો અટવાવી દીધો કે વાંચવાનું અને એમાંય ખાસ કરીને ગુજરાતી ઓછું થતું ગયું. છત્રીસની છાતીની જગ્યાએ કમર મેદાન મારી ગઈ. જીવનનિર્વાહની વિટંબણા અને કૌટુંબિક જવાબદારીએ શોખને ક્યારે અભરાઈ ઉપર ચડાવી દીધા એ ખ્યાલ પણ ન રહ્યો. ક્યારેક અતીતને વાગોળી લીધો તો ક્યારેક અભરાઈ ઉપરથી ઉતારી ધૂળ ખંખેરી પાછાં મૂકી દીધા. દીકરો મોટો થયો એટલે થોડી હળવાશ અને નવરાશ મળી તો પાછું લખવાનું-વાંચવાનું ચાલું થયું. નિષ્ફળતાને નિસરણી બનાવી સફળતા સુધી પહોંચવાનો શ્રમ. માતૃભાષાનું અવિરતપણે ખેડાણ કરવાની ખેવના. દરેક દિશા તરફ પ્રયાણ અને દરેક દશાનો સામનો કરવાનો નિર્ધાર.

પણ ઉપર જણાવેલી બધીજ દિશા અને દશા માતૃભૂમિ હોય કે પરદેશ અત્ર તત્ર સર્વત્ર લગભગ સરખી જ હોય છે. કોઈ જગ્યાએ એક પરિસ્થિતિ થોડી હળવાશ કે સરળતાથી ઉદભવે અને બીજે… પણ જીવનનો એક સીધો સાદો નિયમ દુનિયાના બધા ખૂણે, બધી દિશાએ, બધી દશામાં, બધી ભાષામાં એક જ છે. સપનાં જોઈને એને પૂરા કરવા સીધા રસ્તે ઈશ્વર પર સઘળી શ્રદ્ધા સાથે સંપૂર્ણ પ્રમાણિક પ્રયત્નપૂર્વક બીજાને નડ્યા વગર ચાલ્યા કરવું અને મંજિલ સુધી પહોંચી જ જવાશે. પહોંચ્યા પછી સંતોષ ન થાય તો વાંક આપણો પોતાનો છે. આપણે સપના જોવા અને મંજિલને પહોંચવાના પ્રવાસ દરમ્યાન કશુંક ચૂકી ગયા છીએ કે આડરસ્તો લીધો અને ભટકી ગયા અને મોડા પહોંચ્યા કે બીજાને નડવા માટે એટલો સમય અને શક્તિ બગાડ્યા કે પછી મોડા પડ્યા કે આગળ વધવા માટે તાકાત બચી નહીં.

ખેર! આ જીવનનો ક્રમ છે અને બધા એમાંથી પસાર થતા હોય છે. અમેરિકામાં આપણા લોકો કેવી રીતે રહે છે અને કેવાં ફેરફાર થતા હોય છે એને એક ગઝલ સ્વરૂપ આપ્યું છે. કોઈએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૂર નથી. કોઈની લાગણી દુભાવવાનો જરાય આશય નથી. જે હકીકત છે એને રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.

અમેરિકન દેશી!

દેશ છોડી પાર ખેડી સાત સાગર અમરિકામાં
રૂપિયા ઓગણપચાનો એક ડોલર અમરિકામાં

હાઇ બોલી હાય ડોલર એ જ ઈશ્વર અમરિકામાં
સેલ હો તો લે ખરીદી બસ ભરે ઘર અમરિકામાં

શ્યામ બનતો સેમ તો પ્રદીપ પીટર અમરિકામાં
પાઉન્ડ નહિ ગ્રામ બનતું યાર્ડ મીટર અમરિકામાં

જોબ જેવી તે પ્રમાણે રંગ કૉલર અમરિકામાં
ખુદ કરે છે કામ ખુદનાં, ના જ નોકર અમરિકામાં

ખુદ ચલાવે, સાફ કરતા જાત મોટર અમરિકામાં
વેડફે ના રાખવા આનોય શોફર અમરિકામાં

નામ તો ગાંધી રટે પણ સ્ટોર લીકર અમરિકામાં
ભાલ પર તો છે તિલક, શોપ કિંગબર્ગર અમરિકામાં

માલિકી મોટલ છતાં ખુદ બેડમેકર અમરિકામાં
શાકભાજી ઘેર વાવે, બહુ કરકસર અમરિકામાં

લો દફન સૌ છે ઘરેણાં બેંક લોકર અમરિકામાં
છોકરાંઓ કેડ છોડી શયન સ્ટ્રોલર અમરિકામાં

ના નદી ના વાવ, મિનરલ હોય વોટર અમરિકામાં
સોમરસનું પાન કાળી જોન વોકર અમરિકામાં

રોટલી ને શાક ભેગાં નામ રૅપર અમરિકામાં
પાંવ-ભાજી, ના વડા ના પાંવ, વ્હોપર અમરિકામાં

હાથથી ફુટબોલ પગની લાત સોકર અમરિકામાં
નામ તો પીચર અહીં કહેવાય બોલર અમરિકામાં

ભોગવે આઝાદી તો પણ ગાળ મોં ભર અમરિકામાં
ભાગ પાછો જા તજી આ દેશ ઠોકર અમરિકામાં

હાશ આ “જગદીશ” ખાઈ લાખ ઠોકર અમરિકામાં
આજ ખુશ તો છે બની ગૂર્જર બ્લોગર અમરિકામાં
– જગદિશ ક્રિશ્ચિયન જૂન ૨૦૧૦
છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

આ રજત જયંતિ ઉજવણી ઇન્ડિયાની મુલાકાત વગર પૂરી ન થાય. તો જુલાઈની ૨૨ તારીખે હું મારી પત્ની ક્લેરા અને પુત્ર રૉડની સાથે બસ દસ દિવસ માટે ઇન્ડિયાની મુલાકતે જઈએ છીએ. ૨૪ જુલાઈથી ૨૯ જુલાઈ હું નડિયાદ ખાતે રહેવાનો છું. જુલાઈ ૩૦ થી ઓગસ્ટ ૩ સુધી ચેનાઈ (મદ્રાસ) રહેવાનો છું. આ મુલાકાત દરમ્યાન કોઈપણ ગુજરાતી બ્લોગરની મુલાકાત શક્ય બને તો આનંદ થશે.  

Image from web

ન શોધ! June 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
21 comments

Picture from web

ન શોધ!


આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ  

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ

“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ 
– જગદીશ ક્રિશ્ચિયન – મે ૨૦૧૦
છંદ વિધાન – ગાગાલગા ગાગાલગા (લ)

સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા June 7, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, મારી કવિતા, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
21 comments
જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાંજે સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ કવિ ગઝલકાર અને નાટ્યકાર શ્રી. ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને તેમણે સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અમારા ન્યુ જર્સીના જાણીતા હાસ્યરસિક સાહિત્યકાર શ્રી. હરનિશ જાનીએ કર્યું હતું. કાર્યક્રમમાં બાર સ્થાનિક સર્જકોએ પોતાની ગદ્ય-પદ્ય રચનાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં મેં મારી એક ગઝલ રજૂ કરી હતી. બીજા સર્જકોમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ, ડૉક્ટર નીલેશ રાણા, શ્રી. વિરાફ કાપડિયા, મોના નાયક “ઊર્મિસાગર”, શ્રીમતી હંસા જાની, શ્રી. પવિણ પટેલ “શશી”, શ્રીમતી બિસ્મિલ મન્સુરી, શ્રી. રોહિત પંડ્યા, ચિરાગ પટેલ રચના ઉપાધ્યાય અને શ્રી. અશોક વિધવાંશ અને શ્રી. હરનિશ જાનીએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.

શ્રી. ચિનુ મોદીની સૂચના પ્રમાણે મારી ગઝલ સુધારી છે તથા એક શેર પણ ઉમેર્યો છે. જે હાઈલાઈટ કરેલ છે. આ ગઝલ ડિસેમ્બરમાં આજ બ્લોગ પર મૂકી હતી.

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે

આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધારું જ હોય છે 

આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભારું જ હોય છે

રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે

તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે

આમ તો મિત્રો ઘણાં દુશ્મન પણ એટલા જ છે
આવશે જો મોત એ તો નોંધારું જ હોય છે

જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન શણગાર્યું સારું જ હોય છે
-જગદીશ ક્રિશ્ચિયન  જૂન ૦૭ ૨૦૧૦

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

કાર્યક્રમના અંતે એકેડેમીના પ્રમુખ શ્રી. રામ ગઢવીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે યોજાનાર એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂજ્ય શ્રી. મોરારી બાપુની સાત દિવસની કથા એડિસન ન્યુ જર્સી ખાતે આવેલા એક્ષ્પો સેંટરમાં યોજવામાં આવી છે. જુલાઈની ૩-૧૧ સુધી ચાલનાર આ કથા દરમ્યાન સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ઘર ઘર રમીએ! May 2, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , ,
29 comments

Image from web

ઘર ઘર રમીએ!

ચાલ પાછાં બાળપણના ઓટલે ઘર ઘર રમીએ
રાજરાણી ભોળપણના પોટલે ઘર ઘર રમીએ

ઓઢ ઢાંકી દે વદન ઘૂંઘટ થકી શરમાળ થા તું
આવ પેલી નાસમજના ટોડલે ઘર ઘર રમીએ

ચાલ છોડ ગુલાબગુછ ખુશબો રહિત ઠાલા તમાશા
રાતરાણી ફૂલ ફોરમ ખોબલે ઘર ઘર રમીએ

સ્નેહનો સંહાર છોડી સ્વાર્થના પ્રવાહની આ
પાળ તોડી નિષ્કપટના ગોખલે ઘર ઘર રમીએ

આતમા પર છે પડેલો તિમિર મીટાવી દઈને
આવ પારસમણિ રતનના મોભલે ઘર ઘર રમીએ

હાશ રે સારું થયું “જગદીશ” માની એ ગયા તો
ગોળ ઘી ને બાજરીના રોટલે ઘર ઘર રમીએ
– જગદીશ ક્રિશ્ચિયન – એપ્રિલ ૨૦૧૦
છંદ વિધાન ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

ઘર ઘર રમીએ વિષય પર લેખ અને બીજી કવિતા માણવા નીચેની લિન્ક પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર સપ્ટેમ્બર ૦૫ ૨૦૦૮ – શ્રી. કાંતી ભટ્ટનો સરસ લેખ

ગુજરાત સમાચાર ઑક્ટોબર ૧૪ ૨૦૦૮

સપનાબેનની કવિતા

પ્રવિણાબેન કડકિયાની કવિતા 

આ કવિતા જ્યારે પ્રકાશિત કરી હતી ત્યારે પ્રવિણાબેનની અટક ખોટી જણાવી હતી એના માટે ખેદ સાથે દિલગીરી વ્યક્ત કરું છું.

ઘનશ્યામભાઈ – શબ્દનું સરોવર – ઘર વિષેની ઘણી કવિતાનું સંપાદન

ડો. નીલેશ રાણાની કવિતા શ્રી. નયનેશ જાનીનું સ્વર નિયોજન અને સોલી તથા નિશા કાપડિયાના આવાજમાં મિજાજ આલ્બમનું આ ગીત સાંભળો રણકાર.કોમ પર.

હું નથી! March 20, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , , , , , ,
26 comments

હું નથી!

હું સૂરજ નથી, હું તપતો નથી
હું ના ઊગતો, આથમતો નથી

હું ચાંદો નથી શાની ચાંદની
છૂપાતો નથી ખોવાતો નથી

ના ફૂલ પાંદડા પતઝડની ફિકર
ના મ્હેકું ભલે કરમાતો નથી

હું દરિયો નથી આંધી-ઓટ ના
ના હું ક્ષારતો, ઘૂઘવતો નથી

હું સરિતા નથી સાગરમાં ભળું
ના ડૂબાળતો, છલકાતો નથી

પાણી ઊડતું થૈ બાષ્પીભવન
ના તરસાવતો, ઢોળાતો નથી

હું ના હિમ, ઠરું ના હું ઓગળું
ના લપસાવતો, થીજવતો નથી

હું શમણું નથી ગાયબ જે થતું
ના લોભાવતો, તડપાવતો નથી

વધસ્તંભે ચડાવે છે ઈસુને
માનવ રોજ તું, શરમાતો નથી

છે ‘જગદીશ’ તું એમાંનો જ જે
રે પાપી જરા પસ્તાતો નથી
– જગદીશ ક્રિશ્ચિયન માર્ચ ૨૦૧૦

છંદ વિધાન: ગા ગાગાલગા ગા ગાગાલગા

ભસ્મ બુધવાર (Ash Wednesday) થી ઈસ્ટર સુધીના સમયગાળાને ખ્રિસ્તી લોકો તપઋતુ (Lenten Season) ગણે છે. આ સમય દરમ્યાન લોકો ઉપવાસ કરે છે, પોતાના પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને ફરી પાપ ન કરવાનો દૃઢ નિર્ણય કરે છે. ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે “જેમ તારી જાત પર પ્રેમ કરે છે એવો બધાને પ્રેમ કર”. પણ આવું કરનારા કેટલા છે એ મોટો પ્રશ્ન છે.

સ્વર્ગસ્થ કવિ શ્રી. રાવજી પટેલ વિષે February 15, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
16 comments

હમણાં એક બ્લોગ પર કવિશ્રી સ્વ. રાવજી પટેલના સાહિત્ય પ્રદાનના વખાણ કરનારની આ કવિ વિષેની બિનજાણકારી એ મજાક અને ચર્ચાનો વિષય બન્યો હતો. કોઈપણ સાહિત્યકાર, કલાકાર કે પ્રખ્યાત વ્યક્તિના જન્મદિવસ કે મરણદિવસ કે તેમની હયાતીપણાની જાણકારી એ વિશિષ્ટ જ્ઞાન માગી લે છે. અને દરેક વ્યક્તિને એ જ્ઞાન હોય જ એ જરૂરી નથી. અને આ જ્ઞાન એ સામાન્ય જ્ઞાનની પરિભાષામાં આવતું નથી. અને જીવિત કે મૃત વ્યક્તિના વખાણ કરવા કે એમણે કરેલાં કાર્યના અભિનંદન આપવા એમાં ખોટું શું છે?

સામાન્ય જ્ઞાન એટલે કે common sense નું અર્થકરણ નીચે પ્રમાણે છે.

Common sense – Noun

Sound practical judgment that is independent of specialized knowledge, training, or the like, normal native intelligence.

આ પોસ્ટ મૂકવાનો આશય કોઈનું પણ અપમાન કરવાનો નથી. પણ મારી પાસે એક પુસ્તક છે એમાંથી સ્કેન કરીને એમના વિષે થોડી માહિતી અને એમનાં બે કાવ્યો એમના પોતાના હસ્તાક્ષરમાં અને એમની બે ગઝલ અહીં રજૂ કરું છું. તે પહેલાં એમનું અમર ગીત “મારી આંખે કંકુનાં” સાંભળો.

અહીં ક્લિક કરો શ્રી. રાવજી પટેલ વિષે શ્રી. રઘુવીર ચૌધરીના પોતાના અનુભવ “રાવજી એટલે રાવજી”

બે ગઝલ – કવિશ્રી. સ્વ. રાવજી પટેલ 

૧.
આવકારો આ ઝરણ પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.
લ્યો ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંઝિલ ધારશે – થાકી ગયાં.
રણ, તને કેવી મળી છે પ્રેયસી?
ઉમ્રભરની જે તરસ આપી ગયાં.
આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.
આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.

૨.
કદી આંખમાંથી ઊડી જાય પંખી,
કદી આંખ વચ્ચે પડી ન્હાય પંખી.
અટારી નીચે વૃક્ષ ઊગ્યું’તું મનમાં,
વિચારો થઈ આજ અટવાય પંખી.
કરી પાંખ પ્હોળી ઉભય ગાલ ઉપર,
તમારા ચહેરાનું મલકાય પંખી.
નર્યાં ફૂલ વચ્ચે રહી રહીને થાક્યું,
હવે શબ્દ થઈને આ અંકાય પંખી.
પણે ડાળ આંબાની ટહુક્યા કરે છે,
પણે રાત આખી શું વેરાય પંખી.
હજી જીવું છું એનું કારણ છે એક,
હજી શ્વાસમાં એક સંતાય પંખી.

શું થશે? February 6, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.
Tags: , , , , , ,
14 comments

શું થશે?

નસીબને કોસવાથી શું થશે?
અતીતને દોષવાથી શું થશે?

મુકામ તરછોડવાથી શું થશે?
કમોત પોકારવાથી શું થશે?

સદા નડે માર્ગ મધ્યે પ્હાણ તું!
તનેજ બસ ટોકવાથી શું થશે?

ભરાવવો હોજ તો છે દૂધથી!
સફેદ જળ ઢોળવાથી શું થશે?

નયન ખુલે પણ તરે જો તિમિર તો!
તરંગ ફંફોસવાથી શું થશે?

કપટ પ્રપંચો જ, પ્રમાણિક નથી!
લલાટ પર છોડવાથી શું થશે?

નથી તમારા દિલે ‘જગદીશ’ તો!
દરે-ખુદા ઠોકવાથી શું થશે?

– જગદીશ ક્રિશ્ચિયન નવેમ્બર ૧૫, ૨૦૦૯
છંદ વિધાન: લગાલગા ગાલગાગા ગાલગા